Bhagavad Gita: Chapter 16, Verse 12

આશાપાશશતૈર્બદ્ધાઃ કામક્રોધપરાયણાઃ ।
ઈહન્તે કામભોગાર્થમન્યાયેનાર્થસઞ્ચયાન્ ॥ ૧૨॥

આશા-પાશ—કામનાઓનું બંધન; શતૈ:—સેંકડો; બદ્ધા:—બંધાયેલું; કામ—કામ; ક્રોધ—ક્રોધ; પરાયણા:—પરાયણ; ઈહન્તે—પ્રયાસ; કામ—કામ; ભોગ—ઇન્દ્રિયભોગ; અર્થમ્—માટે; અન્યાયેન—ગેરકાયદેસર; અર્થ—સંપત્તિ; સંચયાન્—સંચય.

Translation

BG 16.12: સેંકડો કામનાઓના બંધનથી જકડાયેલા તથા કામ અને ક્રોધથી દોરવાયેલા તેઓ તેમની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અન્યાયિક સાધનો દ્વારા સંપત્તિનો સંગ્રહ કરવાના પ્રયાસો કરે છે.

Commentary

ધન એ સંસારમાં આનંદ મેળવવાનું સાધન છે. તેથી જ અતૃપ્ત કામનાઓથી સંચાલિત માયિક લોકો ધન સંચયને તેમના જીવનમાં આટલી અગત્યતા અને સંમતિ આપે છે. તેઓ ધન ઉપાર્જન માટે અનૈતિક સાધનોનો અંગીકાર કરતા અચકાતા પણ નથી. પરિણામે, તેમના અનૈતિક આચરણ માટે બમણી સજાઓ તેમની પ્રતીક્ષા કરે છે. ભાગવતમ્ વર્ણન કરે છે:

           યાવદ્ ભ્રિયેત જઠરં તાવત્ સ્વત્વં હિ દેહિનામ્

           અધિકં યોઽભિમન્યેત સ સ્તેનો દણ્ડમર્હતિ (૭.૧૪.૮)

“વ્યક્તિને કેવળ એટલી જ સંપત્તિ રાખવાનો અધિકાર છે, જેટલી તેના જીવનનિર્વાહ માટે આવશ્યક હોય (શેષનું દાન કરી દેવું જોઈએ). જો કોઈ તેની આવશ્યકતાથી અધિક સંગ્રહ કરે છે તો ભગવાનની દૃષ્ટિએ તે ચોર છે અને સજાને પાત્ર છે.” સજા શું છે? પ્રથમ, મૃત્યુ સમયે આ પ્રાપ્ત સંપત્તિ સાથે નહીં જાય—તેને છીનવી લેવામાં આવશે. બીજું, કર્મના સિદ્ધાંત પ્રમાણે, સંપત્તિના ઉપાર્જન માટે આચરવામાં આવેલા પાપ માટે દંડ આપવામાં આવશે. જે પ્રમાણે, દાણચોર પકડાઈ જાય છે ત્યારે કેવળ તેનો સામાન જ જપ્ત થતો નથી, પરંતુ કાયદાના ભંગ માટે તેને પણ સજા કરવામાં આવે છે.