Bhagavad Gita: Chapter 16, Verse 23

યઃ શાસ્ત્રવિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ।
ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખં ન પરાં ગતિમ્ ॥ ૨૩॥

ય:—જે; શાસ્ત્ર-વિધિમ્—શાસ્ત્રોક્ત આજ્ઞા; ઉત્સૃજ્ય—ઉત્સર્જન; વર્તતે—ક્રિયા; કામ-કારત:—કામનાઓના આવેશમાં; ન—નહીં; સ:—તેઓ; સિદ્ધિમ્—સિદ્ધિ; અવાપ્નોતિ—પામે છે; ન—નહીં; સુખમ્—સુખ; ન—નહીં; પરામ્—પરમ; ગતિમ્—ગંતવ્ય.

Translation

BG 16.23: જે લોકો શાસ્ત્રોક્ત આજ્ઞાઓની અવહેલના કરીને કામનાઓના આવેગવશ મનસ્વી થઈને કાર્ય કરે છે, તેઓ જીવનમાં ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ન તો આનંદ પ્રાપ્ત કરે છે કે ન તો પરમ ગતિને પામે છે.

Commentary

શાસ્ત્રો એ પ્રબુદ્ધતાની યાત્રામાં મનુષ્યને પ્રદાન કરવામાં આવેલો માર્ગદર્શક નકશો  છે. તેઓ આપણને જ્ઞાન તથા સમજણ પ્રદાન કરે છે. તેઓ આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગે પણ આદેશો આપે છે. આ આજ્ઞાઓ બે પ્રકારની છે—વિધિ અને નિષેધ. ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓનું પાલન કરવાના નિર્દેશોને વિધિ કહે છે. ચોક્કસ પ્રકારના કાર્યો ન કરવાના નિર્દેશોને નિષેધ કહે છે. આ બંને પ્રકારના આદેશોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી મનુષ્ય સિદ્ધિ તરફ અગ્રેસર થાય છે. પરંતુ આસુરી લોકોનો માર્ગ શાસ્ત્રોક્ત શિક્ષાઓથી વિરુદ્ધ હોય છે. તેઓ નિષિદ્ધ કાર્યોમાં લીન રહે છે અને નિર્દેશિત કાર્યોનું પાલન કરવાનું ટાળે છે. આવા લોકોના સંદર્ભમાં શ્રીકૃષ્ણ ઘોષિત કરે છે કે, જે લોકો પ્રમાણભૂત માર્ગનો ત્યાગ કરે છે અને તેમનાં તરંગો અનુસાર, તેમની કામનાઓથી પ્રેરાઈને કાર્ય કરે છે, તેઓ ન તો વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ કરે છે કે ન તો પૂર્ણ આનંદને પામે છે કે ન તો માયિક બંધનથી મુક્તિ પામે છે.