ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મનઃ ।
કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્ત્રયં ત્યજેત્ ॥ ૨૧॥
ત્રિવિધમ્—ત્રણ પ્રકારનું; નરકસ્ય—નરકનું; ઈદમ્—આ; દ્વારમ્—દ્વાર; નાશનમ્—વિનાશકારી; આત્માન:—આત્માનું; કામ:—વાસના; ક્રોધ:—ક્રોધ; તથા—અને; લોભ:—લોભ; તસ્માત્—તેથી; એતત્—આ; ત્રયમ્—ત્રણ; ત્યજેત્—ત્યજવા જોઈએ.
Translation
BG 16.21: કામ, ક્રોધ અને લોભ જીવાત્માને આત્મ-વિનાશ રૂપી નર્ક તરફ અગ્રેસર કરનારા ત્રણ દ્વારો છે. તેથી, આ ત્રણેયનો મનુષ્યે ત્યાગ કરવો જોઈએ.
Commentary
શ્રીકૃષ્ણ હવે આસુરી પ્રકૃતિના મૂળ અંગે વર્ણન કરે છે તથા તેના કારણ સ્વરૂપ કામ, ક્રોધ અને લોભ તરફ નિર્દેશ કરે છે. અગાઉ, શ્લોક સં. ૩.૩૬માં અર્જુને તેમને પૂછયું હતું કે શા માટે લોકો દબાણવશ, અનિચ્છાથી પણ પાપનું આચરણ કરવા પ્રેરાય છે. શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો હતો કે કામ, જે પશ્ચાત્ ક્રોધમાં રૂપાંતરિત થાય છે, તે વિશ્વનો સર્વનાશ કરનારો શત્રુ છે. શ્લોક સં. ૨.૬૨ના ભાષ્યમાં વિસ્તૃત રીતે વર્ણવાયા પ્રમાણે, લોભ પણ કામનું રૂપાંતરણ છે. કામ, ક્રોધ અને લોભનો સમૂહ આસુરી દુર્ગુણોના વિકાસ માટેનો આધાર છે. તેઓ મનમાં ઉત્તેજિત થાય છે અને અન્ય સર્વ દુર્ગુણોના મૂળિયાં સ્થાપવા માટે અનુકૂળ ભૂમિકા પૂરી પાડે છે. પરિણામ સ્વરૂપ, શ્રીકૃષ્ણ તેમને નરકના પ્રવેશદ્વાર તરીકે નામાંકિત કરે છે અને આત્મ-વિનાશને ટાળવા તેનાથી દૂર રહેવાની ભારપૂર્વક ભલામણ કરે છે. જે લોકો કલ્યાણના અભિલાષી છે, તેમણે આ ત્રણથી ડરવું જોઈએ અને પોતાના વ્યક્તિત્ત્વમાં તેમના અસ્તિત્ત્વને કાળજીપૂર્વક ટાળવું જોઈએ.