Bhagavad Gita: Chapter 16, Verse 7

પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ જના ન વિદુરાસુરાઃ ।
ન શૌચં નાપિ ચાચારો ન સત્યં તેષુ વિદ્યતે ॥ ૭॥

પ્રવૃત્તિમ્—ઉચિત કર્મો; ચ—અને; નિવૃત્તિમ્—અનુચિત કર્મો; ચ—અને; જના:—લોકો; ન—નહીં; વિદુ:—સમજતા; આસુરા:—આસુરી પ્રકૃતિ ધરાવતા લોકો; ન—નહીં; શૌચમ્—પવિત્રતા; ન—નહીં; અપિ—પણ; ચ—અને; આચાર:—આચરણ; ન—નહીં; સત્યમ્—સત્યતા; તેષુ—તેઓમાં; વિદ્યતે—વિદ્યમાન.

Translation

BG 16.7: જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે, તેઓ ઉચિત કર્મો અને અનુચિત કર્મો કયા છે તે સમજી શકતા નથી. તેથી, તેઓ ન તો પવિત્રતા ધરાવે છે કે ન તો સદ્દઆચરણ કરે છે કે ન તો સત્યતા પણ ધરાવે છે.

Commentary

ધર્મમાં આચારસંહિતાનો સમાવેશ થાય છે, જે વ્યક્તિના શુદ્ધિકરણ માટે અને સર્વ જીવોના સામાન્ય કલ્યાણ માટે સહાયક છે. અધર્મમાં પ્રતિબંધિત કાર્યોનો સમાવેશ થાય છે, જે પતન તરફ અગ્રેસર કરે છે અને સમાજ માટે હાનિકારક છે. આસુરી પ્રકૃતિ શાસ્ત્રોનાં જ્ઞાન તથા જ્ઞાનમાં શ્રદ્ધાથી વંચિત હોય છે. તેથી, તેના પ્રભાવમાં રહેલા લોકો શું ઉચિત છે અને શું અનુચિત છે તેની મૂંઝવણમાં રહે છે.

પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનું વર્તમાન વલણ આનું લાક્ષણિક દૃષ્ટાંત છે. પુનર્જાગરણ પશ્ચાત્ જ્ઞાનોદય યુગ, માનવતાવાદ, અનુભવવાદ, સામ્યવાદ, અસ્તિત્ત્વવાદ અને સંશયવાદ જેવી વિવિધ વિચારધારાઓમાંથી ઉત્ક્રાંતિ પામેલા પાશ્ચાત્ય દર્શનશાસ્ત્રના વર્તમાન યુગને “ઉત્તર-આધુનિકતા”નું બિરુદ આપવામાં આવ્યું છે. પૂર્ણ સત્ય જેવું કંઈ નથી, એ ઉત્તર-આધુનિક વિચારધારાનો પ્રચલિત દૃષ્ટિકોણ છે. અનેક જનસમુદાયોએ એ શકયતાને નકારી દીધી છે, કે પૂર્ણ સત્ય જેવું કંઈ વિદ્યમાન છે. “સર્વ સાપેક્ષ છે.” એ ઉત્તર-આધુનિક તત્ત્વજ્ઞાનના યુગનું સૂત્ર છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે, “તે તમારા માટે સત્ય હોઈ શકે, પણ મારા માટે એ સત્ય નથી.” સત્યને અંગત પસંદગી કે પ્રત્યક્ષીકરણમાં જોવામાં આવે છે, જે વ્યક્તિની અંગત સીમાઓથી આગળ જઈ શકતું નથી. આ દૃષ્ટિકોણનો નૈતિકતાના વિષય પર ગહન પ્રભાવ છે, જે ઉચિત અને અનુચિત વ્યવહાર સાથે સંબંધ ધરાવે છે. જો પૂર્ણ સત્ય જેવું કંઈ નથી, તો કોઈપણ વિષય અંગે સત્ય અને અસત્યની અંતિમ નીતિમત્તા જેવું પણ કંઈ નથી રહેતું. ત્યારે લોકોનું એમ કહેવું ન્યાયિક બની રહેશે કે “તે તમારા માટે સાચું હોઈ શકે, પણ તેનો અર્થ એવો નથી કે તે મારા માટે પણ સાચું હોય.”

આ વિચાર અનેક લોકોને આકર્ષક લાગે છે પરંતુ તેને આત્યંતિક તાર્કિક રીતે જોવામાં આવે તો તે વિસંગત અને વિનાશક સાબિત થાય છે. ઉદાહરણ તરીકે, જો ટ્રાફિક લાઈટ લાલ હોય છતાં પણ તેની ઉપેક્ષા કરવી એ કોઈ માટે ઉચિત હોય તો શું કરવું? તે વ્યક્તિ પોતે જે માને છે તે સાચું છે, એમ સમજવામાં અન્યના જીવનને જોખમમાં મૂકે છે. જો કોઈ લોકોને પોતાના શત્રુ સમજીને ભીડથી ભરેલા જનસાધારણ વિસ્તારમાં આત્મઘાતી-બોમ્બના કાર્ય અંગે જવાનું ઉચિત માને તો શું કરવું? તે ભલે પૂર્ણપણે સમંત હોય કે તે જે કરે છે તે ઉચિત છે. પરંતુ શું તે કોઈપણ દૃષ્ટિએ ઉચિત બની શકે છે? જો પૂર્ણ સત્ય જેવું કંઈ છે જ નહીં, તો કોઈપણ વ્યક્તિ કહી નહીં શકે કે, “તેણે આમ કરવું જોઈએ” કે “તેણીએ આમ ન કરવું જોઈએ”. કેવળ કોઈ એટલું કહી શકશે કે “અધિકાંશ લોકો આ કાર્યને ઉચિત માનતા નથી.” સાપેક્ષવાદી દૃષ્ટિકોણ અનુસાર, કોઈ એવો પ્રત્યુત્તર આપી શકે કે, “તે તમારા માટે સાચું હોઈ શકે, પણ મારા માટે તો નિશ્ચિતપણે સાચું નથી.” પૂર્ણ સત્યની માન્યતાના અનાદરના આ વિનાશક નૈતિક પરિણામો હોઈ શકે છે.

શ્રીકૃષ્ણ કહે છે કે આસુરી પ્રકૃતિ ધરાવતા લોકો શું ઉચિત છે અને શું અનુચિત છે, તેની મૂંઝવણમાં રહે છે અને પરિણામે, તેમનામાં પવિત્રતા, સત્ય કે સદાચાર જોવા મળતા નથી. આગામી શ્લોકમાં તેઓ આવા લોકોના પ્રબળ દૃષ્ટિકોણ અંગે વર્ણન કરે છે.