અનેકચિત્તવિભ્રાન્તા મોહજાલસમાવૃતાઃ ।
પ્રસક્તાઃ કામભોગેષુ પતન્તિ નરકેઽશુચૌ ॥ ૧૬॥
અનેક—અનેક; ચિત્ત—કલ્પનાઓ; વિભ્રાન્તા:—કુમાર્ગે દોરાયેલા; મોહ—મોહ; જાલ—જાળ; સમાકૃતા:—ઘેરાયેલા; પ્રશકતા:—વ્યસની; કામ-ભોગેષુ—ઈન્દ્રિયવિષયક સુખોની તૃપ્તિ; પતન્તિ—પતન; નરકે—નરક; અશુચૌ—ઘોર અંધકારથી ભરેલું.
Translation
BG 16.16: આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગે દોરવાયેલા, મોહજાળમાં લિપ્ત તથા ઇન્દ્રિયવિષયક સુખોની તૃપ્તિના વ્યસનીઓનું ઘોર નરકમાં પતન થાય છે.
Commentary
અહમ્ ના પ્રભાવ હેઠળ, લોકો તેમના મન સાથે તાદાત્મ્ય સાધે છે અને તેમની નિષ્ક્રિય તથા પુનરાવર્તિત વિચારધારાઓના બંધનમાં સીમિત રહી જાય છે. તેઓ વાસ્તવિક રીતે તેમના પોતાના મનથી ગ્રસિત થઈ જાય છે, જે તૂટેલી રેકર્ડની સમાન એક જ જગ્યાએ ચાલતી રહે છે અને તેઓ એ જ વાસ્તવિકતામાં જીવે છે, જેનું સર્જન તેમનાં વિચારોએ તેમના માટે કર્યું હોય છે. અશુદ્ધ મનની આવી એક પ્રિય વિચારધારા છે, ફરિયાદ કરવી. તેને કેવળ લોકો વિષે જ નહીં, પરંતુ પરિસ્થિતિઓ અંગે પણ કકળાટ કરવો અને નારાજગી અનુભવવી અતિ પસંદ છે. પરિણામસ્વરૂપ, “આવું ન થવું જોઈએ.”, “હું અહીં ઉપસ્થિત જ રહેવા નથી ઈચ્છતો/ઈચ્છતી.”, “મારી સાથે અન્યાયી વર્તણૂક થાય છે.” વગેરે. પ્રત્યેક ફરિયાદ એ મને રચેલી નાની કથાવાર્તા છે અને વ્યક્તિ તેમાં પૂર્ણપણે વિશ્વાસ કરે છે. મસ્તિષ્કમાંનો ધ્વનિ વ્યક્તિના જીવન અંગે ગમગીન, ચિંતિત અથવા ક્રોધિત વાર્તાઓ કહે છે અને બિચારો વ્યક્તિ, અહમ્ થી પ્રભાવિત થઈને, આ ધ્વનિ જે કહે તે સ્વીકારે છે. જયારે ફરિયાદો વકરી જાય છે, ત્યારે તે આક્રોશમાં પરિવર્તિત થાય છે. આક્રોશ અર્થાત્ રોષ, મનદુઃખથી ઉદ્ભવેલા ક્રોધ, પીડા, અથવા નારાજગીની અનુભૂતિ. જયારે આક્રોશ વિલંબિત થાય છે, જયારે તેને ફરિયાદ કહેવામાં આવે છે. ફરિયાદ એ ભૂતકાળની ઘટના સાથે સંબંધિત તીવ્ર નકારાત્મક ભાવના છે, જેને અનિયંત્રિત વિચારો દ્વારા “કોઈકે મારી સાથે શું કર્યું” ની વાર્તાનું મસ્તિષ્કમાં પુન:કથન કરી કરીને જીવંત રાખવામાં આવી રહી છે. આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ કહે છે કે, જે અહમ્ દ્વારા રચિત મોહજાળના બંધનમાં જીવવાનું પસંદ કરે છે તે આસુરી લોકો અતિ કંગાળ ગુણવત્તાના અનેક વિચારોથી વિક્ષિપ્ત થઈ જાય છે. પરિણામે, તેઓ તેમના પોતાના પ્રારબ્ધને ધૂંધળું બનાવે છે.
મનુષ્યો તેમની પસંદ પ્રમાણે કર્મ કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ તેમને તેમનાં કર્મોના પરિણામોનો નિર્ણય કરવાની સ્વતંત્રતા નથી. કર્મના સિદ્ધાંત પ્રમાણે, પરિણામ ભગવાન દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
રામાયણ વર્ણવે છે:
કરમ પ્રધાન બિસ્વ કરિ રાખા, જો જસ કરઇ સો તસ ફલ ચાખા
“વિશ્વમાં કર્મ મહત્ત્વના છે. લોકો જે કર્મ કરે છે, તદ્દનુસાર તેમને ફળનો સ્વાદ મળે છે.” તેથી, પ્રત્યેક મનુષ્યે તેમના કર્મોના કાર્મિક પરિણામો ભોગવવા પડે છે. બાઈબલમાં પણ કહ્યું છે: “ખાતરી રાખો, તમારા પાપ તમને શોધી લેશે.” (નંબર્સ ૩૨.૨૩) આ પ્રમાણે, જેઓ આસુરી ગુણોનું સંવર્ધન કરવાનું પસંદ કરે છે, તેમના આગામી જન્મમાં ભગવાન તેમને અસ્તિત્ત્વની નિમ્નતર અવસ્થામાં મોકલી દે છે. સિદ્ધાંત અતિ સરળ છે:
ઊર્ધ્વં ગચ્છન્તિ સત્ત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ
જઘન્ય ગુણ વૃત્તિસ્થા અધો તિષ્ઠન્તિ તામસાઃ (ગરુડ પુરાણ)
“જેઓ સાત્ત્વિક મનોવૃત્તિથી કર્મ કરે છે, તેમનો અસ્તિત્ત્વની ઉચ્ચતમ અવસ્થામાં ઉદય થાય છે; જેઓ રાજસિક મનોવૃત્તિથી કર્મ કરે છે, તેઓ મધ્ય ક્ષેત્રમાં રહે છે અને જેઓ તામસિક મનોવૃત્તિથી કર્મ કરે છે તથા પાપમાં રુચિ ધરાવે છે, તેમનું અસ્તિત્ત્વની નિમ્નતર અવસ્થામાં પતન થાય છે.”