તસ્માચ્છાસ્ત્રં પ્રમાણં તે કાર્યાકાર્યવ્યવસ્થિતૌ ।
જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં કર્મ કર્તુમિહાર્હસિ ॥ ૨૪॥
તસ્માત્—તેથી; શાસ્ત્રમ્—શાસ્ત્રો; પ્રમાણમ્—પ્રમાણ; તે—તારું; કાર્ય—ઉત્તરદાયિત્ત્વ; અકાર્ય—પ્રતિબંધિત કાર્યો; વ્યવસ્થિતૌ—નિર્ણય કરવામાં; જ્ઞાત્વા—જાણીને; શાસ્ત્ર—શાસ્ત્રો; વિધાન—આદેશ; ઉક્તમ્—પ્રગટ કરેલાં; કર્મ—કર્મ; કર્તુમ્—કર; ઈહ—આ વિશ્વમાં; અર્હસિ—તારે કરવું જોઈએ.
Translation
BG 16.24: તેથી, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના નિર્ણય માટે શાસ્ત્રોને તમારી સત્તા બનવા દો. શાસ્ત્રોક્ત આદેશો અને શિક્ષાઓને સમજો અને પશ્ચાત્ તદ્દનુસાર આ વિશ્વમાં તમારા કર્મો કરો.
Commentary
શ્રીકૃષ્ણ હવે આ અધ્યાયની શિક્ષાનો અંતિમ નિષ્કર્ષ તારવે છે. દિવ્ય અને આસુરી પ્રકૃતિની તુલના કરીને તથા તેમની વચ્ચે રહેલા ભેદને સમજાવીને, તેઓ આસુરી પ્રકૃતિ કેવી રીતે નરકીય અસ્તિત્ત્વ તરફ દોરી જાય છે, તે અંગે પ્રકાશ ફેંકે છે. આમ, તેમણે પ્રસ્થાપિત કર્યું કે, શાસ્ત્રોક્ત આજ્ઞાઓની અવહેલના કરીને કંઈપણ પામી શકાતું નથી. હવે તેઓ કોઈપણ કર્મોના ઔચિત્યની નિશ્ચિતતા કે તેમના અભાવ માટેની પરમ અધિકૃતતા વૈદિક શાસ્ત્રો છે, એમ કહીને ફરી મૂળ વિષય તરફ આવે છે.
કેટલીક વાર સદ્દવૃત્તિ ધરાવતા લોકો કહે છે કે, “મને વિધિ-વિધાનની કોઈ પડી નથી. હું મારા હૃદયને અનુસરું છું અને મારું કાર્ય કરું છું.” પોતાના અંત:કરણને અનુસરવું એ તો ઘણું ઉચિત છે પરંતુ તેઓ કેવી રીતે ખાતરી કરશે કે તેમનું હૃદય તેમને ગેરમાર્ગે દોરી રહ્યું નથી? જેમ કે, એક કહેવત છે, “નરક તરફ જવાનો માર્ગ સદ્દ-વૃત્તિ દ્વારા કોતરવામાં આવે છે.” તેથી, આપણું અંત:કરણ વાસ્તવમાં આપણને સાચી દિશામાં દોરી રહ્યું છે કે કેમ તે અંગે શાસ્ત્રોકત રીતે નિર્ણય કરવો સદૈવ ઉચિત રહે છે.
મનુ સ્મૃતિમાં વર્ણન છે:
ભૂતં ભવ્યં ભવિષ્યં ચ સર્વં વેદાત્પ્રસિધ્યતિ (૧૨.૯૭)
“ભૂત, વર્તમાન કે ભવિષ્યના કોઈપણ આધ્યાત્મિક સિદ્ધાંતોની પ્રમાણભૂતતા વેદોના આધારે પ્રસ્થાપિત થવી જોઈએ.” તેથી, શ્રીકૃષ્ણ અર્જુનને શાસ્ત્રોનાં ઉપદેશોને સમજવાનો અને તદ્દનુસાર કર્મ કરવાનો ઉપદેશ પ્રદાન કરીને ઉપસંહાર કરે છે.