Bhagavad Gita: Chapter 17, Verse 14

દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનં શૌચમાર્જવમ્ ।
બ્રહ્મચર્યમહિંસા ચ શારીરં તપ ઉચ્યતે ॥ ૧૪॥

દેવ—પરમેશ્વર; દ્વિજ—બ્રાહ્મણો; ગુરુ—આધ્યાત્મિક ગુરુ; પ્રાજ્ઞ—પૂજ્ય વ્યક્તિઓ; પૂજનમ્—પૂજા; શૌચમ્—સ્વચ્છતા; આર્જવમ્—સાદાઈ; બ્રહ્મચર્યમ્—બ્રહ્મચર્ય; અહિંસા—અહિંસા; ચ—અને; શરીરમ્—શરીરના; તપ:—તપશ્ચર્યા; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 17.14: પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ, વિદ્વાન અને વડીલોની પૂજા—જયારે શુદ્ધતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા સાથે કરવામાં આવે છે—ત્યારે તેને શારીરિક તપશ્ચર્યા કહેવામાં આવે છે.

Commentary

તપ: શબ્દનો અર્થ છે,“ગરમ કરવું” જેમ કે, અગ્નિ પર તપાવવું. શુદ્ધિકરણની પ્રક્રિયામાં, ધાતુને તપાવીને પીગાળવામાં આવે છે, કે જેથી અશુદ્ધિ ઉપર આવી જાય અને તેને દૂર કરી શકાય. જયારે સોનું અગ્નિ પર મૂકવામાં આવે છે, ત્યારે તેની અશુદ્ધિ બળી જાય છે અને તેની ચમક વધી જાય છે. એ જ પ્રમાણે વેદો કહે છે:  અતપ્ત તનુર્નતદા મોશ્નુતે (ઋગ્વેદ ૯.૮૩.૧)   “તપશ્ચર્યા દ્વારા શરીરને શુદ્ધ કર્યા વિના વ્યક્તિ યોગની અંતિમ અવસ્થાએ પહોંચી શકતો નથી.” નિષ્ઠાપૂર્વક તપશ્ચર્યાનું પાલન કરીને, મનુષ્ય તેમના જીવનનું ઉત્થાન કરીને તેને લૌકિકતાથી દિવ્યતામાં પરિવર્તિત કરી શકે છે. આવું તપ કોઈપણ પ્રદર્શન વિના, શુદ્ધ ઉદ્દેશ્યથી, શાંતિમય ઢંગથી, ગુરુ તથા શાસ્ત્રોની સંવાદિતા સહ કરવું જોઈએ.

 શ્રીકૃષ્ણ હવે આવી તપશ્ચર્યાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે—શરીર, વાણી અને મન. આ શ્લોકમાં, તેઓ શરીરના તપ અંગે જણાવે છે. જયારે શરીર પવિત્ર અને સંત જીવોની સેવામાં સમર્પિત હોય છે અને સામાન્યત: સર્વ ઈન્દ્રિયો અને વિશેષત: લૈંગિક લિપ્તતાનો પરિહાર થાય છે, ત્યારે તેની શરીરની તપશ્ચર્યા સ્વરૂપે પ્રશંસા કરવામાં આવે છે. આવું તપ શુદ્ધતા, સાદાઈ તથા અન્યને દુઃખ ન થાય તેની કાળજી રાખીને કરવું જોઈએ. અહીં, “બ્રાહ્મણો” શબ્દ તેમના માટે નથી, જેઓ પોતાને જન્મથી બ્રાહ્મણ માને છે, પરંતુ શ્લોક સં. ૧૮.૪૨માં વર્ણિત સાત્ત્વિક ગુણોથી સંપન્ન છે, તેમના સંદર્ભમાં છે.