Bhagavad Gita: Chapter 17, Verse 23

ૐતત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધઃ સ્મૃતઃ ।
બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા ॥ ૨૩॥

ઓમ તત્ સત્—ગુણાતીતતાના પાસાઓનું પ્રતિનિધિત્ત્વ કરતાં ઉચ્ચારણો; ઈતિ—આ પ્રમાણે; નિર્દેશ:—પ્રતિકાત્મક પ્રતિનિધિઓ; બ્રહ્મણ:—પરમ પૂર્ણ સત્ય; ત્રિ-વિધ:—ત્રણ પ્રકારે; સ્મૃત:—ગણાય છે; બ્રાહ્મણા:—બ્રાહ્મણો; તેન—તેનાથી; વેદા:—શાસ્ત્રો; ચ—અને; યજ્ઞા:—યજ્ઞ; ચ—અને; વિહિતા:—પ્રયુક્ત; પુરા—સૃષ્ટિના આરંભથી.

Translation

BG 17.23: સૃષ્ટિના પ્રારંભથી “ઓમ તત્ સત્”ને પરમ પૂર્ણ સત્યના પ્રતીકાત્મક પ્રતિનિધિઓ ગણવામાં આવ્યા છે. તેમાંથી બ્રાહ્મણો, શાસ્ત્રો અને યજ્ઞો ઉત્પન્ન થયા છે.

Commentary

આ અધ્યાયમાં, શ્રીકૃષ્ણ માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર યજ્ઞ, તપ, અને દાનની શ્રેણીઓનું વર્ણન કરે છે. આ ત્રણ ગુણોમાંથી તમોગુણ આત્માનું અવિદ્યા, શિથીલતા અને આળસમાં પતન કરે છે. રજોગુણ વ્યક્તિને ઉત્તેજિત કરે છે અને તેને અસંખ્ય કામનાઓના બંધનમાં બાંધે છે. સત્ત્વગુણ નિર્મળ, પ્રકાશિત હોય છે તથા સદ્દગુણોના વિકાસ માટે કારણભૂત હોય છે. આમ છતાં, સત્ત્વગુણ પણ માયાના ક્ષેત્રની અંદર છે. આપણે તેના પ્રત્યે આસક્ત થવું જોઈએ નહીં; તેના બદલે, આપણે સત્ત્વગુણનો ઉપયોગ ગુણાતીત અવસ્થાએ પહોંચવા માટેની સીડીના સોપાન તરીકે કરવો જોઈએ. આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ ત્રણ ગુણોથી ઉપર જઈને ઓમ તત્ સત્ શબ્દોની ચર્ચા કરે છે કે જે પરમ સત્યના વિભિન્ન પાસાઓના પ્રતિક સમાન છે. આગામી શ્લોકમાં, તેઓ આ ત્રણ શબ્દોનું મહત્ત્વ દર્શાવે છે.