Bhagavad Gita: Chapter 17, Verse 15

અનુદ્વેગકરં વાક્યં સત્યં પ્રિયહિતં ચ યત્ ।
સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાઙ્મયં તપ ઉચ્યતે ॥ ૧૫॥

અનુદ્વેગ-કરમ્—ઉદ્વેગનું કારણ ન બને; વાક્યમ્—શબ્દો; સત્યમ્—સત્ય; પ્રિય-હિતમ્—હિતકારી; ચ—અને; યત્—જે; સ્વાધ્યાય-અભ્યસનમ્—વેદાધ્યયનનો અભ્યાસ; ચ એવ—તેમજ; વાક્-મયમ્—વાણીનું; તપ:—તપ; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 17.15: જે વચનો ઉદ્વેગનું કારણ બનતા નથી, સત્ય, નિરુપદ્રવી તથા હિતકારી છે તેમજ વૈદિક શાસ્ત્રોનો નિત્ય પાઠ કરે છે—તેને વાણીની તપશ્ચર્યા કહેવામાં આવે છે.

Commentary

સત્ય, નિરુપદ્રવી, પ્રિય અને શ્રોતા માટે હિતકારી શબ્દોનું ઉચ્ચારણ એ વાણીનું તપ છે. વૈદિક મંત્રોના જપના અભ્યાસને પણ વાણીની તપશ્ચર્યામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. પ્રજાપિતા મનુએ લખ્યું છે:

            સત્યં બ્રૂયાત્પ્રિયં બ્રૂયાન્ન બ્રૂયાત્સત્યમપ્રિયમ્

           પ્રિયં ચ નાનૃતં બ્રૂયાદેષ ધર્મઃ સનાતનઃ (મનુ સ્મૃતિ ૪.૧૩૮)

“સત્ય એવું બોલો કે જે અન્યને પ્રિય લાગે. સત્ય એ રીતે ન બોલો જે અન્યને અપ્રિય લાગે. કદાપિ અસત્ય ન બોલો, ભલે તે પ્રિય લાગે. આ નૈતિકતા અને ધર્મનો સનાતન માર્ગ છે.”