સત્ત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત ।
શ્રદ્ધામયોઽયં પુરુષો યો યચ્છ્રદ્ધઃ સ એવ સઃ ॥ ૩॥
સત્ત્વ-અનુરૂપા—વ્યક્તિના મનની પ્રકૃતિ અનુસાર; સર્વસ્ય—સર્વ; શ્રદ્ધા—શ્રદ્ધા; ભવતિ—થાય છે; ભારત—ભરતવંશી, અર્જુન. શ્રદ્ધામય:—શ્રદ્ધાયુક્ત; અયમ્—આ; પુરુષ:—મનુષ્ય; ય:—જે; યત્-શ્રદ્ધા—તેમની શ્રદ્ધાની જે પ્રકૃતિ હોય તે; સ:—તેમની; એવ—નિશ્ચિત; સ:—તેઓ.
Translation
BG 17.3: સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના મનની પ્રકૃતિને અનુરૂપ હોય છે. સર્વ લોકો શ્રદ્ધા ધરાવે છે અને તેમની શ્રદ્ધાની જે પ્રકૃતિ હોય છે, વાસ્તવમાં તેઓ તે જ હોય છે.
Commentary
અગાઉના શ્લોકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે, આપણે સૌ એક યા અન્ય સ્થાને શ્રધ્ધા ધરાવતા હોઈએ છીએ. આપણે ક્યાં શ્રદ્ધા સ્થાપિત કરવાનો નિર્ણય કરીએ છીએ અને શું માનવાનું પસંદ કરીએ છીએ તે વાસ્તવમાં આપણા જીવનની દિશાને આકાર પ્રદાન કરે છે. જે લોકો એ વાતમાં દૃઢ વિશ્વાસ ધરાવે છે કે સંસારમાં ધન એ સર્વોચ્ચ સ્થાન અને મહત્ત્વ ધરાવે છે, તેઓ એમનું સમગ્ર જીવન તેના સંચય માટે જ જીવે છે. જે લોકો માને છે કે પ્રતિષ્ઠા એ અન્ય સર્વ કરતાં અધિક મૂલ્યવાન છે, તેઓ તેમનો સમય અને શક્તિ રાજનૈતિક પદ અને સામાજિક સ્થાનોની પ્રાપ્તિ પાછળ ખર્ચે છે. જે લોકો ઉમદા મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે, તે લોકો તેના સમર્થન માટે સર્વસ્વ ત્યાગી દે છે. મહાત્મા ગાંધીને સત્ય તથા અહિંસાના અતુલનીય મહત્ત્વમાં શ્રદ્ધા હતી અને તેમની દૃઢતાના સામર્થ્યને આધારે તેમણે અહિંસાના આંદોલનનો પ્રારંભ કર્યો કે જેને વિશ્વના સૌથી અધિક શક્તિશાળી સામ્રાજ્યથી ભારતને સ્વતંત્ર બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. જે લોકો ભગવદ્દ-પ્રાપ્તિની પ્રબળ અગત્યતામાં પ્રગાઢ શ્રદ્ધાનો વિકાસ કરે છે, તેઓ તેમની શોધમાં પોતાના સાંસારિક જીવનનો પરિત્યાગ કરે છે. આમ, શ્રીકૃષ્ણ કહે છે કે, આપણી શ્રદ્ધાની ગુણવત્તા આપણા જીવનની દિશા નિર્ધારિત કરે છે. આપણી શ્રદ્ધાની ગુણવત્તા આપણા મનની પ્રકૃતિ દ્વારા નિર્ણિત થાય છે. અને તેથી, અર્જુનના પ્રશ્નના ઉત્તર સ્વરૂપે, શ્રીકૃષ્ણ વિદ્યમાન શ્રદ્ધાના પ્રકારોની વિસ્તૃત વ્યાખ્યાનો આરંભ કરે છે.