Bhagavad Gita: Chapter 17, Verse 1

અર્જુન ઉવાચ ।
યે શાસ્ત્રવિધિમુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ ।
તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્ત્વમાહો રજસ્તમઃ ॥ ૧॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; યે—જે; શાસ્ત્ર-વિધિમ્—શાસ્ત્રોના વિધાન; ઉત્સૃજ્ય—છોડી દઈને; યજન્તે—પૂજે છે; શ્રદ્ધયા-અન્વિતા:—પૂર્ણ શ્રદ્ધા સાથે; તેષામ્—તેમની; નિષ્ઠા—શ્રદ્ધા; તુ—વાસ્તવમાં; કા—કઈ; કૃષ્ણ—શ્રીકૃષ્ણ; સત્ત્વમ્—સત્ત્વગુણ; આહો—અથવા; રજ:—રજોગુણ; તમ:—તમોગુણ.

Translation

BG 17.1: અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ, જે લોકો શાસ્ત્રોક્ત વિધાનોની ઉપેક્ષા કરે છે પરંતુ શ્રદ્ધા સાથે આરાધના કરે છે, તેમની શું સ્થિતિ હોય છે? શું તેમની શ્રદ્ધા સાત્ત્વિક, રાજસિક કે તામસિક હોય છે?

Commentary

અગાઉના અધ્યાયમાં શ્રીકૃષ્ણે દૈવી અને આસુરી પ્રકૃતિ વચ્ચે રહેલા તફાવત અંગે ચર્ચા કરી હતી કે જેથી અર્જુનને જે ગુણોનું સંવર્ધન અને જે લક્ષણોનું ઉન્મૂલન કરવાનું આવશ્યક છે, તે સમજવામાં સહાયતા થાય. અધ્યાયના અંતમાં તેમણે જણાવ્યું કે, જે લોકો શાસ્ત્રોક્ત આજ્ઞાઓની ઉપેક્ષા કરે છે અને તેના બદલે મૂર્ખતાપૂર્વક શારીરિક આવેશોને તથા માનસિક તુકકા-તરંગોને અનુસરે છે, તેઓને સિદ્ધિ તથા સુખની પ્રાપ્તિ થતી નથી કે જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ પ્રાપ્ત થતી નથી. આ રીતે, તેઓ લોકોને શાસ્ત્રોના માર્ગદર્શનને અનુસરવાની તથા તદ્દનુસાર કર્મ કરવાની અનુશંસા કરે છે. આ ઉપદેશ અર્જુનને આ પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે. જે લોકો વૈદિક શાસ્ત્રોનાં સંદર્ભ વિના પૂજા કરે છે, તેમની આસ્થાની પ્રકૃતિ અંગે જાણવાની અર્જુન ઈચ્છા ધરાવે છે. વિશેષ કરીને, તે માયિક પ્રકૃતિના ત્રણ ગુણોના સંદર્ભમાં આનો ઉત્તર જાણવા ઈચ્છે છે.