Bhagavad Gita: Chapter 14, Verse 22-23

શ્રીભગવાનુવાચ ।
પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાણ્ડવ ।
ન દ્વેષ્ટિ સમ્પ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાઙ્ક્ષતિ ॥ ૨૨॥
ઉદાસીનવદાસીનો ગુણૈર્યો ન વિચાલ્યતે ।
ગુણા વર્તન્ત ઇત્યેવં યોઽવતિષ્ઠતિ નેઙ્ગતે ॥ ૨૩॥

શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; પ્રકાશમ્—પ્રકાશ; ચ—અને; પ્રવૃત્તિમ્—પ્રવૃત્તિ; ચ—અને; મોહમ્—મોહ; એવ—પણ; ચ—અને; પાંડવ—અર્જુન, પાંડુપુત્ર; ન દ્વેષ્ટિ—દ્વેષ  કરતો નથી; સમ્પ્રવૃત્તાનિ—જયારે ઉપસ્થિત હોય; ન—નહીં; નિવૃત્તાનિ—જયારે અનુપસ્થિત હોય; કાન્ક્ષતિ—ઈચ્છે છે; ઉદાસીન-વત્—તટસ્થ; આસીન:—સ્થિત; ગુણૈઃ—માયિક પ્રકૃતિના ગુણો; ય:—જે; ન—નહીં; વિચાલ્યતે—વિચલિત થતો નથી; ગુણા:—માયિક પ્રકૃતિના ગુણો; વર્તન્તે—કાર્ય કરે છે; ઈતિ-એવમ્—એમ જાણીને; ય:—જે; અવતિષ્ઠતિ—સ્વમાં સ્થાપિત રહે છે; ન—નહીં; ઈંગતે—વિહ્વળ થતો નથી.

Translation

BG 14.22-23: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, જે મનુષ્યો ગુણાતીત હોય છે તેઓ ન તો પ્રકાશ (જે સત્ત્વમાંથી ઉદય પામે છે), ન તો પ્રવૃત્તિ (રજસથી ઉત્પન્ન), ન તો મોહ (તમસથી ઉત્પન્ન) પ્રત્યે ન તો તેમની અત્યાધિક ઉપસ્થિતિમાં ઘૃણા કરે છે કે ન તો તેમની અનુપસ્થિતિમાં તેમની ઝંખના કરે છે. તેઓ ત્રણ ગુણો પ્રત્યે ઉદાસીન (તટસ્થ) રહે છે તથા તેમનાથી વિચલિત થતા નથી. કેવળ ગુણો જ ક્રિયાન્વિત છે, એમ જાણીને તેઓ વિહ્વળ થયા વિના સ્વમાં સ્થાપિત રહે છે.

Commentary

શ્રીકૃષ્ણ હવે જે લોકો ત્રણ ગુણોને પાર કરી ગયા છે, તેમના લક્ષણો સ્પષ્ટ કરે છે. તેઓ જયારે જોવે છે કે સંસારમાં આ ગુણો ક્રિયાશીલ છે અને તેનો પ્રભાવ આસપાસનાં લોકોમાં, વિષયોમાં અને પરિસ્થિતિઓમાં પ્રગટ થઇ રહ્યો છે ત્યારે તેઓ વિચલિત થતા નથી. પ્રબુદ્ધ મનુષ્યો જયારે અજ્ઞાનતાના સંપર્કમાં આવે છે ત્યારે તેના પ્રત્યે ઘૃણા કરતા નથી અને તેમાં ફસાતા પણ નથી. લૌકિક માનસિકતા-યુક્ત લોકો સંસારની પરિસ્થિતિ પ્રત્યે અત્યાધિક ચિંતિત રહે છે. તેઓ તેમના સમય અને ઊર્જાને સંસારના પદાર્થો અને તેની અવસ્થાના ચિંતનને વાગોળવામાં ખર્ચે છે. પ્રબુદ્ધ જીવાત્માઓ પણ માનવ કલ્યાણ માટે પ્રયાસો કરે છે પરંતુ તે કરવાનું કારણ અન્યને સહાય કરવાનો તેમનો સ્વભાવ છે. સાથોસાથ તેઓ એ પણ ધ્યાનમાં રાખે છે કે, અંતત: સમગ્ર વિશ્વ ભગવાનના હસ્તક છે. તેમણે કેવળ તેમની પૂર્ણ ક્ષમતા સાથે પોતાના કર્તવ્યનું ઉત્તમ રીતે પાલન કરવાનું છે તથા શેષ સર્વ ભગવાનના હાથમાં છોડી દેવાનું છે. ભગવાનના વિશ્વમાં પ્રવેશ્યા પશ્ચાત્ આપણું પ્રથમ કર્તવ્ય પોતાને કેવી રીતે વિશુદ્ધ કરવું એ છે. પશ્ચાત્, વિશુદ્ધ મનથી આપણે સાંસારિક પરિસ્થિતિઓના ભારને આધીન થયા વિના સ્વાભાવિક રીતે સત્કૃત્યો અને લાભદાયક કૃત્યો કરીશું. જેમ મહાત્મા ગાંધીએ કહ્યું છે, “જે પરિવર્તન તમે સંસારમાં જોવા ઈચ્છો છો, તે પરિવર્તન તમે સ્વયં બનો.”

શ્રીકૃષ્ણ સમજાવે છે કે પ્રબુદ્ધ વ્યક્તિ જે પોતાને ત્રણ ગુણોના કાર્યોથી અતીત માને છે તે જયારે પ્રકૃતિના ગુણો સંસારમાં તેમના પ્રાકૃતિક કાર્યો કરે છે, ત્યારે ન તો દુઃખી થાય છે કે ન તો અતિ હર્ષિત થાય છે. વાસ્તવમાં, જયારે તેઓને આ જ ગુણોનો પોતાના મનમાં પણ બોધ થાય છે ત્યારે પણ વિહ્વળ થતા નથી. મન માયિક શક્તિથી નિર્મિત છે અને તેથી માયાના ત્રણ ગુણો તેનામાં નિહિત છે. તેથી મન માટે આ ગુણોના પ્રભાવને તથા તદ્દનુસાર વિચારોને આધીન થવું એ સ્વાભાવિક છે. સમસ્યા એ છે કે શારીરિક ચેતનાને કારણે આપણે મનને આપણાથી ભિન્ન માનતા નથી. તેથી જયારે મન ક્ષુબ્ધ વિચારોને પ્રસ્તુત કરે છે, ત્યારે આપણે અનુભવીએ છીએ કે, “ઓહ! હું આવી નકારાત્મક શૈલીમાં ચિંતન કરું છું.” આપણે વિષ-યુક્ત વિચારો સાથે સંસર્ગ કરવાનો આરંભ કરીએ છીએ, તેમને આપણી અંદર નિવાસ કરવાની તથા આધ્યાત્મિકતાને નુકસાન કરવાની અનુમતિ પ્રદાન કરીએ છીએ. એટલે સુધી કે જો મન ભગવાન અને ગુરુની વિરુદ્ધ વિચારો પ્રસ્તુત કરે તો તે વિચારોને પણ પોતાના વિચારો તરીકે સ્વીકારી લઈએ છીએ. જો, તે સમયે, આપણે આપણા મનને પોતાનાથી પૃથક્ જોઈ શકીએ તો આપણે પોતાને નકારાત્મક વિચારોથી અળગા કરી શકીએ. પશ્ચાત્ આપણે મનનાં આ વિચારોનો અસ્વીકાર કરી શકીએ, “જે વિચારો મારી ભક્તિને સહાયક ન હોય, એવા કોઈપણ વિચારો સાથે મને કોઈ સંબંધ નથી.” ગુણાતીત અવસ્થા પ્રાપ્ત મનુષ્યોએ, ગુણોના પ્રવાહથી મનમાં ઉદ્ભવતા આવા સર્વ નકારાત્મક વિચારોથી પોતાને પૃથક્ રાખવાની કળામાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હોય છે.