Bhagavad Gita: Chapter 17, Verse 26-27

સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્પ્રયુજ્યતે ।
પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દઃ પાર્થ યુજ્યતે ॥ ૨૬॥
યજ્ઞે તપસિ દાને ચ સ્થિતિઃ સદિતિ ચોચ્યતે ।
કર્મ ચૈવ તદર્થીયં સદિત્યેવાભિધીયતે ॥ ૨૭॥

સદ્દ-ભાવે—શાશ્વત અસ્તિત્ત્વ અને સતોગુણની ભાવના સાથે; સાધુ-ભાવે—માંગલિક ભાવના સાથે; ચ—પણ; સત્—‘સત્’ શબ્દ; ઈતિ—એ પ્રમાણે; એતત્—આ; પ્રયુજ્યતે—પ્રયોજાય છે; પ્રશસ્તે—માંગલિક; કર્મણિ—કર્મો; તથા—અને; સત્-શબ્દ:— ‘સત્’ શબ્દ; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; યુજ્યતે—ઉપયોગમાં લેવાય છે; યજ્ઞે—યજ્ઞમાં; તપસિ—તપમાં; દાને—દાનમાં; ચ—અને; સ્થિતિ:—દૃઢતામાં પ્રસ્થાપિત; સત્—‘સત્’ શબ્દ; ઈતિ—આ પ્રમાણે; ચ—અને; ઉચ્યતે—ઉચ્ચારાય છે; સત્—‘સત્’ શબ્દ; ઈતિ—આ પ્રમાણે; એવ—નિશ્ચિત; અભિધીયતે—કહેવાય છે.

Translation

BG 17.26-27: ‘સત્’ શબ્દનો અર્થ છે, શાશ્વત અસ્તિત્ત્વ અને સત્ત્વગુણ. હે અર્જુન, તેનો ઉપયોગ માંગલિક કાર્યોનું વર્ણન કરવા માટે પણ થાય છે.  યજ્ઞ, તપ અને દાન કરવામાં પ્રસ્થાપિત થવાને પણ ‘સત્’ શબ્દ દ્વારા વર્ણવવામાં આવે છે. અને તેથી આવા ઉદ્દેશ્યપૂર્ણ કોઈપણ કાર્યને ‘સત્’ નામ આપવામાં આવે છે.

Commentary

હવે ‘સત્’ શબ્દની માંગલિકતાના મહિમાનું ગુણગાન શ્રીકૃષ્ણ દ્વારા થઇ રહ્યું છે. આ ‘સત્’ શબ્દના અનેક સૂચિતાર્થો છે અને ઉપરોક્ત બંને શ્લોકો તેમાનાં કેટલાકનું વર્ણન કરે છે. ‘સત્’ શબ્દનો ઉપયોગ શાશ્વત સદ્દભાવ અને સદ્દગુણ સૂચવવા માટે થાય છે. ઉપરાંત, યજ્ઞ, તપ અને દાનના માંગલિક કાર્યોનું પાલન પણ ’સત્’ શબ્દ દ્વારા વર્ણિત થાય છે. ‘સત્’નો અર્થ એ પણ થાય છે કે, જે સદૈવ વિદ્યમાન છે, એટલે કે સનાતન સત્ય છે. શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે:

સત્યવ્રતં સત્યપરં ત્રિસત્યં

સત્યસ્ય યોનિં નિહિતં ચ સત્યે

સત્યસ્ય સત્યમૃતસત્યનેત્રં

સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્નાઃ (૧૦.૨.૨૬)

“હે ભગવાન, તમારી પ્રતિજ્ઞા સત્ય છે કારણ કે તમે કેવળ પરમ સત્ય જ નથી પરંતુ વૈશ્વિક પ્રાગટ્યના ત્રણેય તબક્કાઓ—સર્જન, સ્થિતિ અને પ્રલય—માં પણ તમે જ સત્ય છો. સર્વ સત્યનું તમે મૂળ છો અને તમે અંત પણ છો. તમે સર્વ સત્યનો સાર છો અને તમે એ નેત્ર પણ છો કે જેના દ્વારા સત્ય જોઈ શકાય છે. તેથી, અમે ‘સત્’ અર્થાત્ પરમ પૂર્ણ સત્ય એવા તમને શરણાગત છીએ. કૃપા કરીને અમારી રક્ષા કરો.”