Bhagavad Gita: Chapter 17, Verse 5-6

અશાસ્ત્રવિહિતં ઘોરં તપ્યન્તે યે તપો જનાઃ ।
દમ્ભાહઙ્કારસંયુક્તાઃ કામરાગબલાન્વિતાઃ ॥ ૫॥
કર્ષયન્તઃ શરીરસ્થં ભૂતગ્રામમચેતસઃ ।
માં ચૈવાન્તઃશરીરસ્થં તાન્વિદ્ધ્યાસુરનિશ્ચયાન્ ॥ ૬॥

અશાસ્ત્ર-વિહિતમ્—શાસ્ત્રોમાં જે નિર્દેશિત નથી; ઘોરમ્—કઠોર; તપ્યન્તે—તપ કરે છે; યે—જે; તપ:—તપશ્ચર્યા; જના:—લોકો; દમ્ભ—દંભ; અહંકાર—અભિમાન; સંયુકતા:—સંપન્ન; કામ—કામના; રાગ—આસક્તિ; બલ—બળ; અન્વિતા:—પ્રેરિત થયેલા; કર્ષયન્ત:—યાતના; શરીર-સ્થમ્—શરીરની અંદર; ભૂત-ગ્રામમ્—શરીરના તત્ત્વો; અચેતસ:—બુદ્ધિહીન; મામ્—મને; ચ—અને; એવ—પણ; અન્ત:—અંદર; શરીર-સ્થમ્—શરીરમાં સ્થિત; તાન્—તેમને; વિદ્ધિ—જાણ; અસુર-નિશ્ચયાન્—આસુરી સંકલ્પવાળા.

Translation

BG 17.5-6: કેટલાક લોકો કઠોર તપશ્ચર્યા કરે છે જે શાસ્ત્રોમાં નિર્દેશિત નથી, પરંતુ દંભ અને અહંકારથી પ્રેરિત હોય છે. કામના અને આસક્તિથી પ્રેરિત થઈને તેઓ કેવળ તેમના શરીરના તત્ત્વોને જ નહીં, પરંતુ મને, તેમાં નિવાસ કરતા પરમાત્માને પણ યાતના આપે છે. આવા બુદ્ધિહીન લોકોને આસુરી સંકલ્પવાળા જાણ.

Commentary

અધ્યાત્મના નામે લોકો અર્થહીન તપશ્ચર્યાઓ કરે છે. માયિક અસ્તિત્ત્વ પર વર્ચસ્વ પ્રાપ્તિ માટેના ભયાનક ક્રિયાકાંડના ભાગ સ્વરૂપે કેટલાક લોકો કાંટાળી શય્યા પર સૂવે છે અથવા તો તેમના શરીરની આરપાર તીક્ષ્ણ ખીલ્લા ભોંકે છે. અન્ય કેટલાક લોકો વર્ષો સુધી એક હાથ ઊંચો રાખે છે. તેઓ એમ માને છે કે આમ કરવાથી તેમને ગૂઢ શક્તિઓ પ્રાપ્ત થવામાં સહાયતા મળશે. કેટલાક લોકો નિરંતર સૂર્ય સમક્ષ ત્રાટક કરે છે, એવું સમજ્યા વિના કે આમ કરવાથી તેમના ચક્ષુઓને નુકસાન થશે. કેટલાક લોકો કાલ્પનિક સાંસારિક ઉપલબ્ધિઓ માટે દીર્ઘ સમયના ઉપવાસ કરીને શરીરને નિસ્તેજ કરી નાખે છે. શ્રીકૃષ્ણ કહે છે: “હે અર્જુન, તે મને શાસ્ત્રોક્ત આજ્ઞાઓની ઉપેક્ષા કરતા અને છતાં શ્રદ્ધાપૂર્વક પૂજા કરતા લોકોની અવસ્થા અંગે પૂછયું. હું તને કહું છું કે જે લોકો ઘોર તપશ્ચર્યાઓ કરે છે, તેમનામાં પણ શ્રદ્ધાના દર્શન થાય છે, પરંતુ તે ઉચિત જ્ઞાનના આધારથી વંચિત હોય છે. આવા લોકોને તેમની સાધનાના સામર્થ્ય પર દૃઢ વિશ્વાસ હોય છે, પરંતુ તેમની શ્રદ્ધા તમોગુણી હોય છે. જે લોકો તેમના ભૌતિક શરીરનો દુરુપયોગ કરે છે અને તેને યાતના આપે છે, તેઓ તે શરીરમાં નિવાસ કરતા પરમાત્માનો અનાદર કરે છે. આ બધું શાસ્ત્રોના નિર્દિષ્ટ માર્ગથી વિરુદ્ધ છે.”

શ્રદ્ધાની ત્રણ શ્રેણીઓનું વર્ણન કરીને, શ્રીકૃષ્ણ હવે આ પ્રત્યેકને અનુરૂપ આહાર, ક્રિયા-કલાપો, યજ્ઞ, દાન અને અન્ય શ્રેણીઓ અંગે સમજાવે છે.