Bhagavad Gita: Chapter 9, Verse 11

અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ ।
પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ॥ ૧૧॥

અવજાનન્તિ—ઉપહાસ કરે છે; મામ્—મને; મૂઢા:—મૂર્ખ મનુષ્યો; માનુષીમ્—મનુષ્યો; તનુમ્—સ્વરૂપ; આશ્રિતમ્—ધારણ કરેલ; પરમ્—દિવ્ય; ભાવમ્—સ્વભાવને; અજાનન્ત:—નહીં જાણીને; મમ—મારી; ભૂત—દરેક પ્રાણી; મહા-ઈશ્વરમ્—સર્વોપરી સ્વામી.

Translation

BG 9.11: જયારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતરું છું ત્યારે મૂઢ લોકો મને ઓળખવા માટે અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓના સર્વોપરી સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી.

Commentary

મહાન આચાર્ય પણ પ્રસંગોપાત તેમના શિષ્યોને આત્મસંતુષ્ટિની ગ્રસિત વિચારધારામાંથી બહાર નીકળીને ચિંતનની ગહન અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઝટકો મારીને કડક શબ્દોનો ઉપયોગ કરે છે. અહીં, શ્રીકૃષ્ણે ‘મૂઢા:’  અર્થાત્, ‘મૂર્ખ વ્યક્તિ’ શબ્દનો ઉપયોગ તેમનું વર્ણન કરવા માટે કર્યો છે, જે તેમના સાકાર સ્વરૂપની દિવ્યતાને સ્વીકારતા નથી.

જે લોકો કહે છે કે ભગવાન કેવળ નિરાકાર છે અને સાકાર સ્વસ્વરૂપમાં પ્રગટ થઈ શકતા નથી, તેઓ ભગવાનની સર્વ-શકિતમાન અને સર્વ-સમર્થતાની પરિભાષાનું ખંડન કરે છે. પરમ પુરુષોત્તમ ભગવાને અનેક સ્વરૂપો, આકારો અને રંગોથી પૂર્ણ આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે. જો તેઓ સૃષ્ટિમાં અગણિત સ્વરૂપોનું સર્જન કરવાનું આવું અદ્ભુત કાર્ય કરી શકતા હોય, તો શું તેઓ સ્વયંનાં સ્વરૂપનું સર્જન ન કરી શકે? કે પછી શું ભગવાન એમ કહે કે, “મારી પાસે સાકાર સ્વરૂપમાં પ્રગટ થવા માટે કોઈ શક્તિ નથી અને તેથી હું કેવળ નિરાકાર પ્રકાશ છું.” એમ કહેવું કે તેઓ સાકાર સ્વરૂપ ધારણ કરી શકતા નથી, તેમને અપૂર્ણ સિદ્ધ કરે છે.

આપણે અતિ સૂક્ષ્મ જીવાત્માઓ પણ સ્વરૂપ ધારણ કરીએ છીએ. જો કોઈ એમ માનતું હોય કે ભગવાન સાકાર સ્વરૂપ ધારણ કરી શકતા નથી, તો તેનો અર્થ એ છે કે તેઓ આપણા મનુષ્યો કરતાં પણ અલ્પ શક્તિ ધરાવે છે. ભગવાન સ્વયંસિદ્ધ અને પૂર્ણ છે. તે માટે તેમના સ્વરૂપનાં બંને પાસાં હોવા આવશ્યક છે—સાકાર સ્વરૂપ તથા નિરાકાર સ્વરૂપ.

વૈદિક ગ્રંથો વર્ણન કરે છે:

           અપશ્યં ગોપાં અનિપદ્યમાનમા (ઋગ્વેદ ૧.૨૨.૧૬૪ સૂક્ત ૩૧)

“મને ભગવાનનું દર્શન એક ગોવાળ પરિવારમાં અવતરિત અવિનાશી બાળક સ્વરૂપે થયું.”

         દ્વિભૂજં મૌન મુદ્રાઢ્યં વન માલિનમીશ્વરમ્ (ગોપાલ તાપની ઉપનિષદ્દ ૧.૧૩)

“ભગવાન વનમાળા પહેરીને, તેમના હસ્તોથી મનોહર મૌન મુદ્રા ધારણ કરીને, વાંસળી વગાડે છે.”

           ગૂઢં પરં બ્રહ્મ મનુષ્યલિઙ્ગમ્ (ભાગવતમ્ ૭.૧૫.૭૫)

“અતિ ગૂઢ જ્ઞાન એ છે કે ભગવાન મનુષ્ય-સમાન સ્વરૂપનો સ્વીકાર કરે છે.”

           યત્રાવતીર્ણો ભગવાન્ પરમાત્મા નરાકૃતિઃ (ભાગવતમ્  ૯.૨૩.૨૦)

“એ સમયે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, જેઓ સર્વ ઐશ્વર્યોનાં સ્વામી છે, મનુષ્ય રૂપમાં અવતર્યા.”

             ઈશ્વરઃ પરમઃ કૃષ્ણઃ સચ્ચિદાનન્દ વિગ્રહઃ

            અનાદિરાદિર્ ગોવિન્દઃ સર્વકારણ કારણમ્ (બ્રહ્મ સંહિતા ૫.૧)

આ શ્લોકમાં બ્રહ્મા શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે, “હું શ્રીકૃષ્ણની આરાધના કરું છું. જેમનું સ્વરૂપ સનાતન, સર્વજ્ઞ અને આનંદપ્રદ છે. તેઓ આદિ અને અંતથી રહિત છે તથા સર્વ કારણોનું કારણ છે.”

જો કે, ભગવાનના સાકાર સ્વરૂપના સંદર્ભમાં આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે, તે દિવ્ય સ્વરૂપ છે અર્થાત્ ભૌતિક રૂપોમાં જોવા મળતા સર્વ દોષોથી રહિત છે. ભગવાનનું સ્વરૂપ સત્-ચિત્-આનંદ—સનાતન, સર્વજ્ઞ અને દિવ્યાનંદથી બનેલું છે.

            અસ્યાપિ દેવ વપુષો મદનુગ્રહસ્ય

           સ્વેચ્છામયસ્ય ન તુ ભૂતમયસ્ય કોઽપિ (ભાગવતમ્ ૧૦.૧૪.૨)

આ શ્લોકમાં, બ્રહ્મા શ્રીકૃષ્ણની પ્રાર્થના કરે છે, “હે ભગવાન! આપનું શરીર પાંચ મહાભૂતોનું બનેલું નથી; તે દિવ્ય છે. આપ મારા જેવા આત્માઓ પર કૃપા કરવા આ સ્વરૂપમાં સ્વેચ્છાથી અવતર્યા છો.”

ભગવદ્ ગીતાના ચતુર્થ અધ્યાયમાં, શ્રીકૃષ્ણ વર્ણન કરે છે, “હું અજન્મા અને અવિનાશી તથા સર્વ પ્રાણીઓનો સ્વામી હોવા છતાં આ વિશ્વમાં મારી યોગમાયા શક્તિથી, મારા મૂળ દિવ્ય સ્વરૂપમાં અવતરું છું.” (૪.૬) આનો અર્થ એ છે કે, ભગવાન કેવળ શરીર ધારણ કરતા નથી, પરંતુ અવતાર ધારણ કરીને આ વિશ્વમાં અવતરિત પણ થાય છે.

આપણે જીવાત્માઓ ચિરકાળથી આ વિશ્વમાં જન્મ લઈ રહ્યા હોવાથી એ તર્કસંગત છે કે, આપણે આ પૃથ્વી પર ત્યારે પણ ઉપસ્થિત હોઈએ, જયારે ભગવાનનું અગાઉનું અવતરણ આ પૃથ્વી પર વિદ્યમાન હતું. એ પણ શક્ય છે કે, આપણે એ અવતારનું દર્શન પણ કર્યું હોય. પરંતુ મર્યાદા એ હતી કે, ભગવાનનું સ્વરૂપ દિવ્ય હતું અને આપણે માયિક ચક્ષુ ધરાવતા હતાં. તેથી, જયારે આપણે તેમને આપણી આંખો દ્વારા જોયા ત્યારે આપણે તેમના સ્વરૂપની દિવ્યતાને ઓળખવા માટે અસમર્થ હતાં.

ભગવાનના સ્વરૂપની દિવ્ય પ્રકૃતિ એવી છે કે, તેમની દિવ્યતાનો બોધ પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની આધ્યાત્મિક શક્તિની સીમા અનુસાર જ થઈ શકે છે. જેઓ સત્ત્વગુણથી પ્રભાવિત હોય છે, તેઓ માને છે કે “શ્રીકૃષ્ણ વિશેષ વ્યક્તિ છે. તેઓ સમર્થ છે, પરંતુ નિશ્ચિત રૂપે ભગવાન નથી.” જયારે રજોગુણથી પ્રભાવિત લોકો તેમને જોવે છે, તેઓ કહે છે, “તેમનામાં કંઈ વિશેષ નથી. તેઓ મહદ્દઅંશે આપણા સમાન જ છે.” જેઓ તમોગુણથી પ્રભાવિત હોય છે, તેઓ માને છે કે, “તેઓ અહંકારી અને ચારિત્ર્યહીન છે, આપણાથી પણ અધિક ખરાબ છે.” કેવળ ભગવદ્-પ્રાપ્ત સંતો જ તેમને ભગવાન તરીકે ઓળખી શકે છે, કારણ કે તેમને ભગવદ્-કૃપા દ્વારા દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થઈ હોય છે. શ્રીકૃષ્ણ કહે છે કે, જયારે તેઓ આ વિશ્વમાં અવતાર ધારણ કરે છે, ત્યારે અજ્ઞાત અને માયિક રીતે ગ્રસિત જીવો તેમને જાણી શકતા નથી.