Bhagavad Gita: Chapter 9, Verse 10

મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્ ।
હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે ॥ ૧૦॥

મયા—મારા દ્વારા; અધ્યક્ષેણ—અધ્યક્ષતા; પ્રકૃતિ:—ભૌતિક શક્તિ; સૂયતે—ચેતનમાં લાવવામાં આવે છે; સ—બંને; ચર-અચરમ્—ચેતન અને અચેતન; હેતુના—કારણ; અનેન—આ; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; જગત—ભૌતિક જગત; વિપરિવર્તતે—પરિવર્તનશીલ.

Translation

BG 9.10: હે કુંતીપુત્ર, મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માયિક શક્તિ, ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે. આ કારણથી, માયિક જગત (સર્જન, સ્થિતિ અને સંહાર)માં પરિવર્તન થતાં રહે છે.

Commentary

છેલ્લા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે, ભગવાન સ્વયં જીવંત પ્રાણીઓના સર્જન કાર્યમાં પ્રત્યક્ષ રીતે સંબદ્ધ હોતા નથી. તેમના આધિપત્ય હેઠળ તેમના દ્વારા આ જ ઉદ્દેશ્ય માટે નિયુક્ત કરવામાં આવેલી શક્તિઓ તેમજ આત્માઓ આ કાર્યો સંપન્ન કરે છે. ઉદાહરણ તરીકે, રાષ્ટ્રના રાષ્ટ્રપતિ પ્રત્યેક સરકારી કાર્યો કરતા નથી. તેમના આધીન વિવિધ વિભાગો હોય છે અને વિભિન્ન કાર્યો કરવા માટે અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે છે. આમ છતાં, સરકારની સફળતાઓ અને નિષ્ફળતાઓ માટે તેઓ જ ઉત્તરદાયી હોય છે. આનું કારણ એ છે કે તેઓ તેમના અધિકાર-ક્ષેત્રમાં સરકારી અધિકારીઓને કાર્ય સંપન્ન કરવા માટે સંમતિ પ્રદાન કરે છે. એ જ પ્રમાણે, સૌ પ્રથમ જન્મેલા બ્રહ્મા સર્જનનું તેમજ માયા શક્તિ જીવોના પ્રગટીકરણનું કાર્ય સંપન્ન કરે છે. તેઓ ભગવાનની સંમતિ અનુસાર કાર્ય કરે છે. તેથી ભગવાનને પણ સૃષ્ટા અથવા તો સર્જક તરીકે સંબોધિત કરવામાં આવે છે.