Bhagavad Gita: Chapter 9, Verse 24

અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ।
ન તુ મામભિજાનન્તિ તત્ત્વેનાતશ્ચ્યવન્તિ તે ॥ ૨૪॥

અહમ્—હું; હિ—વાસ્તવમાં; સર્વ—સર્વ; યજ્ઞાનામ્—યજ્ઞો; ભોક્તા—ભોક્તા; ચ—અને; પ્રભુ:—પ્રભુ; એવ—કેવળ; ચ—અને; ન—નહીં; તુ—પરંતુ; મામ્—મને; અભિજાનન્તિ—જાણે છે; તત્ત્વેન—દિવ્ય પ્રકૃતિ; અત:—તેથી; ચ્યવન્તિ—પતન પામે છે (સંસારમાં ભટકે છે); તે—તેઓ.

Translation

BG 9.24: હું સર્વ યજ્ઞોનો ભોકતા તથા એકમાત્ર સ્વામી છું. પરંતુ જેઓ મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી, તેમનો નિશ્ચિતપણે પુનર્જન્મ થાય છે.

Commentary

શ્રીકૃષ્ણ હવે સ્વર્ગીય દેવતાઓની આરાધના કરવામાં રહેલી ત્રુટિઓ અંગે ચર્ચા કરે છે. સર્વોચ્ચ ભગવાનથી પ્રદત્ત અધિકારના ગુણને  આધારે તેઓ સંસારી સુખો પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે, પરંતુ તેઓ તેમના ભક્તોને જીવન-મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરી શકતા નથી. તેઓ અન્યને તે જ પ્રદાન કરી શકે છે, જે તેઓ પાસે છે. જયારે સ્વર્ગીય દેવતાઓ પોતે સંસારમાંથી મુક્ત નથી હોતા, તો તેઓ તેમના ભક્તોને કેવી રીતે મુક્ત કરી શકશે? બીજી બાજુ, જેમનું જ્ઞાન ઉચિત રીતે પરિપૂર્ણ છે, તેઓ તેમની સંપૂર્ણ ભક્તિ સ્વયં ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે અને જયારે તેમની ભક્તિ સિદ્ધાવસ્થામાં પહોંચી જાય છે ત્યારે તેઓ નશ્વર સંસારથી ઉપર ભગવાનના દિવ્ય ધામમાં ગતિ કરે છે.