Bhagavad Gita: Chapter 9, Verse 1

શ્રીભગવાનુવાચ ।
ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે ।
જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥ ૧॥

શ્રી ભગવાન ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; ઈદમ્—આ; તુ—પરંતુ; તે—તને; ગુહ્યતમમ્—અત્યંત ગુહ્ય; પ્રવક્ષ્યામિ—પ્રદાન કરું છું; અનસૂયવે—ઈર્ષ્યા ન કરનાર; જ્ઞાનમ્—જ્ઞાન; વિજ્ઞાન—અનુભૂત જ્ઞાન; સહિતમ્—સહિત; યત્—જે; જ્ઞાત્વા—જાણીને; મોક્ષ્યસે—તું મુક્ત થઈ જઈશ; અશુભાત્—ભૌતિક અસ્તિત્વનાં દુ:ખો.

Translation

BG 9.1: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, કારણ કે તને મારા પ્રત્યે ઈર્ષ્યાભાવ નથી, હું હવે તને પરમ ગુહ્ય જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ, જેને જાણીને તું ભૌતિક અસ્તિત્ત્વના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ.

Commentary

આ વિષયના પ્રારંભમાં જ શ્રીકૃષ્ણ આ ઉપદેશનું શ્રવણ કરવા માટેની પાત્રતા અંગે ઘોષણા કરે છે. ‘અનસૂયવે’ અર્થાત્ ‘ઈર્ષ્યા ન કરનાર’. તેઓ અર્જુનને કહે છે કે તેઓ આ જ્ઞાન પ્રગટ કરે છે કારણ કે અર્જુન તેમના પ્રત્યે ઈર્ષ્યાભાવ ધરાવતો નથી. શ્રીકૃષ્ણ આ સ્પષ્ટીકરણ કરે છે કે કારણ કે અહીં ભગવાન સ્વયંનો મહિમા વિપુલ પ્રમાણમાં કરવા જઈ રહ્યા છે. અનસૂયવે નો એક અર્થ એ પણ છે કે જે ઉપહાસ કરતો નથી. જે શ્રોતાઓ શ્રીકૃષ્ણનો ઉપહાસ કરે છે અને એમ માને છે કે ભગવાન આત્મશ્લાઘા કરે છે, તેઓને આ ઉપદેશનાં શ્રવણથી કોઈ લાભ થતો નથી. પરંતુ તેનાથી વિપરીત, તેઓ ભગવાન વિષે “આ ઘમંડી વ્યક્તિને જુઓ. તે પોતે જ સ્વયંની પ્રશંસા કરે છે.” એમ વિચારીને સ્વયંની હાનિ વહોરી લે છે.

આ પ્રકારનું મનોવલણ અહંકાર અને ઘમંડમાંથી જન્મે છે અને તે વ્યક્તિમાંથી ભક્તિપૂર્ણ શ્રદ્ધા-ભાવનાને હરી લે છે. ઈર્ષ્યાળુ વ્યક્તિઓ એ સરળ તથ્ય પણ સમજી શકતા નથી કે ભગવાનને કંઈપણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા નથી અને તેથી જ તેઓ જે કંઈ પણ કરે છે તે આત્માઓના કલ્યાણ અર્થે કરે છે. તેઓ સ્વયંની પ્રશંસા કેવળ જીવાત્માઓની ભક્તિમાં વૃદ્ધિ કરવા માટે કરે છે, તેમનામાં આપણા સમાન મિથ્યાભિમાન જેવી કોઈ લૌકિક ત્રુટિ નથી. જયારે ઈશુ ખ્રિસ્તે કહ્યું કે “હું માર્ગ અને પથ છું”, તે તેમણે તેમનો ઉપદેશ સાંભળી રહેલા જીવાત્માઓ પ્રત્યેની કરુણાથી પ્રેરિત થઈને કહ્યું હતું, આડંબરયુક્ત થઈને નહિ. એક સાચા ગુરુ તરીકે તેઓ તેમના શિષ્યોને સમજાવતા હતા કે, ભગવાન પ્રત્યેનો માર્ગ ગુરુના માધ્યમથી પ્રાપ્ત થાય છે. પરંતુ ઈર્ષ્યાળુ મનોવૃત્તિ ધરાવતા લોકો આ કથનની પાછળ રહેલી કરુણાને સમજી શકતા નથી અને તેમના પર આત્મશ્લાઘી હોવાનું દોષારોપણ કરે છે. અર્જુન ઉદારભાવ ધરાવતો હોવાથી અને ઈર્ષ્યાના દોષથી મુક્ત હોવાથી આ ગહન જ્ઞાન માટે વિશેષ પ્રકારે પાત્ર છે, જે જ્ઞાન શ્રીકૃષ્ણ આ અધ્યાયમાં પ્રગટ કરવા જઈ રહ્યા છે.

દ્વિતીય અધ્યાયમાં શ્રીકૃષ્ણએ, શરીરથી પૃથક્ અને ભિન્ન અસ્તિત્વનાં રૂપે આત્માનું જ્ઞાન સ્પષ્ટ કર્યું. તે ગુહ્ય, ગોપનીય જ્ઞાન છે. સાતમા અને આઠમા અધ્યાયમાં, તેમણે તેમની પરમ શક્તિઓ અંગેનું જ્ઞાન વ્યક્ત કર્યું, જે ગુહ્યતર, અધિક ગોપનીય છે અને નવમા અધ્યાયમાં તેમજ આગામી અધ્યાયોમાં તેઓ વિશુદ્ધ ભક્તિ અંગેનું જ્ઞાન પ્રગટ કરશે, જે ગુહ્યતમ, અત્યંત ગોપનીય છે.