કિં પુનર્બ્રાહ્મણાઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા ।
અનિત્યમસુખં લોકમિમં પ્રાપ્ય ભજસ્વ મામ્ ॥ ૩૩॥
કિમ્—શું; પુન:—ફરીથી; બ્રાહ્મણા:—સાધુઓ; પુણ્યા:—ધર્માત્મા: ભક્તા:—ભક્તો; રાજ-ઋષય:—સાધુચરિત રાજાઓ; તથા—અને; અનિત્યમ્—અલ્પકાલીન; અસુખમ્—આનંદરહિત; લોકમ્—લોક; ઈમમ્—આ; પ્રાપ્ય—પ્રાપ્ત કરીને; ભજસ્વ—ભક્તિમાં લીન; મામ્—મને.
Translation
BG 9.33: તો પછી પુણ્યાત્મા સાધુઓ અને રાજર્ષિઓ વિષે શું કહેવું? તેથી, આ ક્ષણિક તથા દુઃખમય વિશ્વમાં આવીને મારી ભક્તિ પ્રત્યે પરાયણ થાવ.
Commentary
જયારે અતિ ઘૃણાસ્પદ પાપીઓ માટે પણ ભક્તિ માર્ગની સફળતા નિશ્ચિત હોય છે, તો પછી અધિક પાત્રતા ધરાવતા જીવાત્માઓએ શા માટે સંશય રાખવો જોઈએ? રાજાઓ તથા સાધુઓને અનન્ય ભક્તિમાં લીન રહીને પરમ લક્ષ્ય પ્રાપ્ત થવાની સુનિશ્ચિતતા અધિક હોવી જોઈએ. શ્રીકૃષ્ણ અર્જુનને માર્મિક ઈશારો કરે છે કે, “તારા જેવા સાધુચરિત રાજાએ એ જ્ઞાનમાં સ્થિત થવું જોઈએ કે આ સંસાર ક્ષણભંગુર તથા કષ્ટોનું સ્થાન છે. અસીમ શાશ્વત આનંદનાં સ્વામી એવા મારી દૃઢ ભક્તિમાં પોતાને લીન કર. અન્યથા રાજવી તથા ઋષિકુળમાં જન્મનો આશીર્વાદ, ઉત્તમ શિક્ષણ, તેમજ અનુકૂળ માયિક સંયોગો આ બધું વ્યર્થ થઈ જશે, જો તેનો સદુપયોગ પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવશે નહિ.”