Bhagavad Gita: Chapter 9, Verse 12

મોઘાશા મોઘકર્માણો મોઘજ્ઞાના વિચેતસઃ ।
રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિં મોહિનીં શ્રિતાઃ ॥ ૧૨॥

મોઘ-આશા:—નિરર્થક આશાઓનું; મોઘ-કર્માણ:—નિષ્ફળ કર્મોનું; મોઘ-જ્ઞાન:—વ્યર્થ જ્ઞાનનું; વિચેતસ:—મોહગ્રસ્ત; રાક્ષસીમ્—આસુરી; આસુરીમ્—નાસ્તિક; ચ—અને; એવ—નિશ્ચિત; પ્રકૃતિમ્—માયિક શક્તિ; મોહિનીમ્—મોહી કરનારી; શ્રિતા:—શરણ લેવું.

Translation

BG 9.12: માયિક શક્તિ દ્વારા મોહગ્રસ્ત થઈને આવા લોકો આસુરી તથા નાસ્તિક દૃષ્ટિકોણ ગ્રહણ કરે છે. એવી ભ્રમિત અવસ્થામાં, તેમના કલ્યાણની આશાઓ નિરર્થક થઈ જાય છે, તેમના સકામ કર્મો વ્યર્થ થઈ જાય છે અને તેમનાં જ્ઞાનનું સંવર્ધન નિષ્ફળ થઈ જાય છે.

Commentary

ભગવાનના સાકાર સ્વરૂપ સંબંધિત નાસ્તિક દૃષ્ટિકોણો અંગે વિશ્વમાં અનેક પક્ષો પ્રવર્તમાન છે. કેટલાક લોકો એમ ઘોષિત કરે છે કે, ભગવાન સાકાર સ્વરૂપમાં વિશ્વમાં અવતરી શકતા નથી. પરિણામે, તેઓ કહે છે કે શ્રીકૃષ્ણ ભગવાન ન હતા; તેઓ કેવળ યોગી હતા. અન્ય કેટલાક કહે છે કે શ્રીકૃષ્ણ માયા-વિશિષ્ટ છે, જે માયા શક્તિના સંપર્કમાં હોવાથી સર્વોચ્ચ દિવ્યતાની નિમ્ન કક્ષા છે. વળી, કેટલાક લોકો કહે છે કે શ્રીકૃષ્ણ ચારિત્ર્યહીન લંપટ હતા કે જેઓ વૃંદાવનની અવિવાહિત ગોપીઓની આગળ પાછળ ફરતા રહેતા હતા.

આ શ્લોકની અનુસાર, આ સર્વ સિદ્ધાંતો ખોટા છે અને જેની બુદ્ધિ આ સિદ્ધાંતોનું સમર્થન કરે છે, તે માયા શક્તિથી મોહગ્રસ્ત છે. શ્રીકૃષ્ણ એટલે સુધી કહે છે કે, જેઓ આવી અભગવદીય દાર્શનિકતાનો સ્વીકાર કરે છે, તેઓ આસુરી પ્રકૃતિ ધરાવે છે. તેઓ પરમાત્માના સાકાર સ્વરૂપ પ્રત્યે હૃદયમાં દિવ્ય ભાવનાઓ ધરાવતા ન હોવાના કારણે તેમના પ્રત્યે ભક્તિમાં લીન થઈ શકતા નથી અને ભગવાનના નિરાકાર સ્વરૂપની ભક્તિ કરવી અતિ કઠિન હોવાથી તેઓ એ પણ કરી શકતા નથી. પરિણામે, તેઓ શાશ્વત કલ્યાણના માર્ગથી વંચિત રહી જાય છે. માયા શક્તિના ક્ષણિક આકર્ષણથી મોહિત થઈને, તેઓની સનાતન આત્મ-કલ્યાણ માટેની આશાઓ વ્યર્થ થઈ જાય છે.