Bhagavad Gita: Chapter 9, Verse 15

જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે ।
એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ્ ॥ ૧૫॥

જ્ઞાન-યજ્ઞેન—જ્ઞાનના સંવર્ધનનો યજ્ઞ; ચ—અને; અપિ—પણ; અન્ય—અન્ય; યજન્ત:—ભજે છે; મામ્—મને; ઉપાસતે—ઉપાસના કરે છે; એકત્વેન—ઐક્યભાવથી; પૃથક્તેવન—દ્વૈત્ભાવથી; બહુધા—વિવિધ; વિશ્વત:-મુખમ્—વિશ્વરૂપે.

Translation

BG 9.15: અન્ય મનુષ્યો, જ્ઞાન સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે. કેટલાક લોકો મને પોતાનાંથી અભિન્ન ઐક્ય ભાવથી જોવે છે જે તેમનાથી ભિન્ન નથી, જયારે અન્ય મને તેમનાથી પૃથક્ ગણે છે. વળી, કેટલાક લોકો મારા બ્રહ્માંડીય સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે.

Commentary

સાધકો (આધ્યાત્મિક અભ્યાસુઓ) પૂર્ણ સત્ય સુધી પહોંચવા માટે અધ્યાત્મના વિભિન્ન માર્ગો અનુસરે છે. શ્રીકૃષ્ણે પૂર્વે ભક્તો કોણ છે, તેનું વર્ણન કર્યું છે. તેઓ ભગવાનના શાશ્વત અંશ અને દાસભાવથી, તેમના ચરણ-કમળમાં ભક્તિયુક્ત થઈને પોતાને સમર્પિત કરે છે. તેઓ હવે સાધકો દ્વારા અનુસરાતા અન્ય માર્ગોનું વર્ણન કરે છે.

જેઓ જ્ઞાનયોગનું અનુપાલન કરે છે, તેઓ સ્વયંને ભગવાનથી અભિન્ન ગણે છે. તેઓ “સો’હમ્”, શિવો’હમ્”  (હું શિવ છું) ઈત્યાદિ સૂત્ર પર ગહન રીતે ચિંતન-મનન કરે છે. તેઓનું અંતિમ ધ્યેય અદ્વૈત બ્રહ્મ કે જે શાશ્વતતા, જ્ઞાન તથા આનંદના ગુણોથી સંપન્ન છે, પરંતુ રૂપ, ગુણ, લીલાથી રહિત છે, તેવા પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કરવાનું છે. શ્રીકૃષ્ણ કહે છે કે આવા જ્ઞાનયોગીઓ મારી ઉપાસના કરે છે પરંતુ મારા સર્વ-વ્યાપક નિરાકાર સ્વરૂપની.તેનાથી વિપરીત, અષ્ટાંગ યોગીઓમાં વૈવિધ્ય છે જે પોતાને ભગવાનથી પૃથક્ માને છે અને તદ્નુસાર તેમની સાથે સંબંધ ધરાવે છે.

વળી, કેટલાક લોકો બ્રહ્માંડના પ્રાગટ્યની ભગવાન સ્વરૂપે ઉપાસના કરે છે. વૈદિક દર્શનમાં, આને વિશ્વરૂપ ઉપાસના (ભગવાનના બ્રહ્માંડીય સ્વરૂપની ઉપાસના) કહેવામાં આવે છે. પાશ્ચાત્ય દર્શનમાં, તેને “પેંથેસિઝમ” (Panthesim)”કહેવાય છે, જે ગ્રીક શબ્દ ‘pan’ (સર્વ) અને ‘theos’ (ભગવાન) ઉપરથી આવ્યો છે. આ તત્વજ્ઞાનનું સર્વાધિક પ્રચલિત અંગ Spinoza છે. વિશ્વ એ ભગવાનનું જ અંગ હોવાથી તેના પ્રત્યે દિવ્યભાવ રાખવો એ ખોટું નથી, પરંતુ અપૂર્ણ છે. આવા ઉપાસકોને પરમ દિવ્ય તત્ત્વના અન્ય પાસાંઓ જેવા કે, બ્રહ્મ (ભગવાનનું સર્વ-વ્યાપક અભિન્ન પ્રાગટય), પરમાત્મા (પરમાત્મા જે સર્વના હૃદયમાં સ્થિત છે) અને ભગવાન (ભગવાનનું સાકાર સ્વરૂપ) વગેરેનું જ્ઞાન હોતું નથી.

આ સર્વ વિભિન્ન પ્રકારના મતો એક જ ભગવાનની ઉપાસના કેવી રીતે કરે છે? શ્રીકૃષ્ણ આનો ઉત્તર આગામી શ્લોકમાં આપે છે.