માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેઽપિ સ્યુઃ પાપયોનયઃ ।
સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાસ્તેઽપિ યાન્તિ પરાં ગતિમ્ ॥ ૩૨॥
મામ્—મારામાં; હિ—નિશ્ચિત; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; વ્યપાશ્રિત્ય—શરણ લે છે; યે—જે; અપિ—પણ; સ્યુ:—છે; પાપ યોનય:—હીન કુળમાં જન્મેલા; સ્ત્રિય:—સ્ત્રીઓ; વૈશ્યા:—વણિક વર્ગ; તથા—અને; શુદ્રા:—શ્રમિકો; તે અપિ—તેઓ પણ; યાન્તિ—જાય છે; પરામ્—પરમ; ગતિમ્—ગંતવ્ય.
Translation
BG 9.32: હે પાર્થ, જે લોકો મારું શરણ ગ્રહણ કરે છે, તેમનું કુળ, જાતિ, લિંગ કે જ્ઞાતિ જે પણ હોય, ભલે સમાજે તેને બહિષ્કૃત કર્યો હોય છતાં પણ તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે.
Commentary
કેટલાક એવા આત્માઓ હોય છે, જેમને પવિત્ર કુળમાં જન્મવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે જ્યાં નાનપણથી તેમને ઉચ્ચ મૂલ્યોનું શિક્ષણ તેમજ સદાચારી જીવન શૈલી પ્રાપ્ત થાય છે. તેમનાં પૂર્વ જન્મોના સત્કર્મોનું આ ફળ હોય છે. વળી, એવા આત્માઓ પણ છે જેમને દુર્ભાગ્યે દારૂડિયા, ગુનાખોર, જુગારી અને નાસ્તિક પરિવારમાં જન્મ મળે છે. આ પણ તેમનાં પૂર્વજન્મોના પાપનું પરિણામ હોય છે.
અહીં શ્રીકૃષ્ણ કહે છે કે, કોઈપણ કુળ, લિંગ, જાતિ, જ્ઞાતિમાં જન્મ લેવા છતાં પણ જે મારું પૂર્ણ શરણ ગ્રહણ કરે છે તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. ભક્તિ માર્ગની આવી પરમ મહાનતા છે કે તેના માટે સૌ કોઈ પાત્રતા ધરાવે છે. જયારે અન્ય માર્ગોમાં પાત્રતા માટેનાં કડક માપદંડો છે.
જ્ઞાનયોગની પાત્રતા માટે જગદ્દગુરુ શ્રી શંકરાચાર્ય કહે છે:
વિવેકિનો વિરક્તસ્ય શમાદિગુણશાલિનઃ
મુકુક્ષોરેવ હિ બ્રહ્મજિજ્ઞાસાયોગ્યતા મતા
જે લોકો ચાર યોગ્યતાઓ ધરાવે છે—વિવેક, વિરક્તિ, સંયમિત મન તેમજ ઇન્દ્રિયો તથા મોક્ષ માટેની તીવ્ર ઝંખના—તેઓ જ્ઞાનમાર્ગની સાધના માટે પાત્ર છે.
કર્મકાંડના માર્ગના અનુસરણ માટે છ શરતોનું પાલન કરવું પડે છે:
દેશે કાલે ઉપાયેન દ્રવ્યં શ્રદ્ધા સમન્વિતમ્
પાત્રે પ્રદીયતે યત્તત્ સકલં ધર્મ લક્ષણમ્
“કર્મકાંડોના અનુષ્ઠાનોને સફળ બનાવવા માટે છ માપદંડો પરિપૂર્ણ કરવા આવશ્યક છે—ઉચિત સ્થાન, ઉચિત કાળ, દોષરહિત પ્રક્રિયા તેમજ મંત્રોનું સ્પષ્ટ ઉચ્ચારણ, શુદ્ધ સામગ્રીનો ઉપયોગ, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણની પાત્રતા તેમજ તેના પ્રભાવમાં અડગ શ્રદ્ધા.”
અષ્ટાંગ યોગના માર્ગના પણ કડક નિયમો છે:
શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય (ભાગવતમ્ ૩.૨૮.૮)
“શુદ્ધ સ્થાને, અવિચળ સ્થિતિમાં ઉચિત આસન સાથે હઠ યોગનો અભ્યાસ કરો.”
તેનાથી વિપરીત, ભક્તિ યોગ એવો છે કે તેનું પાલન કોઈપણ વ્યક્તિ, કોઈપણ સમયે, સ્થાને અને કોઈપણ પરિસ્થિતિમાં, કોઈપણ સામગ્રી સાથે કરી શકે છે.
ન દેશ નિયમસ્તસ્મિન્ ન કાલ નિયમસ્તથા (પદ્મ પુરાણ)
આ શ્લોક સ્પષ્ટ કરે છે કે, ભગવાનને આપણે કયા સ્થાને કે સમયે ભક્તિ કરીએ છીએ તેની સાથે કોઈ નિસ્બત નથી. તેઓ કેવળ આપણા હૃદયમાં રહેલો પ્રેમ જોવે છે. સર્વ આત્માઓ ભગવાનના સંતાનો છે અને તેઓ પોતાની બંને ભુજાઓ ફેલાવીને પ્રત્યેકને સ્વીકારવા ઈચ્છે છે, કેવળ આપણે તેમની પાસે શુદ્ધ પ્રેમ સાથે જવાનું છે.