Bhagavad Gita: Chapter 9, Verse 9

ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય ।
ઉદાસીનવદાસીનમસક્તં તેષુ કર્મસુ ॥ ૯॥

ન—કોઈ નહીં; ચ—એમ; મામ્—મને; તાનિ—તેઓ; કર્માણિ—કર્મો; નિબધ્નન્તિ—બાંધે છે; ધનંજય—અર્જુન, ધનના વિજેતા; ઉદાસીન-વત્—તટસ્થની જેમ; આસીનમ્—સ્થિત; અસક્તમ્—આસક્તિ રહિત; તેષુ—તે; કર્મસુ—કર્મો.

Translation

BG 9.9: હે ધનંજય, આ કર્મોમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી. હું તટસ્થ નિરીક્ષક રહીને આ સર્વ કર્મોથી સદૈવ વિરક્ત રહું છું.

Commentary

વાસ્તવમાં, માયા શક્તિ નિષ્ક્રિય અને અચેતન છે. તે ચેતનાથી રહિત છે કે જે જીવનનો સ્રોત છે. કોઈને આશ્ચર્ય થઈ શકે કે તો પછી તે આટલી આશ્ચર્યકારક સૃષ્ટિનાં સર્જનનું અદ્ભુત કાર્ય તે કેવી રીતે કરી શકે છે? રામાયણમાં આનું સુંદર વર્ણન મળે છે:

            જાસુ સત્યતા તેં જડ માયા, ભાસ સત્ય ઇવ મોહ સહાયા.

“માયિક શક્તિ પોતે તો અચેતન છે. પરંતુ, જયારે તે ભગવાન પાસેથી દૈવી-પ્રેરણા પ્રાપ્ત કરે છે ત્યારે તે જાણે ચેતન હોય તેમ કાર્ય કરવાનું આરંભે છે.” આ રસોઇગૃહના ચિપિયાની સમાન છે. તે પોતે તો જડ હોય છે. પરંતુ, રસોઈયાના હાથમાં તેને ચેતન મળે છે અને તે અતિ ગરમ વાસણો ઉપાડવાના વિસ્મયકારક કાર્યો કરે છે. તે જ પ્રમાણે, સ્વયં માયા-શક્તિમાં કંઈ પણ કરવાની શક્તિ હોતી નથી. જયારે ભગવાન સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છા કરે છે ત્યારે તેઓ માયિક શક્તિ તરફ એક દૃષ્ટિપાત કરીને તેને સજીવ કરી દે છે. અહીં મનમાં એક મુખ્ય મુદ્દો એ રાખવાનો છે કે, સર્જનની પ્રક્રિયા ભગવાનની ઈચ્છા અને પ્રેરણાથી જ થતી હોવા છતાં, તેઓ માયિક શક્તિના કાર્યથી અસ્પર્શ્ય રહે છે. તેઓ તેમની લ્હાદિની શક્તિ (આનંદદાયી શક્તિ) ના કારણે સદૈવ તેમના સચ્ચિદાનંદ સ્વરૂપમાં અવિચળ રહે છે. તેથી, વેદો તેમને આત્મારામ કહે છે, અર્થાત્ “તે કે જે કોઈપણ બાહ્ય સુખની આવશ્યકતા વિના સ્વયંમાં જ આનંદિત રહે છે.”  તેઓ અસ્પર્શ્ય રહે છે તે સમજાવીને, હવે ભગવાન તેઓ અકર્તા અને નિરીક્ષક છે, તે અંગે સ્પષ્ટતા કરે છે.