Bhagavad Gita: Chapter 9, Verse 13

મહાત્માનસ્તુ માં પાર્થ દૈવીં પ્રકૃતિમાશ્રિતાઃ ।
ભજન્ત્યનન્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયમ્ ॥ ૧૩॥

મહા-આત્માન:—મહાત્માઓ; તુ—પરંતુ; મામ્—મને; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; દૈવીમ્ પ્રકૃતિમ્—દૈવી પ્રકૃતિ; આશ્રિતા:—આશ્રયે રહેલા; ભજન્તિ—ભક્તિમાં વ્યસ્ત; અનન્ય-મનસ:—અવિચલિત મનથી; જ્ઞાત્વા—જાણીને; ભૂત—સમગ્ર સર્જન; આદિમ્—ઉદ્દગમ; અવ્યયમ્—અવિનાશી.

Translation

BG 9.13: હે પાર્થ, પરંતુ તે મહાત્માઓ કે જે મારી દિવ્ય શક્તિનો આશ્રય ગ્રહણ કરે છે તેઓ મને શ્રીકૃષ્ણને, સર્વ સૃષ્ટિના મૂળ સ્વરૂપે જાણે છે. તેઓ તેમના મનને અનન્ય રીતે મારામાં સ્થિત કરીને મારી ભક્તિમાં લીન રહે છે.

Commentary

શ્રીકૃષ્ણની ઉપદેશ આપવાની અદ્ભુત શૈલી એવી છે કે તેઓ તદ્દન વિરોધાભાસી તુલના કરીને વિષય પર પરત ફરે છે. ભ્રમિત અને વિચલિત મનુષ્યોની દશા અંગે વર્ણન કર્યા પશ્ચાત્ તેઓ હવે મહાત્માઓ અંગે ચર્ચા કરે છે. સંસારી જીવન એ એક દીર્ઘકાલીન સ્વપ્ન સમાન છે, જેનો અનુભવ માયિક શક્તિના પ્રભાવમાં નિદ્રાધીન થયેલા જીવાત્માઓ દ્વારા થાય છે. તેનાથી વિપરીત, મહાત્માઓ એ છે કે જેઓ તેમની અજ્ઞાનતામાંથી જાગૃત થઈ ગયા છે અને જેમણે માયિક ચેતનાની એક ખરાબ સ્વપ્નની સમાન વિસ્મૃતિ કરી દીધી છે. ભૌતિક શક્તિ, માયાના બંધનમાંથી મુક્ત થઈને, તેઓ હવે દિવ્ય યોગમાયા શક્તિના શરણમાં હોય છે. આવા પ્રબુદ્ધ જીવાત્માઓ તેમના ભગવાન સાથેના શાશ્વત સંબંધની આધ્યાત્મિક વાસ્તવિકતા પ્રત્યે જાગૃત થઈ ગયા હોય છે.

જે પ્રમાણે ભગવાનના સ્વરૂપના બે પાસાં છે—નિરાકાર તથા સાકાર—એ જ પ્રમાણે તેમની યોગમાયા શક્તિ પણ બંને પાસાં ધરાવે છે. તે નિરાકાર શક્તિ છે, પરંતુ તે સાકાર સ્વરૂપ જેવા કે રાધા, સીતા, દુર્ગા, લક્ષ્મી, કાળી, પાર્વતી વગેરે તરીકે પણ પ્રગટ થાય છે. આ સર્વ દિવ્ય સ્વરૂપો ભગવાનની દિવ્ય શક્તિનું પ્રગટીકરણ છે અને તે જ પ્રમાણે, કૃષ્ણ, રામ, શિવ, નારાયણ વગેરે એક જ ભગવાનના અભિન્ન સ્વરૂપો છે ,એ જ પ્રમાણે તેઓ એકબીજાથી પણ અભિન્ન છે.

બ્રહ્મવૈવર્તક પુરાણમાં વર્ણન છે:

             યથા ત્વં રાધિકા દેવી ગોલોકે ગોકુલે તથા

             વૈકુણ્ઠે ચ મહાલક્ષ્મી ભવતિ ચ સરસ્વતી

            કપિલસ્ય પ્રિયા કાન્તા ભારતે ભારતી સતી

            દ્વારવત્યાં મહાલક્ષ્મી ભવતી રુક્મિણી સતી

           ત્વં સીતા મિથિલાયાં ચ ત્વચ્છાયા દ્રૌપદી સતી

           રાવણેન હૃતા ત્વં ચ ત્વં ચ રામસ્ય કામિની

“હે રાધા, તમે ગોલોકના (શ્રીકૃષ્ણનું દિવ્ય ધામ છે) અને ગોકુલના (શ્રીકૃષ્ણનું લૌકિક લીલા ક્ષેત્ર, જ્યાં તેઓ ૫૦૦૦ વર્ષો પૂર્વે પૃથ્વી પર અવતરિત થયા હતા) ના દિવ્ય દેવી છો. તમે વૈકુંઠ (શ્રી વિષ્ણુનું ધામ)માં મહાલક્ષ્મીનાં સ્વરૂપે વિદ્યમાન છો. તમે કપિલ (ભગવાનનો એક અવતાર)ના ધર્મપત્ની છો. તમે દ્વારકામાં રુક્ષમણિ (શ્રીકૃષ્ણની ધર્મ પત્ની) સ્વરૂપે નિવાસ કરો છે. તમે સીતા તરીકે મિથિલા નગરીમાં પ્રગટ થયા. પાંડવોની પત્ની દ્રૌપદી તમારા છાયા સ્વરૂપની અભિવ્યક્તિ હતી. એ તમે જ હતાં જે સીતા સ્વરૂપે રાવણ દ્વારા અપહૃત થયા હતા અને શ્રીરામના અર્ધાંગીની રહ્યાં છો.”

આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ નિર્દેશ કરે છે કે, મહાપુરુષો ભગવાનની દિવ્ય શક્તિનું શરણ ગ્રહણ કરે છે. તેનું કારણ એ છે કે દિવ્ય કૃપા, જ્ઞાન, પ્રેમ ઈત્યાદિ ભગવાનની દિવ્ય શક્તિઓ છે અને તે સર્વ દિવ્ય યોગમાયા શક્તિ, રાધાજીની અનુસેવિકાઓ છે. તેથી, યોગમાયાની કૃપાથી વ્યક્તિ ભગવદ્ પ્રેમ, જ્ઞાન તથા કૃપા પ્રાપ્ત કરે છે. મહાપુરુષો કે જેઓ દિવ્ય કૃપા પ્રાપ્ત કરે છે, તેઓ દિવ્ય પ્રેમથી યુક્ત થઈને ભગવાનની અનન્ય ભક્તિમાં લીન રહે છે.