Bhagavad Gita: Chapter 9, Verse 31

ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શશ્વચ્છાન્તિં નિગચ્છતિ ।
કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ ॥ ૩૧॥

ક્ષિપ્રમ્—શીઘ્રતાથી; ભવતિ—થાય છે; ધર્મ-આત્મા—ધર્મપરાયણ; શશ્વત-શાંતિમ્—સ્થાયી શાંતિ; નિગચ્છતિ—પ્રાપ્ત કરે છે; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પ્રતિજાનીહિ—ઘોષણા કર; ન—કદી નહીં; મે—મારો; ભક્ત:—ભક્ત; પ્રણશ્યતિ—નષ્ટ થાય છે.

Translation

BG 9.31: તે શીધ્ર ધર્મપરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતીપુત્ર, નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈપણ ભક્તનો કદાપિ વિનાશ થતો નથી.

Commentary

કેવળ ઉચિત સંકલ્પ કરવાથી ભક્તને કેવી રીતે સમ્માનપાત્ર માની શકાય? શ્રીકૃષ્ણ સમજાવે છે કે, જો તેઓ અડગ શ્રદ્ધાપૂર્વક અનન્ય ધર્મપરાયણતા નિરંતર ચાલુ રાખે છે, તો તેમનું અંત:કરણ શુદ્ધ થઈ જશે તેમજ તેમનામાં શીઘ્ર સંત સમાન ગુણો વિકસિત થવા લાગશે.

દિવ્ય ગુણો સ્વયં ભગવાનમાંથી ઉદ્ભવે છે. તેઓ પૂર્ણપણે ન્યાયી, સત્યવાદી, કરુણાનિધાન, પ્રેમાળ, કૃપાળુ ઈત્યાદિ છે. આપણે જીવાત્માઓ તેમનાં અતિ સૂક્ષ્મ અંશ હોવાના કારણે સ્વાભાવિક રીતે આ ભગવદીય ગુણો તરફ આકર્ષિત થઈએ છીએ. પરંતુ સદાચારી બનવાની પ્રક્રિયા એક ભ્રામક રહસ્ય બની રહે છે. નાનપણથી આપણે એ સાંભળ્યું છે કે, આપણે સત્ય બોલવું જોઈએ, સેવા કરવી જોઈએ, ક્રોધ ઈત્યાદિથી મુક્ત રહેવું જોઈએ વગેરે અને છતાં પણ એ સરળ શિક્ષણને આપણે આચરણમાં મૂકી શકતા નથી. તેનું એક સામાન્ય કારણ એ છે કે આપણું મન અશુદ્ધ છે. મનનાં શુદ્ધિકરણ વિના ચારિત્ર્યના દોષોનું પૂર્ણપણે તેમજ સ્થાયીરૂપે ઉન્મૂલન શક્ય નથી. જગદ્દગુરુ શ્રી કૃપાળુજી મહારાજ દિવ્ય ગુણોનો વિકાસ કરવા માટેનું અકાટ્ય સત્ય પ્રગટ કરે છે:

            સત્ય અહિંસા આદિ મન! બિન હરિભજન ન પાય

            જલ તે ઘૃત નિકલે નહીઁ, કોટિન કરિય ઉપાય (ભક્તિ શતક :૩૫)

“અનેક પ્રયત્નો કરવા છતાં વસ્ત્ર પર લાગેલા તેલના ડાઘ પાણીથી જતા નથી. તે જ પ્રમાણે, સત્ય, અહિંસા તેમજ અન્ય સદ્દગુણો ભગવાનની ભક્તિમાં લીન થયા વિના પ્રાપ્ત થતા નથી.” જયારે મન શુદ્ધ થઈ જાય છે ત્યારે આ સદ્દગુણો પ્રગટ થાય છે; અને પરમ-શુદ્ધ ભગવાનમાં મનને અનુરક્ત કર્યા વિના મનનું શુદ્ધિકરણ થતું નથી.

આગળ, શ્રીકૃષ્ણ અર્જુનને નિર્ભય થઈને ઘોષણા કરવાનું કહે છે કે, તેમના ભક્તોનો કદાપિ વિનાશ થતો નથી. તેઓ એમ નથી કહેતા કે, “જ્ઞાનીનો વિનાશ નહીં થાય.” તેઓ એમ પણ કહેતા નથી કે, “કર્મી (કર્મકાંડોનું પાલન કરનાર)નો વિનાશ નહીં થાય.” તેઓ પોતાના ભક્તોને વચન આપે છે કે, “તેઓ કદાપિ વિનાશ પામશે નહીં.” આ દ્વારા તેઓ શ્લોક ૯.૨૨ની પુનરુક્તિ કરે છે કે, જે લોકો તેમની અનન્ય ભક્તિમાં લીન રહે છે, તેમનું નિર્વહન કરવાનું ઉત્તરદાયિત્વ તેઓ સ્વયં નિભાવે છે.

શ્રીકૃષ્ણ સ્વયં આ ઘોષણા કરવાને બદલે અર્જુનને આ ઘોષણા કરવાનું શા માટે કહે છે, તે બાબત કુતૂહલ પેદા કરે છે. તેનું કારણ એ છે કે, ક્યારેક વિશેષ સંજોગોમાં ભગવાન પોતાના વચનનો ભંગ  કરે છે, પરંતુ તેઓ કદાપિ તેમના ભકતોના વચનનો ભંગ થવા દેતા નથી. ઉદાહરણ તરીકે, શ્રીકૃષ્ણે પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ મહાભારતનાં યુદ્ધ દરમિયાન શસ્ત્ર ઉપાડશે નહીં. પરંતુ જયારે પરમ ભક્ત ગણાતા ભીષ્મે સંકલ્પ કર્યો કે બીજા દિવસનાં સૂર્યાસ્ત પૂર્વે તેઓ કાં તો અર્જુનનો સંહાર કરી દેશે અથવા તો તેનું રક્ષણ કરવા ભગવાનને શસ્ત્ર ઉપાડવા વિવશ કરી દેશે, ત્યારે શ્રીકૃષ્ણે ભીષ્મની પ્રતિજ્ઞાનું રક્ષણ કરવા સ્વયંની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો. આ પ્રમાણે, પોતાના કથનની શક્તિની પુન:પુષ્ટિ માટે શ્રીકૃષ્ણ અહીં કહે છે, “અર્જુન, તું ઘોષણા કર કે મારા ભક્તનો કદાપિ વિનાશ થતો નથી, કારણ કે હું ખાતરી આપું છું કે તારા વચનને હું નિભાવીશ.”