Bhagavad Gita: Chapter 9, Verse 4

મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના ।
મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહં તેષ્વવસ્થિતઃ ॥ ૪॥

મયા—મારા દ્વારા; તતમ્—વ્યાપ્ત છે; ઈદમ્—આ; સર્વમ્—સર્વ; જગત્—બ્રહ્માંડીય પ્રાગટ્ય; અવ્યક્ત-મૂર્તિના—અવ્યક્ત રૂપ; મત્- સ્થાનિ—મારામાં; સર્વ-ભૂતાનિ—સર્વ જીવો; ન—નહીં; ચ—અને; અહમ્—હું; તેષુ—તેમનામાં; અવસ્થિત:—સ્થિત.

Translation

BG 9.4: આ સમગ્ર બ્રહ્માંડ મારા દ્વારા મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં નિવાસ કરે છે, પરંતુ હું તેમનામાં નિવાસ કરતો નથી.

Commentary

વૈદિક તત્ત્વજ્ઞાન એ ધારણાનો સ્વીકાર કરતું નથી કે ભગવાન આ વિશ્વનું સર્જન કરીને પશ્ચાત્ સાતમા સ્વર્ગલોકમાંથી તેઓ નિહારે છે કે તેમની સૃષ્ટિનું સંચાલન યોગ્ય રીતે થાય છે. ભગવાન આ વિશ્વમાં સર્વ-વ્યાપક છે, તે વિષયને તેઓ  વારંવાર પ્રતિપાદિત કરે છે.

           એકો દેવઃ સર્વભૂતેષુ ગૂઢઃ સર્વવ્યાપી (શ્વેતાશ્વતર ઉપનિષદ્ ૬.૧૧)

“ભગવાન એક જ છે, તેઓ સર્વ પ્રાણીઓના હૃદયમાં સ્થિત છે; તેઓ વિશ્વમાં સર્વત્ર પણ છે.”

            ઈશા વાસ્યમિદમ્ સર્વં યત્ કિઞ્ચ જગત્યાં જગત્ (ઈશોપનિષદ્દ ૧)

“ભગવાન વિશ્વમાં સર્વત્ર છે.”

           પુરુષ એવેદં સર્વં યદ્ ભૂતં યચ્ચ ભવ્યમ્ (પુરુષ સૂક્તમ્)

“ભગવાન એ સર્વમાં વ્યાપ્ત છે, જેનું અસ્તિત્વ છે અને જે ભવિષ્યમાં અસ્તિત્વમાં આવશે.”

ભગવાન સર્વત્ર છે, એ વિભાવનાને આત્મલક્ષી રીતે સમજાવી શકાય. કેટલાક પૂર્વીય દાર્શનિકો એવો દાવો કરે છે કે આ વિશ્વ એ ભગવાનનું પરિણામ (રૂપાંતરણ) છે. ઉદાહરણ તરીકે, દૂધ એ ભેળસેળ રહિત પદાર્થ છે. તે અમ્લ (એસીડ)ના સંપર્કમાં આવતાં દહીંમાં રૂપાંતરિત થાય છે. આમ, દહીં એ દૂધનું પરિણામ (પ્રભાવ કે બનાવટ) છે. એ જ પ્રમાણે, પરિણામવાદ સિદ્ધાંતના પ્રણેતાઓ કહે છે કે ભગવાન વિશ્વમાં રૂપાંતરિત થઈ ગયા.

અન્ય દાર્શનિકો દાવો કરે છે કે આ વિશ્વ વિવર્ત (એક પદાર્થને અન્ય માની લેવાની ભૂલ) છે. ઉદાહરણ તરીકે, અંધારામાં દોરડાને સાપ માનવાની ભૂલ થાય છે. ચાંદનીમાં છીપને ચાંદી માની લેવાની ભૂલ થાય છે. તે જ પ્રમાણે, તેઓ કહે છે કે, એકમાત્ર ભગવાન જ છે અને સંસાર નથી; આપણે જેને સંસારના રૂપમાં જોઈએ છીએ તે વાસ્તવમાં બ્રહ્મ છે.

પરંતુ, શ્લોક સં. ૭.૪ અને ૭.૫ અનુસાર, સંસાર એ ન તો પરિણામ છે કે ન તો વિવર્ત. તેનું સર્જન ભગવાનની માયિક શક્તિ દ્વારા કરવામાં આવ્યું છે, જેને માયા શક્તિ કહે છે. આત્મા પણ ભગવાનની શક્તિ છે પરંતુ તે તેમની અધિક શ્રેષ્ઠ શક્તિ છે, જેને જીવાત્મા કહે છે. તેથી, સંસાર અને તેમના સર્વ આત્માઓ ભગવાનની શક્તિ છે અને તેમના વ્યક્તિતત્વમાં નિહિત છે. પરંતુ શ્રીકૃષ્ણ એમ પણ કહે છે કે, તેઓ આ જીવોમાં નિવાસ કરતા નથી કારણ કે અનંતને સીમિતમાં સમાવિષ્ટ કરી શકાય નહીં. આનું કારણ એ છે કે તેઓ આ બંને શક્તિઓના કુલ સરવાળા કરતાં અનેકગણા વિશેષ છે. જે પ્રમાણે, સમુદ્ર અનેક તરંગો ઉત્પન્ન કરે છે અને આ તરંગો સમુદ્રનો જ એક અંશ છે, પરંતુ સમુદ્ર આ સર્વ તરંગોના કુલ સરવાળા કરતા અનેકગણો વિશાળ છે. તે જ રીતે, જીવાત્માઓ અને માયા આ બંને ભગવાનના સ્વરૂપની અંતર્ગત અસ્તિત્ત્વ ધરાવે છે છતાં ભગવાન તેમનાથી પર છે.