અધ્યાય ૧૦: વિભૂતિ યોગ

ભગવાનના અનંત ઐશ્વર્યોની પ્રશસ્તિ દ્વારા યોગ

આ અધ્યાયમાં શ્રીકૃષ્ણે સ્વયંના ભવ્ય તેમજ તેજસ્વી મહિમાનું વર્ણન કર્યું છે કે જેથી તેના ચિંતન દ્વારા અર્જુનને ભગવાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય થાય. અધ્યાય નવમાં શ્રીકૃષ્ણે ભક્તિનું વિજ્ઞાન અર્થાત્ પ્રેમા-ભક્તિની વ્યાખ્યા કરી અને તેમનાં કેટલાક ઐશ્વર્યનું વર્ણન કર્યું. અહીં, અર્જુનની ભક્તિમાં વૃદ્ધિ કરવાના પ્રયોજનથી તેઓ તેમનાં અનંત મહિમાનું અધિક વર્ણન કરે છે. આ શ્લોકોનું પઠન આનંદદાયક છે તેમજ તેનું શ્રવણ મનમોહક છે.

શ્રીકૃષ્ણ જણાવે છે કે તેઓ અસ્તિત્વમાંની પ્રત્યેક વસ્તુના સ્રોત છે. માનવોમાં રહેલી ગુણોની વિવિધતા તેમનામાંથી પ્રગટ થાય છે. સપ્ત ઋષિઓ, ચાર મહાન સંત તેમજ ચૌદ મનુઓનો જન્મ તેમના મનમાંથી થયો હતો અને પશ્ચાત્ તેમનામાંથી સર્વ પ્રાણીઓનું સંસારમાં અવતરણ થયું. જેઓ જાણે છે કે સર્વનું ઉદ્દગમસ્થાન ભગવાન છે, તેઓ અગાધ શ્રદ્ધા સાથે તેમની ભક્તિમાં લીન રહે છે. આવા ભક્તો તેમની મહિમાની ચર્ચા કરીને તથા અન્યને તે અંગે પ્રબુદ્ધ કરીને પરમ સંતોષ પ્રાપ્ત કરે છે. આવા ભક્તોનું મન ભગવાન સાથે એક થઇ ગયું હોવાથી તેઓ તેમના હૃદયમાં નિવાસ કરીને તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે, જેના દ્વારા તેઓ સરળતાથી તેમને પ્રાપ્ત કરી શકે.

તેમને સાંભળીને અર્જુન કહે છે કે શ્રીકૃષ્ણના સાર્વભૌમ સ્થાન અંગે તેને પૂર્ણત: બોધ થઇ ગયો છે તથા તે તેમને પરમ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ ઘોષિત કરે છે. તે ભગવાનને તેમના દિવ્ય મહિમા અંગે અધિક વર્ણન કરવાની વિનંતી કરે છે કે જે શ્રવણ માટે અમૃત સમાન છે. શ્રીકૃષ્ણ જણાવે છે કે તેઓ પ્રત્યેક પદાર્થના આદિ, મધ્ય તેમજ અંત હોવાથી અસ્તિત્વમાંના પ્રત્યેક પદાર્થ તેમની શક્તિની અભિવ્યક્તિ છે. તેઓ સૌંદર્ય, તેજ, શક્તિ, જ્ઞાન તથા ઐશ્વર્યનો અનંત ભંડાર છે. જયારે પણ આપણે અસાધારણ વૈભવનું દર્શન કરીએ છીએ જે આપણને  આનંદોન્માદમાં નિમગ્ન કરી દે છે અને હર્ષથી પરિપ્લુત કરી દે છે ત્યારે આપણે જાણવું જોઈએ કે તે ભગવાનના ઐશ્વર્યનું તેજ છે. તેઓ પાવર હાઉસ છે કે જ્યાંથી સર્વ પદાર્થો તથા પ્રાણીઓ તેમની ભવ્યતા પ્રાપ્ત કરે છે. અધ્યાયના શેષ ભાગમાં તેઓ એ વિષયો, વિભૂતિઓ તેમજ પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે; જે તેમના ઐશ્વર્યનું ઉત્તમ દર્શન કરાવે છે. અંતમાં તેઓ અધ્યાયનું સમાપન કરતાં કહે છે કે તેમણે જે કંઈ વર્ણન કર્યું છે, તેને આધારે તેમની મહિમાનું માપ આંકી શકાતું નથી કારણ કે તેઓ તેમના આંશિક સ્વરૂપથી અનંત બ્રહ્માંડોને ધારણ કરે છે.  તેથી, આપણે ભગવાનને આપણી ભક્તિનો વિષય બનાવવો જોઈએ કે જેઓ સમગ્ર ગૌરવનાં સ્રોત છે.

શ્રી ભગવાન બોલ્યા: હે મહાબાહુ, મારો દિવ્ય ઉપદેશ પુન: સાંભળ. તું મારો મિત્ર હોવાથી તારા કલ્યાણાર્થે હું તેને પ્રગટ કરીશ.

ન તો સ્વર્ગીય દેવતાઓ કે ન તો મહાન ઋષિઓ મારું મૂળ જાણે છે. હું એ આદિ સ્રોત છું, જેમાંથી દેવો તથા મહાન ઋષિઓ ઉત્પન્ન થાય છે.

જે લોકો મને અજન્મા તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડનાં પરમ સ્વામી તરીકે જાણે છે, મરણશીલ મનુષ્યોમાં તેઓ ભ્રમથી રહિત છે તથા સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે.

મનુષ્યોમાં બુદ્ધિ, જ્ઞાન, વૈચારિક સ્પષ્ટતા, ક્ષમા, સત્યતા, ઇન્દ્રિયો તથા મન પર સંયમ, સુખ તથા દુઃખ, જન્મ તથા મૃત્યુ, ભય તથા નિર્ભયતા, અહિંસા, સમતા, તુષ્ટિ, તપશ્ચર્યા, દાન, યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારનાં ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે.

સપ્ત મહર્ષિગણ, તેમની પૂર્વે થયેલ ચાર મહાન સંતો તથા ચૌદ મનુઓ, આ સર્વ મારા મનથી જન્મ પામ્યા છે. આ વિશ્વના સર્વ મનુષ્યો તેમનામાંથી અવતરિત થયાં છે.

જે વાસ્તવમાં મારા મહિમા તથા દિવ્ય શક્તિઓને જાણે છે, તેઓ અવિચળ ભક્તિ દ્વારા મારી સાથે એકીકૃત થઈ જાય છે. એમાં કોઈ સંશય નથી.

હું સર્વ સૃષ્ટિનો સ્રોત છું. સર્વ તત્ત્વો મારામાંથી ઉદ્ભવે છે. જે વિદ્વાનો આ જાણે છે તેઓ પરમ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક પૂર્ણપણે મારી આરાધના કરે છે.

તેમનું મન મારામાં સ્થિર કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને, મારા ભક્તો સદૈવ મારામાં તૃપ્ત રહે છે. તેઓ પરસ્પર મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રબુદ્ધ કરીને તથા મારા મહિમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તુષ્ટિ પ્રાપ્ત કરે છે.

જેમનું મન પ્રીતિપૂર્વક સદૈવ મારી સાથે જોડાયેલું રહે છે, હું તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું. જેના દ્વારા તેઓ મને પ્રાપ્ત કરી શકે છે.

તેમના પર અનુકંપા કરીને, તેમનાં અંત:કરણમાં નિવાસ કરનારો હું અજ્ઞાનથી જન્મેલ અંધકારને જ્ઞાનનાં તેજસ્વી દીપકથી નષ્ટ કરું છું.

અર્જુને કહ્યું: આપ પરમ દિવ્ય વિભૂતિ, પરમ ધામ, પરમ પવિત્ર, શાશ્વત ભગવાન, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો.

હે કૃષ્ણ! આપે જે કહ્યું તે સર્વનો સત્ય તરીકે હું પૂર્ણત: સ્વીકાર કરું છે. હે ભગવન્! ન તો દેવો કે ન તો દાનવો આપના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે છે.

હે પુરુષોત્તમ, સર્વ જીવોના સર્જક તથા સ્વામી, દેવોના ભગવાન તથા બ્રહ્માંડના સ્વામી, વાસ્તવમાં, કેવળ આપ જ આપની અંતરંગ શક્તિ દ્વારા સ્વયંને જાણો છો.

જેના દ્વારા આપ સર્વ લોકોમાં વ્યાપ્ત રહો છો તથા નિવાસ કરો છો, આપના એ દિવ્ય ઐશ્વર્યો અંગે કૃપા કરીને વિસ્તૃતતાથી વર્ણન કરીને મને કહો. હે યોગના પરમ આચાર્ય, હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું? તથા હે પરમ દિવ્ય વિભૂતિ, ધ્યાનાવસ્થામાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું?

આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રાગટય અંગે મને પુન: વિસ્તારપૂર્વક કહો. હે જનાર્દન, આપના અમૃતનું શ્રવણ કરતાં મને કદાપિ તૃપ્તિ થતી નથી.

આનંદસ્વરૂપ ભગવાન બોલ્યા: હે કુરુઓમાં શ્રેષ્ઠ, મારાં દિવ્ય ઐશ્વર્યોનું હું હવે સંક્ષિપ્તમાં વર્ણન કરીશ. કારણ કે તેની વ્યાપકતાની કોઈ સીમા નથી.

હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત છું. હું સર્વ જીવોનો આદિ, મધ્ય તથા અંત છું.

અદિતિના બાર પુત્રોમાંથી હું વિષ્ણુ છું; જ્યોતિઓમાં હું સૂર્ય છું. મરુતોમાં હું મરીચિ છું અને રાત્રિના અવકાશમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું.

વેદોમાં હું સામવેદ છું અને સ્વર્ગીય દેવોમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં હું મન છું; જીવંત પ્રાણીઓમાં હું ચેતના છું.

સર્વ રુદ્રોમાં મને શંકર જાણ; યક્ષોમાં હું કુબેર છું. સર્વ વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરુ છું.

હે અર્જુન, સર્વ પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું; સેનાપતિઓના પ્રમુખમાં હું કાર્તિકેય છું; તથા જળાશયોમાં મને સમુદ્ર જાણ.

મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ધ્વનિમાં હું દિવ્ય એકાક્ષરી ઓમ (ૐ) છું. યજ્ઞોમાં મને જપ-યજ્ઞ (પવિત્ર નામોનું કીર્તન) જાણ તથા સર્વ અચળ પદાર્થોમાં હું હિમાલય છું.

વૃક્ષોમાં હું વડનું વૃક્ષ છું; દેવર્ષિઓમાં હું નારદ છું. ગંધર્વોમાં હું ચિત્રરથ છું તથા સિદ્ધોમાં હું કપિલ મુનિ છું.

અશ્વોમાં મને ઉચ્ચૈ:શ્રવા જાણ, જે અમૃત માટે થયેલાં સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું નૃપ છું.

હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં કામધેનુ છું. પ્રજોત્પત્તિનાં કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું; સર્પોમાં વાસુકિ છું.

સર્વ નાગોમાં હું અનંત છું; સર્વ જળચરોમાં હું વરુણ છું. સર્વ દિવંગત પૂર્વજોમાં હું અર્યમા છું; સર્વ કાયદાના નિયામકોમાં હું મૃત્યુનો દેવ, યમરાજ છું.

દૈત્યોમાં હું પ્રહલાદ છું; સર્વ નિયંત્રકોમાં હું સમય છું. પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં ગરુડ જાણ.

પવિત્ર કરનારામાં હું વાયુ છું તથા શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું. જળચરોમાં હું મગર છું અને વહેતી નદીઓમાં હું ગંગા છું.

હે અર્જુન, મને સર્વ સર્જનોનો આદિ, મધ્ય તથા અંત જાણ. વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું તથા તર્કોમાં હું તાર્કિક નિષ્કર્ષ છું.

હું સર્વ અક્ષરોમાં પ્રથમ અક્ષર ‘અ’ છું; હું સમાસોમાં દ્વન્દ્વ શબ્દ છું. હું અક્ષયકાળ છું તથા સ્રષ્ટાઓમાં બ્રહ્મા છું.

હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારું મૂળ હું છું. સ્ત્રૈણ ગુણોમાં હું કીર્તિ, સમૃદ્ધિ, વાણી, સ્મૃતિ, મેધા, સાહસ અને ક્ષમા છું.

સામવેદનાં સ્તોત્રોમાં મને બૃહત્સામ જાણ; સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું. હિંદુ પંચાંગનાં બાર મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું તથા ઋતુઓમાં હું પુષ્પોને ખીલવતી વસંત છું.

કપટીઓના દ્યુતમાં તથા તેજસ્વીઓમાં તેજ હું છું. વિજયીઓમાં હું વિજય છું, સંકલ્પમાં દૃઢતા છું તથા ગુણવાનોમાં ગુણ છું.

વૃષ્ણીઓના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું. મુનિઓમાં મને વેદ વ્યાસ તથા મહાન વિચારકોમાં શુક્રાચાર્ય જાણ.

અરાજકતાને અટકાવવા માટેનાં માધ્યમોમાં હું દંડ છું અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે, તેઓમાં નીતિ છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીજનોમાં હું તેમનું જ્ઞાન છું.

હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનું જનક બીજ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે.

હે પરંતપ, મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી. મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે, તે મારા અનંત ઐશ્વર્યોની એક ઝાંખી છે.

તું જે કંઈ સૌંદર્ય, ઐશ્વર્ય અથવા તેજસ જોવે, તેને મારા તેજના અંશમાંથી ઉત્પન્ન એક તણખો જાણ.

હે અર્જુન, આ સર્વ વિસ્તૃત જ્ઞાનની શું આવશ્યકતા છે? કેવળ એટલું જ જાણ કે હું મારા એક અંશમાત્રથી આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહું છું અને તેને ધારણ કરું છું.