Bhagavad Gita: Chapter 10, Verse 16-17

વક્તુમર્હસ્યશેષેણ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
યાભિર્વિભૂતિભિર્લોકાનિમાંસ્ત્વં વ્યાપ્ય તિષ્ઠસિ ॥૧૬॥
કથં વિદ્યામહં યોગિંસ્ત્વાં સદા પરિચિન્તયન્ ।
કેષુ કેષુ ચ ભાવેષુ ચિન્ત્યોઽસિ ભગવન્મયા ॥૧૭॥

વક્તુમ્—વર્ણન કરવું; અર્હસિ—કૃપા કરો; અશેષેણ—પૂર્ણપણે; દિવ્ય:—દિવ્ય; હિ—નક્કી; આત્મ—તમારી પોતાની; વિભૂતય:—ઐશ્વર્યો; યાભિ:—જેના દ્વારા; વિભૂતિભિ:—ઐશ્વર્યો; લોકાન્—સર્વ લોકને; ઈમાન્—આ; ત્વમ્—આપ; વ્યાપ્ય—વ્યાપ્ત; તિષ્ઠસિ—નિવાસ; કથમ્—કેવી રીતે; વિદ્યામ્ અહમ્—હું જાણી શકું; યોગિન્—હે યોગમાયાના પરમ સ્વામી; ત્વામ્—આપ; સદા—સદા; પરિચિન્ત્યમ્—ધ્યાન કરતા; કેષુ—શામાં; ચ—તથા; ભાવેષુ—રૂપો; ચિંત્ય: અસિ—સ્મરણ કરવા; ભગવન્—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન; મયા—મારા વડે.

Translation

BG 10.16-17: જેના દ્વારા આપ સર્વ લોકોમાં વ્યાપ્ત રહો છો તથા નિવાસ કરો છો, આપના એ દિવ્ય ઐશ્વર્યો અંગે કૃપા કરીને વિસ્તૃતતાથી વર્ણન કરીને મને કહો. હે યોગના પરમ આચાર્ય, હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું? તથા હે પરમ દિવ્ય વિભૂતિ, ધ્યાનાવસ્થામાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું?

Commentary

અહીં, યોગ અર્થાત્ યોગમાયા (ભગવાનની દિવ્ય શક્તિ) અને યોગી અર્થાત્ યોગમાયાના સ્વામી છે. અર્જુનને સમજાઈ ગયું છે કે શ્રીકૃષ્ણ ભગવાન છે. હવે તે શ્રીકૃષ્ણના હજી સુધી અકથિત ઐશ્વર્યો અંગે જાણવાની ઈચ્છા ધરાવે છે જે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તે શ્રીકૃષ્ણની સમગ્ર સર્જનના નિયંતા તરીકેની ભવ્યતા તથા સાર્વભૌમત્વ અંગે શ્રવણ કરવા ઇચ્છે છે. તેથી તે વિનંતીપૂર્વક પ્રાર્થના કરે છે, “હું આપના દિવ્ય પ્રાગટ્ય અંગે જાણવા ઈચ્છું છું કે જેથી હું અડગ ભક્તિથી સંપન્ન થાઉં. પરંતુ આપની કૃપા વિના આપની વિભૂતિના પ્રાગટય અંગે જાણવું અશક્ય છે. તેથી કૃપા કરીને દયાપૂર્વક આપના અનેક મહિમાઓને અભિવ્યક્ત કરો કે જે દ્વારા હું આપને જાણી શકું.