Bhagavad Gita: Chapter 10, Verse 25

મહર્ષીણાં ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરમ્ ।
યજ્ઞાનાં જપયજ્ઞોઽસ્મિ સ્થાવરાણાં હિમાલયઃ ॥૨૫॥

મહર્ષિણામ્—મહર્ષિઓમાં; ભૃગુ:—ભૃગુ; અહમ્—હું; ગિરામ્—વાણીમાં; અસ્મિ—હું છું; એકમ્ અક્ષરમ્—પ્રણવ, એકાક્ષર ઓમ; યજ્ઞનામ્—યજ્ઞોમાં; જપ-યજ્ઞ:—ભગવાનનાં દિવ્ય નામોનાં જપ અને સંકીર્તનનો યજ્ઞ; અસ્મિ—હું છું; સ્થાવરાણામ્—સ્થાવર પદાર્થોમાં; હિમાલય:—હિમાલય.

Translation

BG 10.25: મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ધ્વનિમાં હું દિવ્ય એકાક્ષરી ઓમ (ૐ) છું. યજ્ઞોમાં મને જપ-યજ્ઞ (પવિત્ર નામોનું કીર્તન) જાણ તથા સર્વ અચળ પદાર્થોમાં હું હિમાલય છું.

Commentary

એક જ ભૂમિ પર ઊગેલાં ફળો તથા ફૂલોમાંથી પ્રદર્શન માટે કેવળ સર્વશ્રેષ્ઠની જ પસંદગી થાય છે. એ જ પ્રમાણે, બ્રહ્માંડમાં પ્રગટ અને અપ્રગટ સર્વ પદાર્થો અને પ્રાણીઓ ભગવાનનું જ ઐશ્વર્ય છે, પરંતુ ભગવાનના ઐશ્વર્યનો ઉલ્લેખ કરવા માટે તેમાંથી વિશિષ્ટનું ચયન કરવામાં આવે છે.

અસ્તિત્વનાં દૈવીય ગ્રહોનાં સંતોમાં ભૃગુ વિશેષ છે. તેઓ જ્ઞાન, મહિમા તથા ભક્તિથી સંપન્ન છે. પુરાણોમાં વર્ણિત દિવ્ય લીલા કે જેમાં ભૃગુ ઋષિએ ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ તથા શિવની કસોટી કરી હતી, તે દિવ્ય લીલાના પરિણામસ્વરૂપે ભગવાન વિષ્ણુ તેમના વક્ષ:સ્થળ પર તેમના ચરણોનાં નિશાન ધરાવે છે. શ્રીકૃષ્ણનું ઐશ્વર્ય તેમનાં દ્વારા ઉત્તમ રીતે અભિવ્યક્ત થાય છે.

ભગવાનના નિરાકાર સ્વરૂપના સાધકો ‘ઓમ’ નું ધ્યાન ધરે છે, જે ભગવાનની અન્ય વિભૂતિ છે. પૂર્વે શ્રીકૃષ્ણે શ્લોક સં. ૭.૮ તથા ૮.૧૩માં સ્પષ્ટ કર્યું છે કે એકાક્ષરી મંત્ર ‘ઓમ’ એ પવિત્ર ધ્વનિ છે. તે અનાહત નાદ (સૃષ્ટિમાં વ્યાપ્ત ધ્વનિ આંદોલન) છે. માંગલિકતાના આહ્વાન માટે વૈદિક મંત્રોમાં અનેકવાર તેને પ્રારંભમાં પ્રસ્તુત કરવામાં આવે છે. એમ કહેવાય છે કે એકાક્ષરી મંત્ર ‘ઓમ’માંથી ગાયત્રી મંત્રનું પ્રાગટય થયું અને ગાયત્રી મંત્રોમાંથી વેદો પ્રગટ થયા.

હિમાલય એ ઉત્તર ભારતમાં ફેલાયેલી પર્વતમાળા છે. અનેક યુગોથી આ પર્વતમાળાઓમાંથી હજારો ભક્તોને આધ્યાત્મિક વિસ્મયતાઓ તથા આશ્ચર્યયુક્ત પ્રેરણા પ્રાપ્ત થઈ છે. તેમનું વાતાવરણ, પર્યાવરણ તથા એકાંત, આધ્યાત્મિક ઉન્નતિ માટે આવશ્યક તપશ્ચર્યાનું પાલન કરવા માટે સહાયક છે. આથી, અનેક સાધુઓ તેમનાં પોતાના ઉત્કર્ષ માટે તથા માનવજાતિનાં કલ્યાણ માટે ત્યાં સૂક્ષ્મ દેહમાં વૈરાગ્યની સાધના કરતા નિવાસ કરે છે. તેથી વિશ્વના પર્વતોના સમુદાયમાં હિમાલય ભગવાનનું ઐશ્વર્ય શ્રેષ્ઠ રીતે પ્રગટ કરે છે.

યજ્ઞ એ સ્વયંને ભગવાનને સમર્પિત કરવાની ક્રિયા છે. સર્વ યજ્ઞોમાં ભગવાનના પવિત્ર નામનો જપ એ અતિ સરળ યજ્ઞ છે. તેને જપ-યજ્ઞ કહે છે અથવા તો ભગવાનનાં પવિત્ર નામોનું કીર્તન કહે છે. કર્મકાંડી-યજ્ઞોની સાધનામાં અનેક નિયમો લાગુ પડે છે જેમનું સાવધાનીપૂર્વક પાલન કરવું આવશ્યક છે. પરંતુ, જપ-યજ્ઞમાં કોઈ નિયમ નથી. તે કોઈ પણ સ્થાને અને કોઈ પણ સમયે કરી શકાય છે તથા યજ્ઞોના અન્ય સર્વ પ્રકારોની તુલનામાં તે અધિક શુદ્ધિકારક છે. વર્તમાનના કળિયુગમાં ભગવાનના નામજપ પર અધિક ભાર મૂકવામાં આવ્યો છે.

           કલિજુગ કેવલ નામ આધારા, સુમિરિ સુમિરિ નર ઉતરહિં પારા.

“કળિયુગમાં માયારૂપી સાગર પાર કરવા માટે ભગવાનનાં નામનું કીર્તન અને સ્મરણ એ સર્વાધિક શક્તિશાળી સાધન છે.”