Bhagavad Gita: Chapter 10, Verse 29

અનન્તશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહમ્ ।
પિતૄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ્ ॥૨૯॥

અનંત:—અનંત; ચ—અને; અસ્મિ—હું છું; નાગાનામ્—નાગોમાં; વરુણ:—વરુણ, જળના સ્વર્ગીય દેવ; યાદસામ્—સર્વ જળચરોમાં; અહમ્—હું; પિતૃણામ્—પિતૃઓમાં; અર્યમા—અર્યમા; ચ—અને; અસ્મિ—હું છું; યમ:—યમ, મૃત્યુનાં સ્વર્ગીય દેવ; સંયમતામ્—સર્વ નિયામકોમાં; અહમ્—હું.

Translation

BG 10.29: સર્વ નાગોમાં હું અનંત છું; સર્વ જળચરોમાં હું વરુણ છું. સર્વ દિવંગત પૂર્વજોમાં હું અર્યમા છું; સર્વ કાયદાના નિયામકોમાં હું મૃત્યુનો દેવ, યમરાજ છું.

Commentary

અનંત એ દૈવીય નાગ છે, જેના પર શ્રી વિષ્ણુ વિશ્રામ કરે છે. તે દસ હજાર ફેણો ધરાવે છે. એવું કહેવાય છે કે સૃષ્ટિના આરંભકાળથી તે નિરંતર તેની પ્રત્યેક ફેણ દ્વારા ભગવાનનાં મહિમાનું વર્ણન કરી રહ્યો છે, પરંતુ તે વર્ણન હજી સુધી પૂર્ણ થઈ શક્યું નથી.

વરુણ એ જળાશયના દેવતા છે. અર્યમા એ અદિતિના તૃતીય પુત્ર છે. તેમને દિવંગત પૂર્વજોના પ્રમુખ તરીકે પૂજવામાં આવે છે. યમરાજ એ મૃત્યુના દેવતા છે. તેઓ મૃત્યુ પશ્ચાત્ આત્માને નશ્વર હાડપિંજરમાંથી લઈ જવાની સેવા કરે છે. તેઓ ભગવાન વતી  જીવાત્માનાં આ જન્મનાં કર્મોનાં ન્યાયનું નિયમન કરીને તદઅનુસાર આવનારા જન્મમાં દંડ કે પુરસ્કાર આપે છે. તેમનું ઉત્તરદાયિત્વ ચાહે કેટલું પણ ધિક્કારજનક કે પીડાદાયક કેમ ન હોય પરંતુ તેઓ તેમાંથી ક્યારેય એક રતિભાર પણ વિચલિત થતા નથી. તેઓ નિષ્પક્ષ ન્યાયકર્તા તરીકે ભગવાનના મહિમાને પ્રતિબિંબિત કરે છે.