Bhagavad Gita: Chapter 10, Verse 32

સર્ગાણામાદિરન્તશ્ચ મધ્યં ચૈવાહમર્જુન ।
અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં વાદઃ પ્રવદતામહમ્ ॥૩૨॥

સર્ગાણામ્—સર્વ સર્જનોમાં; આદિ:—પ્રારંભ; અંત:—અંત; ચ—અને; મધ્યમ્—મધ્ય; ચ—અને; એવ—વાસ્તવમાં; અહમ્—હું; અર્જુન—અર્જુન; અધ્યાત્મ-વિદ્યા—અધ્યાત્મ વિજ્ઞાન; વિદ્યાનામ્—વિદ્યાઓમાં; વાદ:—તાર્કિક નિષ્કર્ષ; પ્રવદતામ્—તર્કોમાં; અહમ્—હું.

Translation

BG 10.32: હે અર્જુન, મને સર્વ સર્જનોનો આદિ, મધ્ય તથા અંત જાણ. વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું તથા તર્કોમાં હું તાર્કિક નિષ્કર્ષ છું.

Commentary

આ પૂર્વે બારમા શ્લોકમાં શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે તેઓ સર્વ જીવંત પ્રાણીઓનાં આદિ, મધ્ય તથા અંત છે. હવે, એવું સમાન વિધાન તેઓ સર્વ સર્જન માટે કરે છે. “જેનું સર્જન થયું છે, જેમ કે અવકાશ, વાયુ, જળ તથા પૃથ્વી વગેરેને સર્ગ કહે છે. હું સર્જક (આદિ), પાલક (મધ્ય) તથા સંહારક (અંત) છું. તેથી, સર્જન, પાલન તથા પ્રલયની ક્રિયાઓનું ધ્યાન મારી વિભૂતિના સ્વરૂપે કરી શકાય છે.

વિદ્યા એ શિક્ષણ છે, જે મનુષ્યને જ્ઞાનના વિષયનાં સંદર્ભમાં પ્રાપ્ત થાય છે. શાસ્ત્રો અઢાર પ્રકારની વિદ્યાઓનું વર્ણન કરે છે. તેમાંની ૧૪ પ્રમુખ છે:

            અઙ્ગાનિ વેદાશ્ચત્વારો મીમાંસા ન્યાય વિસ્તરઃ

            પુરાણં ધર્મશાસ્ત્રં ચ વિદ્યા હ્યેતાશ્ચતુર્દશ

           આયુર્વેદો ધનુર્વેદો ગાન્ધર્વશ્ચૈવ તે ત્રયઃ

          અર્થશાસ્ત્રં ચતુર્થં તુ વિદ્યા હ્યષ્ટાદશૈવ તાઃ (વિષ્ણુ પુરાણ ૩.૬ ૨૭-૨૮)

“શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્તિ, જ્યોતિષ, છંદ—આ છ પ્રકારનું જ્ઞાન વેદાંગ (વેદોનાં અંગ) તરીકે ઓળખાય છે. ઋગ, યજુર, સામ, અથર્વ—આ વૈદિક જ્ઞાનની ચાર શાખાઓ છે. મિમાંસા, ન્યાય, ધર્મ શાસ્ત્ર તથા પુરાણોમાં ચૌદ પ્રકારની વિદ્યાઓ સંમિલિત છે.” આ વિદ્યાઓનો અભ્યાસ બુદ્ધિનું સંવર્ધન કરે છે, જ્ઞાનને ગહન કરે છે તથા ધર્મના માર્ગની જાગૃતિમાં વૃદ્ધિ કરે છે. તદુપરાંત, અધ્યાત્મ વિજ્ઞાન મનુષ્યને માયિક બંધનોથી મુક્ત કરે છે તથા અમરત્વ પ્રદાન કરે છે. આમ, તે અગાઉ વર્ણવેલી વિદ્યાઓ કરતાં શ્રેષ્ઠ છે. આનો ઉલ્લેખ શ્રીમદ્દ ભાગવતમ્ માં પણ છે. સા વિદ્યા તન્મતિર્યયા ( શ્લોક ૪.૨૯.૪૯) અર્થાત્ “સર્વોત્તમ જ્ઞાન એ છે, જેનાથી બુદ્ધિ ભગવાનનાં ચરણ કમળમાં અનુરક્ત થાય .”

દલીલ અને તર્કના ક્ષેત્રમાં, જલપ અર્થાત્ પોતાનો અંગત અભિપ્રાય સ્થાપિત કરવા માટે પ્રતિદ્વંદ્વીનાં વિધાનમાં ક્ષતિ શોધવી. વિતંદાનો અર્થ છે, ઉડાઉ અને ક્ષુલ્લક તર્કો દ્વારા સત્ય અંગેનો ઉચિત વિચાર-વિમર્શ ટાળવો. વાદ એ વિમર્શનો તાર્કિક નિષ્કર્ષ છે. તર્ક એ વિચારોનાં આદાન-પ્રદાન તથા સત્યની સ્થાપનાનો આધાર છે. તર્કની સાર્વત્રિક સમજનાં કારણે માનવ સમાજમાં જ્ઞાનનું સરળતાથી સંવર્ધન થઈ શકે છે, તેનું શિક્ષણ આપી શકાય છે તથા તે શીખી શકાય છે. તર્કનો સાર્વભૌમિક સિદ્ધાંત એ ભગવાનની શક્તિનું પ્રગટીકરણ છે.