Bhagavad Gita: Chapter 10, Verse 8

અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ।
ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવસમન્વિતાઃ ॥૮॥

અહમ્—હું; સર્વસ્ય—સર્વ સર્જનનો; પ્રભવ:—નો સ્રોત; મત્ત:—મારામાંથી; સર્વમ્—સર્વ; પ્રવર્તતે—ઉદ્ભવે છે; ઈતિ—એમ; મત્વા—જાણીને; ભજન્તે—ભજે છે; મામ્—મને; બુધા:—વિદ્વાનો; ભાવ-સમન્વિતા:—અત્યંત ભાવપૂર્વક.

Translation

BG 10.8: હું સર્વ સૃષ્ટિનો સ્રોત છું. સર્વ તત્ત્વો મારામાંથી ઉદ્ભવે છે. જે વિદ્વાનો આ જાણે છે તેઓ પરમ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક પૂર્ણપણે મારી આરાધના કરે છે.

Commentary

શ્રીકૃષ્ણ આ શ્લોકનો આરંભ અહમ્ સર્વસ્ય પ્રભવો, અર્થાત્, “હું પરમ અંતિમ સત્ય છું તથા સર્વ કારણોનું કારણ છું.” એમ કહીને કરે છે. તેમણે આ અંગે ભગવદ્ ગીતામાં શ્લોક નં. ૭.૭, ૭.૧૨, ૧૦.૫, અને ૧૫.૧૫ એમ અનેક સ્થાને પુનરાવર્તન કર્યું છે. આ અંગે અન્ય શાસ્ત્રોમાં પણ ભારપૂર્વક પ્રમાણિત કરવામાં આવ્યું છે:

ઋગ્વેદ વર્ણન કરે છે:

           યં કામયે તં તં ઉગ્રં કૃષ્ણોમિ તં બ્રહ્માણં તં ઋષિં તં સુમેધ્સમ્ (૧૦.૧૨૫.૫)

“હું જેને પ્રેમ કરું છું તેને અત્યંત શક્તિશાળી બનાવું છું; હું તેમને સ્ત્રીઓ કે પુરુષો બનાવું છું; હું તેમને વિદ્વાન ઋષિ બનાવું છું; હું તે આત્માને બ્રહ્માના સ્થાન માટે સમર્થ બનાવું છું.” જે વિદ્વાન મનુષ્ય આ સત્યને સમજે છે, તેઓમાં અડગ શ્રદ્ધાનો વિકાસ થાય છે તથા ભગવાનની પ્રેમા-ભક્તિયુક્ત આરાધના કરે છે.

આમ, શ્રીકૃષ્ણ માયિક અને આધ્યાત્મિક બંને સૃષ્ટિના પરમ પુરુષોત્તમ ભગવાન છે. પરંતુ, સૃષ્ટિનું સંચાલન કરવું એ ભગવાનનું પ્રાથમિક કાર્ય નથી.

ચૈતન્ય મહાપ્રભુ કહે છે:

           સ્વયં ભગવાનેર કર્મ નહે ભારહરણ (ચૈતન્ય ચરિતામૃત, આદિ લીલા ૪.૮)

“શ્રીકૃષ્ણ સર્જન, પાલન અને વિલયના કાર્યોમાં સ્વયંને પ્રત્યક્ષ રીતે સમ્મિલિત કરતા નથી.” શ્રીકૃષ્ણનું મુખ્ય કાર્ય તેમના દિવ્ય લોક, ગોલોકમાં, મુક્ત આત્માઓ સાથે શાશ્વત પ્રેમમયી લીલાઓમાં નિમગ્ન રહેવાનું છે. માયિક સર્જનનાં પ્રયોજન હેતુ તેઓ સ્વયંનો વિસ્તાર કારણોદક્ષાયી વિષ્ણુનાં રૂપમાં કરે છે, જેમને મહાવિષ્ણુ પણ કહેવામાં આવે છે.

આ પ્રમાણે, મહાવિષ્ણુ ભગવાનનું એ સ્વરૂપ છે કે જે માયિક વિશ્વ પર શાસન કરે છે. તેમનામાં અનંત માયિક બ્રહ્માંડોનો સમાવેશ થાય છે. મહાવિષ્ણુ પ્રથમ પુરુષ (માયિક પ્રદેશમાં ભગવાનથી ઉત્પન્ન થયેલું તેમનું અભિન્ન સ્વરૂપ) તરીકે પણ ઓળખાય છે. તેઓ કારણસાગરના દિવ્ય જળમાં નિવાસ કરે છે તથા તેમનાં દેહના રોમ-રોમમાંથી અસંખ્ય માયિક બ્રહ્માંડો પ્રગટ કરે છે. પશ્ચાત્ તેઓ સ્વયંનું પ્રત્યેક બ્રહ્માંડનાં તળિયે નિવાસ કરતા ગર્ભોદક્ષાયી વિષ્ણુના રૂપમાં વિસ્તરણ કરે છે, જેમને દ્વિતીય પુરુષ (માયિક પ્રદેશમાં ભગવાનથી ઉત્પન્ન થયેલું તેમનું દ્વિતીય અભિન્ન સ્વરૂપ) કહેવામાં આવે છે.

ગર્ભોદક્ષાયી વિષ્ણુમાંથી બ્રહ્માનો જન્મ થયો. તેઓ બ્રહ્માંડમાં વિવિધ સ્થૂળ તથા સૂક્ષ્મ તત્ત્વો, પ્રકૃતિના નિયમો, આકાશગંગા તથા ગ્રહ મંડળોની પ્રણાલીઓ અને તેમાં નિવાસ કરતા જીવોનું સર્જન કરીને સર્જનની પ્રક્રિયાનું માર્ગદર્શન કરે છે. તેથી, ઘણીવાર બ્રહ્માને બ્રહ્માંડના સર્જનકર્તા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, વાસ્તવમાં તેઓ દ્વિતીય શ્રેણીનાં સર્જક છે.

ગર્ભોદક્ષાયી વિષ્ણુ સ્વયંનું ક્ષીરોદક્ષાયી વિષ્ણુ તરીકે વિસ્તરણ કરે છે અને પ્રત્યેક બ્રહ્માંડની ટોચ પર, ક્ષીર સાગર નામક સ્થાન પર રહે છે. ક્ષીરોદક્ષાયી વિષ્ણુને પણ તૃતીય પુરુષ (માયિક પ્રદેશમાં ભગવાનથી ઉત્પન્ન થયેલું તેમનું તૃતીય અભિન્ન સ્વરૂપ) તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બ્રહ્માંડની ટોચ પર નિવાસ કરે છે પરંતુ તેની સાથે સાથે તેઓ પરમાત્મા સ્વરૂપે બ્રહ્માંડના સર્વ જીવોનાં અંત:કરણમાં પણ નિવાસ કરે છે. જ્યાં તેઓ જીવોનાં કર્મોની નોંધ કરીને, તેનો હિસાબ રાખીને ઉચિત સમયે તે પ્રમાણે તેનું ફળ આપે છે. આ પ્રમાણે, તેમને બ્રહ્માંડના પાલક તરીકે ઓળખવામાં આવે છે.

અહીં દર્શાવેલા ભગવાન વિષ્ણુના આ ત્રણેય સ્વરૂપો શ્રીકૃષ્ણથી અભિન્ન છે. તેથી, શ્રીકૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે સર્વ આધ્યાત્મિક તથા માયિક સર્જન તેમનામાંથી ઉદ્ભવે છે. શ્રીકૃષ્ણને અવતારી (સર્વ અવતારોના સ્રોત) પણ કહેવામાં આવે છે. શ્રીમદ્દ ભાગવતમ્ વર્ણન કરે છે: એતે ચાંશ કલાઃ પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન્ સ્વયમ્ (૧.૩.૨૮) “ભગવાનનાં સર્વ સ્વરૂપો શ્રીકૃષ્ણ કે જેઓ ભગવાનનું આદિ સ્વરૂપ છે, તેમના વિસ્તરણના, વિસ્તરણનુંયે, વિસ્તરણ છે.” અને તેથી જ, દ્વિતીય સર્જક બ્રહ્મા શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે:

           યસ્યૈકનિશ્વસિત કાલમથાવલમ્બ્ય

           જીવન્તિ લોમવિલજા જગદણ્ડનાથાઃ

           વિષ્ણુર્મહાન્ સૈહયસ્ય કલાવિશેષો

           ગોવિન્દમાદિ પુરુષં તમહં ભજામિ (બ્રહ્મ સંહિતા ૫.૪૮)

“મહાવિષ્ણુ જયારે શ્વાસ લે છે ત્યારે તેમના શરીરમાંથી અનંત બ્રહ્માંડો—જે પ્રત્યેક શંકર, બ્રહ્મા અને વિષ્ણુ ધરાવે છે—પ્રગટ થાય છે અને પુન: જયારે તેઓ શ્વાસ છોડે છે ત્યારે તેમનામાં વિલીન થઈ જાય છે. હું એ શ્રીકૃષ્ણની ભક્તિ કરું છું, જેમાંનામાંથી મહાવિષ્ણુનું વિસ્તરણ થયું છે. હવે શ્રીકૃષ્ણ, ભક્તો તેમની ભક્તિ કેવી રીતે કરે છે, તેનું વર્ણન કરે છે.