Bhagavad Gita: Chapter 10, Verse 18

વિસ્તરેણાત્મનો યોગં વિભૂતિં ચ જનાર્દન ।
ભૂયઃ કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મેઽમૃતમ્ ॥૧૮॥

વિસ્તરેણ—વિસ્તારપૂર્વક; આત્મન:—આપની; યોગમ્—દિવ્ય મહિમા; વિભૂતિમ્—ઐશ્વર્યો; ચ—પણ; જનાર્દન—શ્રીકૃષ્ણ, જીવોનાં પાલનકર્તા; ભૂય:—પુન:; કથય—વર્ણન કરો; તૃપ્તિ:—સંતોષ; હિ—કારણ; શ્રુણ્વત:—સાંભળતાં; ન—નથી; અસ્તિ—છે; મે—મને; અમૃતમ્—અમૃત.

Translation

BG 10.18: આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રાગટય અંગે મને પુન: વિસ્તારપૂર્વક કહો. હે જનાર્દન, આપના અમૃતનું શ્રવણ કરતાં મને કદાપિ તૃપ્તિ થતી નથી.

Commentary

અર્જુન “... આપના અમૃત સમાન વચનો”, ના સ્થાને “... આપના અમૃતનું શ્રવણ કરતાં” કહે છે. તે “આપની વાણી અમૃત સમાન છે.”, એ શબ્દોનો પ્રયોગ નથી કરતો. આને સાહિત્યિક પ્રવિધિમાં અતિશયોક્તિ (અતિ ભાવુક કથન) કહેવામાં આવે છે, જેમાં તુલનાના વિષયનો પ્રયોગ કરવામાં આવતો નથી. તે શ્રીકૃષ્ણને જનાર્દન તરીકે સંબોધે છે, જેનું તાત્પર્ય છે, “એ જનહિતાર્થી વિભૂતિ, જેની પાસે દુઃખી લોકો રાહતની કામના કરે છે.”

ભગવાનનાં ઐશ્વર્યોનું વર્ણન એ લોકો માટે અમૃત સમાન છે, જેઓ તેમને પ્રેમ કરે છે. તે શ્રીકૃષ્ણના અમૃત સમાન વચનોનું પોતાના કર્ણો દ્વારા શ્રવણ કરીને તેનું સુધાપાન કરી રહ્યો છે અને હવે તે ભૂય: કથય અર્થાત્ “હજી અધિક એક વાર !(once more!) આપના ઐશ્વર્યોનું શ્રવણ કરવાની મારી પિપાસા તૃપ્ત થઈ નથી.” કહીને તેમને પ્રસન્ન કરે છે. દિવ્ય અમૃતની આ પ્રકૃતિ છે. એક બાજુ તે આપણને તુષ્ટ કરે છે, તો સાથોસાથ એ પિપાસામાં વૃદ્ધિ પણ કરે છે. સૂત ગોસ્વામી પાસેથી શ્રીમદ્દ ભાગવતમ્ નું શ્રવણ કરતાં નૈમિષારણ્યના સંતોએ આ સમાન જ કથન ઉચ્ચાર્યું હતું:

            વયં તુ ન વિતૃપ્યામ ઉત્તમશ્લોકવિક્રમે

           યચ્છૃણ્વતાં રસજ્ઞાનાં સ્વાદુ સ્વાદુ પદે પદે (૧.૧.૧૯)

“જેઓ શ્રીકૃષ્ણને સમર્પિત છે, તેઓ તેમના દિવ્ય ઐશ્વર્યોનાં વર્ણનનું શ્રવણ કરતાં કદાપિ થાકતા નથી. આ લીલાઓનું અમૃત એવું છે કે જેમ અધિક તેનું આસ્વાદન કરીએ તેમ અધિક તેના રસમાં વૃદ્ધિ થાય છે.”