સ્વયમેવાત્મનાત્માનં વેત્થ ત્વં પુરુષોત્તમ ।
ભૂતભાવન ભૂતેશ દેવદેવ જગત્પતે ॥૧૫॥
સ્વયમ્—સ્વયં; એવ—વાસ્તવમાં; આત્મના—પોતાની જાતે; આત્મનામ્—પોતાને; વેત્તા:—જાણો છો; ત્વમ્—તમે; પુરુષ-ઉત્તમ—પુરુષોત્તમ; ભૂત-ભાવન—સર્વ પ્રાણીઓના સર્જક; ભૂત-ઈશ—સર્વ જીવોના સ્વામી; દેવ-દેવ—દેવોના ભગવાન; જગત્-પતે—અખિલ બ્રહ્માંડના સ્વામી.
Translation
BG 10.15: હે પુરુષોત્તમ, સર્વ જીવોના સર્જક તથા સ્વામી, દેવોના ભગવાન તથા બ્રહ્માંડના સ્વામી, વાસ્તવમાં, કેવળ આપ જ આપની અંતરંગ શક્તિ દ્વારા સ્વયંને જાણો છો.
Commentary
શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ છે એમ ભારપૂર્વક જણાવીને અર્જુન તેમને આ પ્રમાણે નિરુપે છે:
ભૂત-ભાવન — સર્વ જીવોના સર્જક, બ્રહ્માંડના પિતા.
ભૂતેશ— પરમ નિયંતા, સર્વ પ્રાણીઓના સ્વામી.
જગત-પતે — સૃષ્ટિના ભગવાન તથા સ્વામી.
દેવ-દેવ — સ્વર્ગના સર્વ દેવોના ભગવાન.
શ્વેતાશ્વતર ઉપનિષદ્દ આ જ સત્યને ઘોષિત કરે છે:
યસ્માત્ પરં નાપરમસ્તિ કિઞ્ચિદ્ (૩.૯)
“ભગવાનનો પાર પામી શકાતો નથી, તેઓ સર્વથી પરે છે.”
અગાઉના શ્લોકમાં વર્ણન છે કે ભગવાનને કોઈ દ્વારા જાણી શકાતા નથી. આ પૂર્ણત: તાર્કિક છે. સર્વ જીવો સીમિત બુદ્ધિ ધરાવે છે, જયારે ભગવાન અસીમિત છે અને તેથી તેઓ તેમની બુદ્ધિની પહોંચની બહાર છે. આનાથી ભગવાનનું મહત્ત્વ ઘટતું નથી, બલ્કે વધે છે. પાશ્ચાત્ય દાર્શનિક એફ. એ. જકોબી જણાવે છે; “જે ભગવાનને આપણે જાણી શકીએ, તે ભગવાન નથી.” પરંતુ આ શ્લોકમાં અર્જુન કહે છે કે આખરે એક વિભૂતિ છે, જે ભગવાનને જાણે છે અને તે ભગવાન સ્વયં છે. આ રીતે, કેવળ શ્રીકૃષ્ણ સ્વયંને જાણે છે; અને જો તેઓ તેમની શક્તિઓ આત્માને પ્રદાન કરવાનો નિર્ણય કરે, તો તે સૌભાગ્યશાળી જીવ પણ તેમને જાણી શકે છે.