વૃષ્ણીનાં વાસુદેવોઽસ્મિ પાણ્ડવાનાં ધનઞ્જયઃ ।
મુનીનામપ્યહં વ્યાસઃ કવીનામુશના કવિઃ ॥૩૭॥
વૃષ્ણીનામ્—વૃષ્ણીઓનાં વંશજોમાં; વાસુદેવ:—કૃષ્ણ, વાસુદેવ પુત્ર; અસ્મિ—હું છું; પાણ્ડવાનામ્—પાંડવોમાં; ધનંજય:—અર્જુન, ધનનો વિજેતા; મુનીનામ્—મુનિઓમાં; અપિ—પણ; અહમ્—હું; વ્યાસ:—વેદ વ્યાસ; કવીનામ્—મહાન વિચારકોમાં; ઉશના—શુક્રાચાર્ય; કવિ:—વિચારક.
Translation
BG 10.37: વૃષ્ણીઓના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું. મુનિઓમાં મને વેદ વ્યાસ તથા મહાન વિચારકોમાં શુક્રાચાર્ય જાણ.
Commentary
શ્રીકૃષ્ણે વૃષ્ણી વંશમાં વાસુદેવના પુત્ર તરીકે જન્મ લીધો હતો. ભગવાનથી ઉત્કૃષ્ટ કોઈ આત્મા ન હોવાથી તેઓ સ્વાભાવિક રીતે વૃષ્ણી વંશના સૌથી અધિક પ્રતિભાવાન વિભૂતિ હતા. પાંડવો પાંડુના પાંચ પુત્રો હતા—યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ તથા સહદેવ. તેમનામાંથી અર્જુન એ પરમોત્કૃષ્ટ ધનુર્ધર હતો તથા ભગવાન શ્રીકૃષ્ણનો આત્મીય ભક્ત હતો. તે ભગવાનને પોતાનો પરમ પ્રિય મિત્ર માનતો હતો.
મુનિઓમાં વેદ વ્યાસજીનું વિશેષ સ્થાન છે. તેઓ ‘બાદરાયણ’ તથા ‘કૃષ્ણ દ્વૈપાયન’ના નામથી પણ ઓળખાય છે. તેમણે વૈદિક જ્ઞાનનું પ્રગટીકરણ કર્યું તથા જન-કલ્યાણ અર્થે અનેક શાસ્ત્રો લખ્યાં. વાસ્તવમાં, વેદ વ્યાસ સ્વયં શ્રીકૃષ્ણના અવતાર હતા અને શ્રીમદ્ ભાગવતમ્ માં ભગવાનના અવતારોની સૂચિમાં તેમનો ઉલ્લેખ છે.
શુક્રાચાર્ય એ અતિ વિદ્વાન હતા, જે નીતિ-શાસ્ત્રની વિદ્યામાં તેમની નિપુણતા માટે પ્રખ્યાત હતા. તેમણે અસુરો પ્રત્યે કરુણા દાખવીને તેમનો પોતાના શિષ્યો તરીકે સ્વીકાર કર્યો તથા તેમની પ્રગતિ માટે તેમને માર્ગદર્શન પૂરું પાડયું. તેમની વિદ્વત્તાના ગુણ માટે તેમને ભગવાનની વિભૂતિ તરીકે ઓળખવામાં આવે છે.