વેદાનાં સામવેદોઽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ।
ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ॥૨૨॥
વેદાનામ્—વેદોમાં; સામ-વેદ:—સામવેદ; અસ્મિ—હું છું, દેવાનામ્—સર્વ સ્વર્ગીય દેવોમાં; અસ્મિ—હું છું; વાસવ:—ઇન્દ્ર; ઇન્દ્રિયાણામ્—ઇન્દ્રિયોમાં; મન:—મન; ચ—અને; અસ્મિ—હું છું; ભૂતાનામ્—જીવંત પ્રાણીઓમાં; અસ્મિ—હું છું; ચેતના—ચેતના.
Translation
BG 10.22: વેદોમાં હું સામવેદ છું અને સ્વર્ગીય દેવોમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં હું મન છું; જીવંત પ્રાણીઓમાં હું ચેતના છું.
Commentary
વેદ ચાર છે—ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ સર્વમાંથી સામવેદ ભગવાનના એ મહિમાનું વર્ણન કરે છે, જે સ્વર્ગીય દેવતાઓ કે જેઓ બ્રહ્માંડનું સંચાલન કરવાના પ્રભારી છે, તેમના સ્વરૂપે પ્રગટ થાય છે. સામવેદ અતિ સંગીતમય વેદ છે, જેનું ગાન પ્રભુની પ્રશસ્તિ તરીકે કરવામાં આવે છે. જેમને તેનું જ્ઞાન છે, તેઓ માટે તે અતિ કર્ણપ્રિય છે તથા તે શ્રોતાઓમાં ભક્તિભાવ જાગૃત કરે છે.
વાસવ એ સ્વર્ગના રાજા ઈન્દ્રનું બીજું નામ છે. તે અન્ય જીવાત્માઓની તુલનામાં ખ્યાતિ, બળ અને પદવીની દૃષ્ટિએ અજોડ છે. અનેક જન્મોનાં પુણ્ય કર્મોના ફળસ્વરૂપે કોઈ જીવાત્માની ઇન્દ્રના સ્થાને પદોન્નતિ થાય છે. આમ, ઇન્દ્ર, ભગવાનનાં દૈદીપ્યમાન ઐશ્વર્યને અભિવ્યક્ત કરે છે.
પાંચ ઇન્દ્રિયો તો જ ઉચિત રીતે કાર્ય કરી શકે છે, જો મન તેમના પ્રત્યે સચેત હોય. જો મન ભટકતું હશે તો ઇન્દ્રિયો તેમનું કાર્ય સુચારુ ઢંગથી કરી શકતી નથી. ઉદાહરણ તરીકે, તમે કાન દ્વારા લોકો જે કહે છે તેનું શ્રવણ કરો છો, પરંતુ જો તેઓ જે કહેતા હોય એ સમયે મન ભટકવા લાગે તો તેમનાં શબ્દો તમને સંભળાતા નથી. તેથી મન એ ઇન્દ્રિયોનો રાજા છે. શ્રીકૃષ્ણ તેને સ્વયંની શક્તિ તરીકે અભિવ્યક્ત કરે છે અને પશ્ચાત્ ભગવદ્ ગીતામાં, તેઓ છઠ્ઠી તથા અતિ મહત્ત્વપૂર્ણ ઇન્દ્રિય તરીકે તેનો ઉલ્લેખ કરે છે. (શ્લોક ૧૫.૬)
ચેતના એ આત્માની એ લાક્ષણિકતા છે કે જેને કારણે તેનો અચેતન પદાર્થોથી પૃથક્ હોવાનો બોધ થાય છે. ચેતનાની જીવંત માનવીના શરીરમાં ઉપસ્થિતિ તથા મૃત માનવીના શરીરમાં અનુપસ્થિતિ જ જીવંત માનવી અને મૃત માનવી વચ્ચેની ભિન્નતા દર્શાવે છે. ભગવાનની દિવ્ય શક્તિ દ્વારા આત્મામાં ચેતના સ્થિત રહે છે. તેથી, વેદો વર્ણવે છે: ચેતનશ્ચેતનાનામ્ (કઠોપનિષદ્દ ૨.૨.૧૩) “ભગવાન ચેતનમાં ચૈતન્ય છે.”