એતાં વિભૂતિં યોગં ચ મમ યો વેત્તિ તત્ત્વતઃ ।
સોઽવિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ ॥૭॥
એતામ્—આ; વિભૂતિમ્—ઐશ્વર્યો; યોગમ્—દિવ્ય શક્તિઓ; ચ—અને; મમ—મારા; ય:—જે; વેત્તિ—જાણે; તત્ત્વત:—વાસ્તવિક રીતે; સ:—તેઓ; અવિકલ્પેન—નિશ્ચિત રીતે; યોગેન—ભક્તિયોગમાં; યુજ્યતે—એક થાય છે, ન—કદાપિ નહિ; અત્ર—અહીં; સંશય:—સંશય.
Translation
BG 10.7: જે વાસ્તવમાં મારા મહિમા તથા દિવ્ય શક્તિઓને જાણે છે, તેઓ અવિચળ ભક્તિ દ્વારા મારી સાથે એકીકૃત થઈ જાય છે. એમાં કોઈ સંશય નથી.
Commentary
વિભૂતિ શબ્દનો અર્થ બ્રહ્માંડમાં પ્રગટ થતી ભગવાનની પરમ-શક્તિઓ છે. યોગ અર્થાત્ ભગવાનનો આ અદ્ભુત શક્તિઓ સાથેનો સંબંધ. આ શ્લોકમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે જયારે આપણે ભગવાનની ભવ્યતા પ્રત્યે જાગૃત થઈ જઈએ છીએ તથા તેમના મહિમા અંગે સંમત થઈને તેનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે સ્વાભાવિક રીતે તેમની ભક્તિમાં લીન થવા માટે રૂચિ ધરાવીએ છીએ.
ભગવાનની ભગવદ્તા અંગેનું જ્ઞાન ભક્તના પ્રેમનું પોષણ કરે છે તથા તેમની ભક્તિમાં વૃદ્ધિ કરે છે. નિમ્નલિખિત ઉદાહરણમાં વ્યક્ત થાય છે એ પ્રમાણે જ્ઞાન તથા પ્રેમ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમારો મિત્ર તમને એક કાળો પત્થર બતાવે છે. તમને એના મહત્ત્વ અંગે કોઈ જાણ નથી અને તેથી તે માટે તમને કોઈ પ્રેમ પણ નથી. તમારો મિત્ર કહે છે, “આ શાલિગ્રામ છે અને કોઈ સંત વિભૂતિએ તેને બક્ષિસ તરીકે આપ્યો છે.” શાલિગ્રામ એક એવો પૌરાણિક પત્થર છે, જેને વિષ્ણુ ભગવાનનાં પ્રતિક તરીકે પૂજવામાં આવે છે. જો તમે શાલિગ્રામના મહિમાથી જ્ઞાત હો અને તમને એ જ્ઞાન થાય કે આ પત્થર એ શાલિગ્રામ છે, તો તેના માટે તમારા આદરમાં વૃદ્ધિ થશે. હવે ધારો કે તમારો મિત્ર ઉમેરો કરે છે કે “તને ખબર છે કે પાંચસો વર્ષ પૂર્વે સ્વામી રામાનંદ આ શાલિગ્રામની પૂજા કરતા હતા?” આ જ્ઞાનથી તમારા પત્થર માટેનાં પૂજ્યભાવમાં અધિક વૃદ્ધિ થશે. દરેક સમયે, પ્રાપ્ય જ્ઞાનને કારણે આ પત્થર માટેના તમારા આદરભાવમાં વૃદ્ધિ થઈ. એ જ પ્રમાણે, ભગવાન અંગેનું ઉચિત જ્ઞાન તેમના પ્રત્યેની ભક્તિમાં વૃદ્ધિ કરે છે. તેથી, અનંત બ્રહ્માંડોના અદ્ભુત કાર્યોમાં પ્રગટ થતા ભગવાનના ભવ્ય ઐશ્વર્યોનું વર્ણન કરીને શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકો આ જ્ઞાનમાં સ્થિત થાય છે, તેઓ પ્રાકૃતિક રીતે અવિચળ ભક્તિ દ્વારા તેમની સાથે એકીકૃત થાય છે.