Bhagavad Gita: Chapter 10, Verse 28

આયુધાનામહં વજ્રં ધેનૂનામસ્મિ કામધુક્ ।
પ્રજનશ્ચાસ્મિ કન્દર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ ॥૨૮॥

આયુધાનામ્—સર્વ શાસ્ત્રોમાં; અહમ્—હું; વજ્રમ્—વજ્ર; ધેનુનામ્—ગાયોમાંથી; અસ્મિ—હું છું; કામધુક્—કામધેનુ; પ્રજન:—સંતાનોત્પત્તિનું કારણ; ચ—અને; અસ્મિ—હું છું; કન્દર્પ:—કામદેવ; સર્પાણામ્—સર્પોમાંથી; અસ્મિ—હું છું; વાસુકિ:—વાસુકિ નામનો સાપ.

Translation

BG 10.28: હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં કામધેનુ છું. પ્રજોત્પત્તિનાં કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું; સર્પોમાં વાસુકિ છું.

Commentary

પુરાણોમાં મહાન દધીચિ ઋષિ દ્વારા કરવામાં આવેલ બલિદાનની કથાનું વર્ણન છે, જે ઈતિહાસમાં અનુપમ છે. એક સમયે સ્વર્ગના રાજા ઇન્દ્રને વૃત્રાસુર નામના અસુર દ્વારા તેના સ્વર્ગીય રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તે અસુરને પ્રાપ્ત વરદાન અનુસાર તે સમયે ઉપલબ્ધ કોઈપણ શસ્ત્રથી તેનો વધ કરી શકાય તેમ નહોતું. હતાશ થઈને ઈન્દ્રે ભગવાન શિવ પાસે સહાય માંગી, જેઓ તેને ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયા. વિષ્ણુએ ઈન્દ્રને જણાવ્યું કે કેવળ એક જ શસ્ત્ર છે જે વૃત્રાસુરનો વધ કરી શકે એમ છે અને તે દધીચિ ઋષિના અસ્થિમાંથી તૈયાર કરવામાં આવેલું વજ્ર છે. પશ્ચાત્ ઈન્દ્ર દધીચિ ઋષિને તેમના પ્રાણ ત્યાગીને મહાન બલિદાન આપવા માટે કરગરવા લાગ્યો, કે જેથી તેમનાં અસ્થિઓમાંથી વજ્ર બનાવી શકાય. દધીચિ ઋષિએ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો પરંતુ પ્રથમ તેમણે સર્વ પવિત્ર સરિતાઓની યાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પશ્ચાત્ ઈન્દ્ર સર્વ પવિત્ર નદીઓના જળને એકસાથે નૈમિષારણ્યમાં લઈ આવ્યા, જેથી સમયના વ્યય વિના ઋષિમુનિની ઈચ્છાપૂર્તિ કરી શકાય. પશ્ચાત્ દધીચિ ઋષિએ યૌગિક પધ્ધતિથી તેમનો દેહ ત્યાગી દીધો. પશ્ચાત્ તેમના અસ્થિઓમાંથી નિર્માણ કરવામાં આવેલા વજ્રનો ઉપયોગ કરીને વૃત્રાસુરનો પરાજય કરીને, ઈન્દ્રે તેના સ્વર્ગલોકના રાજાનું સિંહાસન પાછું પ્રાપ્ત કર્યું. શ્રીકૃષ્ણ અહીં સ્વયંના ગૌરવનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરવા હેતુપૂર્વક વજ્રનો ઉલ્લેખ કરે છે અને તેને ભગવાન વિષ્ણુનાં હાથમાં ધારણ કરેલા ચક્ર અને ગદાની તુલનામાં અધિક મહત્વ આપ્યું છે.

આ શ્લોકમાં શ્રીકૃષ્ણ એ પણ સ્પષ્ટ કરે છે કે મૈથુનની ક્રિયા એકમાત્ર જો ઉચિત સંતાનોની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી થાય તો એ અપવિત્ર નથી. કામદેવ, પ્રેમના દેવતા, વિજાતીય જાતિઓ વચ્ચે આકર્ષણ ઉત્પન્ન કરવાના દાયિત્વનું વહન કરે છે, જેને કારણે સંતાનોત્પત્તિ દ્વારા માનવજાતિની નિરંતરતા સરળ બની રહે છે. મૈથુનનું મૂળ ભગવાનમાં રહેલું છે અને તેનો ઈન્દ્રિયજન્ય કામુક સુખ પ્રાપ્ત કરવા દુરુપયોગ કરવો જોઈએ નહીં, પરંતુ તેનો સદુપયોગ એકમાત્ર ગુણવાન સંતતિ પ્રાપ્ત કરવા માટે કરવો જોઈએ. શ્લોક સં. ૭.૧માં પણ શ્રીકૃષ્ણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ મૈથુનની કામના છે, જે સદાચાર તથા શાસ્ત્રીય નિષેધથી વિપરીત નથી.