Bhagavad Gita: Chapter 10, Verse 10

તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્ ।
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ॥૧૦॥

તેષામ્—તેમને; સતત-યુક્તાનામ્—સદા પરાયણ; ભજતામ્—જે ભકિતમાં પરાયણ છે; પ્રીતિ-પૂર્વકમ્—પ્રેમપૂર્વક; દદામિ—હું આપું છું; બુદ્ધિ-યોગમ્—દિવ્ય જ્ઞાન; તમ્—તે; યેન—જેનાથી; મામ્—મને; ઉપયન્તિ—આવે છે; તે—તેઓ.

Translation

BG 10.10: જેમનું મન પ્રીતિપૂર્વક સદૈવ મારી સાથે જોડાયેલું રહે છે, હું તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું. જેના દ્વારા તેઓ મને પ્રાપ્ત કરી શકે છે.

Commentary

ભગવાનનું દિવ્ય જ્ઞાન આપણી બુદ્ધિની ઉડાનથી પ્રાપ્ત થતું નથી. ભલે આપણે અતિ તીક્ષ્ણ માનસિક યંત્ર ધરાવતાં હોઈએ, છતાંયે આપણે એ સત્યને સ્વીકારવું પડે કે આપણી બુદ્ધિ માયિક શક્તિથી બનેલી છે. તેથી, આપણા વિચારો, સમજણ તથા જ્ઞાન માયિક પ્રદેશ સુધી સીમિત છે; ભગવાન તથા તેમનો દિવ્ય પ્રદેશ આપણી સ્થૂળ બુદ્ધિની પરિઘીથી સર્વથા પર છે. વેદો ભારપૂર્વક ઘોષિત કરે છે:

            યસ્યા મતં તસ્ય મતં મતં યસ્ય ન વેદ સઃ

           અવિજ્ઞાતં વિજાનતાં વિજ્ઞાતમવિજાનતામ્ (કેનોપનિષદ્દ ૨.૩)

“જેઓ એમ માને છે કે તેઓ તેમની બુદ્ધિથી ભગવાનને સમજી શકે છે તેમને ભગવાનનું કોઈ જ્ઞાન નથી. જેઓ માને છે કે ભગવાન તેમની સમજશક્તિના વ્યાપ્તથી ઉપર છે, કેવળ તેઓ તેમને વાસ્તવિક રીતે સમજી શકે છે.”

બૃહદારણ્યક ઉપનિષદ્દ વર્ણન કરે છે:

           સ એષ નેતિ નેત્યાત્મા ગૃહ્યોઃ (૩.૯.૨૬)

“કોઈ મનુષ્ય બુદ્ધિ આધારિત સ્વ-પ્રયાસોથી ભગવાનને કદાપિ જાણી શકતો નથી.”

રામાયણ વર્ણન કરે છે:

           રામ અતર્ક્ય બુદ્ધિ મન બાની, મત હમાર અસ સુનહિ સયાની.

“ભગવાન રામ આપણી બુદ્ધિ, મન અને વાણીની પરિધિથી પરે છે.” હવે, ભગવાનને જાણવા અંગે આ વિધાનો સ્પષ્ટતાપૂર્વક ઘોષણા કરે છે કે તેમને જાણી શકાતા નથી, તો કોઈપણ મનુષ્ય માટે ભગવદ્-પ્રાપ્તિ કેવી રીતે સંભવ છે? શ્રીકૃષ્ણ અહીં એ વ્યકત કરે છે કે ભગવાનને કેવી રીતે જાણી શકાય. તેઓ કહે છે કે ભગવાન સ્વયં જીવાત્માને દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે અને જે સૌભાગ્યશાળી જીવાત્મા તેમની કૃપા પ્રાપ્ત કરે છે, તે તેમને જાણી શકે છે.

યજુર્વેદ વર્ણન કરે છે:

           તસ્ય નો રાસ્વ તસ્ય નો ધેહી

“ભગવાનના ચરણ કમળમાંથી ઉત્પન્ન થતા અમૃતમાં સ્વયં સ્નાન કર્યા વિના કોઈપણ તેમને જાણી શકતું નથી.” આમ, ભગવાનનું વાસ્તવિક જ્ઞાન એ બૌદ્ધિક વ્યાયામનાં ખેલ નથી, પરંતુ દિવ્ય કૃપાનું પરિણામ છે. શ્રીકૃષ્ણ એ પણ સ્પષ્ટ કરે છે કે તેઓ તેમની કૃપા ગ્રહણ કરનાર જીવનું ચયન કોઈ તરંગી ઢંગથી કરતા નથી. પરંતુ, જે પોતાનાં મનને તેમની સાથે જોડે છે, તેમના પર કૃપા વરસાવે છે. જયારે આપણે દિવ્ય કૃપા પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે શું થાય છે તે અંગે તેઓ આગળ ચર્ચા કરે છે.