રુદ્રાણાં શઙ્કરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ ।
વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્ ॥૨૩॥
રુદ્રાણામ્—સર્વ રુદ્રોમાં; શંકર:—ભગવાન શિવ; ચ—અને; અસ્મિ—હું છું; વિત્ત-ઈશ:—સંપત્તિના દેવ તથા સ્વર્ગીય દેવોના કોષાધ્યક્ષ; યક્ષ—આંશિક દિવ્ય રાક્ષસો; રાક્ષસામ્—દૈત્યોમાં; વસુનામ્—વસુઓમાં; પાવક:—અગ્નિ; ચ—અને; અસ્મિ—હું છું; મેરુ:—મેરુ પર્વત; શિખરિણામ્—પર્વતોમાં; અહમ્—હું છું.
Translation
BG 10.23: સર્વ રુદ્રોમાં મને શંકર જાણ; યક્ષોમાં હું કુબેર છું. સર્વ વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરુ છું.
Commentary
રુદ્રો એ શિવજીના અગિયાર સ્વરૂપો છે—હર, બહુરૂપ, ત્ર્યંબક, અપરાજિત, વૃષકપિ, શંકર, કપર્દી, રૈવત, મૃગવ્યાધ, સર્વ, કપાલી. પુરાણોમાં ભિન્ન-ભિન્ન સ્થાને તેમને વિભિન્ન નામો આપવામાં આવ્યાં છે. આ સર્વમાં, સમગ્ર બ્રહ્માંડમાં શંકર એ ભગવાન શિવનું મૂળ સ્વરૂપ છે.
યક્ષો (આંશિક દિવ્ય દૈત્યો) એ એવા જીવો છે, જે સંપત્તિનાં સંપાદન અને સંગ્રહનો શોખ ધરાવે છે. તેમના પ્રમુખ, કુબેર, સંપત્તિના દેવ તથા સ્વર્ગીય દેવોના કોષાધ્યક્ષ છે. આ પ્રમાણે, તેઓ યક્ષોમાં ભગવાનની વિભૂતિની અભિવ્યક્તિ કરે છે.
વસુઓ આઠ છે—ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, અવકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાગણ. તેઓ બ્રહ્માંડની સ્થૂળ સંરચનાનું બંધારણ કરે છે. આ સર્વમાં અગ્નિ, શેષ અન્ય તત્ત્વોને ઉષ્મા તથા શક્તિ પ્રદાન કરે છે. આમ, શ્રીકૃષ્ણ તેનો સ્વયંનાં વિશેષ પ્રાગટય તરીકે ઉલ્લેખ કરે છે.
મેરૂ એ તેના સમૃદ્ધ પ્રાકૃતિક સ્રોતો માટે પ્રસિદ્ધ, સ્વર્ગલોકમાં સ્થિત પર્વત છે. એવું માનવામાં આવે છે કે તે એક એવી ધરી છે જેની આસપાસ અનેક સ્વર્ગીય દેહો પરિભ્રમણ કરે છે. શ્રીકૃષ્ણ તેને પોતાની વિભૂતિ તરીકે વર્ણવે છે. જેમ સંપત્તિ શ્રીમંત મનુષ્યનો પરિચય આપે છે, તેમ આ ઐશ્વર્યો ભગવાનની વિભૂતિ પ્રગટ કરે છે.