Bhagavad Gita: Chapter 10, Verse 11

તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ ।
નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ॥૧૧॥

તેષામ્—તેમને; એવ—કેવળ; અનુકમ્પા-અર્થમ્—કરુણાવશ; અહમ્—હું; અજ્ઞાન-જમ્—અજ્ઞાનજન્ય; તમ:—અંધકાર; નાશયામિ—નષ્ટ કરું છું; આત્મ-ભાવ—તેમનાં હૃદયમાં; સ્થ:—સ્થિત; જ્ઞાન—જ્ઞાનના; દીપેન—દીપક દ્વારા; ભાસ્વતા—તેજસ્વી.

Translation

BG 10.11: તેમના પર અનુકંપા કરીને, તેમનાં અંત:કરણમાં નિવાસ કરનારો હું અજ્ઞાનથી જન્મેલ અંધકારને જ્ઞાનનાં તેજસ્વી દીપકથી નષ્ટ કરું છું.

Commentary

આ શ્લોકમાં શ્રીકૃષ્ણ, કૃપાની વિભાવનાને વિસ્તૃત રીતે સમજાવે છે. અગાઉ, તેમણે જણાવ્યું કે જે લોકો પોતાનાં મનને પ્રેમપૂર્વક તેમના પરત્વે પરાયણ રાખે છે અને ભગવાનને જ પોતાનાં આયોજનો, વિચારો અને પ્રવૃત્તિઓનો સર્વોપરી વિષય રાખે છે, તેમનાં પર તેઓ કૃપા વરસાવે છે. હવે, જયારે કોઈ તેમની કૃપા પ્રાપ્ત કરે છે, ત્યારે શું થાય છે તે પ્રગટ કરે છે. તેઓ કહે છે કે તેઓ જ્ઞાનનાં દીપકથી તેમનાં અંત:કરણના અંધકારને નષ્ટ કરે છે.

ઘણીવાર અંધકારને અજ્ઞાનનાં પ્રતિકાત્મક રૂપે દર્શાવવામાં આવે છે પરંતુ આ જ્ઞાનનો દીપક શું છે જેના વિષે શ્રીકૃષ્ણ ચર્ચા કરે છે. વર્તમાનમાં આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આ સર્વ માયિક છે, જયારે ભગવાન દિવ્ય છે. તેથી, આપણે તેમને જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, જાણી શકતા નથી અને તેમની સાથે જોડાઈ શકતા નથી. જયારે ભગવાન તેમની કૃપા વરસાવે છે ત્યારે તેઓ તેમની દિવ્ય યોગમાયા શક્તિ આત્માને પ્રદાન કરે છે. તેને શુદ્ધ સત્ત્વ (સત્વનો દિવ્ય ગુણ) પણ કહેવામાં આવે છે, જે માયાના સત્ત્વ ગુણ (સાત્વિક ગુણ)થી ભિન્ન છે. જયારે આપણે એ શુદ્ધ સત્ત્વ શક્તિ પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ દિવ્ય બની જાય છે. તેને સરળતાથી આમ સમજાવી શકાય કે તેમની કૃપા દ્વારા ભગવાન તેમની દિવ્ય ઇન્દ્રિયો, દિવ્ય મન તથા દિવ્ય બુદ્ધિ આત્માને પ્રદાન કરે છે. આ દિવ્ય સાધનોથી સંપન્ન થઈને આત્મા ભગવાનને જોવા, સાંભળવા, જાણવા અને તેમની સાથે એક થઈને જોડાવા માટે સમર્થ બને છે. તેથી, વેદાંત દર્શન વર્ણવે છે: વિશેષાનુગ્રહશ્ચ (૩.૪.૩૮)   “કેવળ ભગવદ્ કૃપા દ્વારા મનુષ્ય દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.” આ પ્રમાણે, જે પ્રકાશપુંજનો શ્રીકૃષ્ણ ઉલ્લેખ કરે છે તે તેમની દિવ્ય શક્તિ છે. ભગવાનની દિવ્ય શક્તિના પ્રકાશથી માયિક શક્તિનો અંધકાર દૂર થાય છે.