Bhagavad Gita: Chapter 10, Verse 1

શ્રીભગવાનુવાચ ।
ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ ।
યત્તેઽહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા ॥૧॥

શ્રી ભગવાન્ ઉવાચ—આનંદમયી ભગવાન બોલ્યા; ભૂય:—પુન:; એવ—નિ:સંદેહ; મહા-બાહો—બળવાન ભુજાઓવાળો; શ્રુણુ—સાંભળ; મે—મારો; પરમમ્—દિવ્ય; વચ:—ઉપદેશ; યત્—જે; તે—તને; અહમ્—હું; પ્રીયમાણાય—મારો અંગત પ્રિય મિત્ર; વક્ષ્યામિ—કહું; હિત-કામ્યયા—તારા કલ્યાણાર્થે.

Translation

BG 10.1: શ્રી ભગવાન બોલ્યા: હે મહાબાહુ, મારો દિવ્ય ઉપદેશ પુન: સાંભળ. તું મારો મિત્ર હોવાથી તારા કલ્યાણાર્થે હું તેને પ્રગટ કરીશ.

Commentary

શ્રીકૃષ્ણ તેમનો મહિમા સાંભળવાની અર્જુનની તીવ્ર ઉત્કંઠાથી પ્રસન્ન થયા. હવે, તેની પ્રેમા-ભક્તિના આનંદમાં તેમજ ઉત્સાહમાં વૃદ્ધિ કરવાના પ્રયોજનાર્થે શ્રીકૃષ્ણ ઘોષણા કરે છે કે તેઓ સ્વયંનાં અદ્ભુત મહિમા તેમજ અતુલનીય ગુણોનું વર્ણન કરશે. તેઓ “તે પ્રીયમાણાય”  શબ્દનો ઉપયોગ કરે છે, જે સૂચિત કરે છે કે “તું મારો અંગત પ્રિય સખા છો અને તેથી આ અતિ વિશેષ જ્ઞાન હું તારી સમક્ષ પ્રગટ કરું છું.”