Bhagavad Gita: Chapter 9, Verse 21

તે તં ભુક્ત્વા સ્વર્ગલોકં વિશાલં
ક્ષીણે પુણ્યે મર્ત્યલોકં વિશન્તિ ।
એવં ત્રયીધર્મમનુપ્રપન્ના
ગતાગતં કામકામા લભન્તે ॥ ૨૧॥

તે—તેઓ; તમ્—તેને; ભુક્ત્વા—ભોગવીને; સ્વર્ગ-લોકમ્—સ્વર્ગ; વિશાલમ્—વિસ્તૃત; ક્ષીણે—સમાપ્ત થતાં; પુણ્યે—પુણ્ય; મર્ત્ય-લોકમ્—પૃથ્વીલોક; વિશન્તિ—પાછા ફરે છે; એવમ્—એ રીતે; ત્રયી ધર્મમ્—ત્રિ વેદોનો કર્મકાંડ વિભાગ; અનુપ્રપન્ના:—પાલન કરનાર; ગત-આગતમ્—પુન: આવન-જાવન; કામ-કામા:—ઇન્દ્રિયસુખનાં વિષયોની ઈચ્છા; લભન્તે—પ્રાપ્ત કરે છે.

Translation

BG 9.21: જયારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખો ભોગવી લે છે અને તેમનાં પુણ્યકર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેઓ પૃથ્વીલોકમાં પાછા ફરે છે. આ પ્રમાણે, જેઓ ઇન્દ્રિયસુખોના વિષયોની કામના હેતુ વૈદિક કર્મકાંડનું પાલન કરે છે, તેઓ આ સંસારમાં પુન: પુન: આવાગમન કરે છે.

Commentary

શ્રીકૃષ્ણ આ શ્લોકમાં સ્પષ્ટતા કરે છે કે, સ્વર્ગલોકના સ્વર્ગીય સુખો અલ્પકાલીન હોય છે. જે લોકોને ત્યાં મોકલવામાં આવ્યા હોય છે તેઓ જયારે પૂર્ણપણે આ સુખો ભોગવી લે છે અને તેમના પુણ્યકર્મો સમાપ્ત થઈ જાય છે, પશ્ચાત્ તેઓને પૃથ્વીલોક પર પાછા મોકલવામાં આવે છે. આ પ્રમાણે, સ્વર્ગલોકમાં પ્રાપ્ત થયેલી બઢતી આત્માની સનાતન શોધની પૂર્તિ કરી શકતી નથી. પૂર્વે અનંત જન્મોમાં આપણે ત્યાં જઈ આવ્યા છીએ, છતાં આત્માની અનંત આનંદની ક્ષુધા હજી સુધી સંતુષ્ટ થઈ નથી. સર્વ વૈદિક ગ્રંથો આ માન્યતાને સમર્થન આપે છે:

             તાવત્ પ્રમોદતે સ્વર્ગે યાવત્ પુણ્યં સમાપ્યતે

           ક્ષીણપુણ્યઃ પતત્યર્વાગનિચ્છન્ કાલચાલિતઃ (ભાગવતમ્ ૧૧.૧૦.૨૬)

“સ્વર્ગવાસીઓ ત્યાં સુધી સ્વર્ગીય સુખો ભોગવે છે, જ્યાં સુધી તેમનાં પુણ્યકર્મો સમાપ્ત થતા નથી. પશ્ચાત્ સમયાંતરે તેમને બળપૂર્વક અનિચ્છાએ નિમ્નતર લોકમાં પાછા મોકલી દેવામાં આવે છે.”

            સ્વર્ગહુ સ્વલ્પ અંત દુ:ખદાઈ (રામાયણ)

“સ્વર્ગની પ્રાપ્તિ અલ્પકાલીન હોય છે અને અંતે દુઃખદાયી હોય છે.”

જે પ્રમાણે એક ફૂટબોલ, રમતના મેદાન પર ખેલાડીઓ દ્વારા ઠોકરો ખાતો રહે છે. તે પ્રમાણે, માયા જીવાત્માને ભગવાનથી વિમુખ થવાના કારણે ઠોકર મારતી રહે છે. ક્યારેક તે નિમ્નતર લોકમાં જાય છે, તો ક્યારેક ઉચ્ચતર લોકમાં જાય છે. નિમ્નતર અને ઉચ્ચતર લોકમાં અનેક યોનિઓમાંથી એકમાત્ર મનુષ્ય યોનિ જ ભગવદ્-પ્રાપ્તિ માટે સુવિધા પ્રદાન કરે છે. તેથી, શાસ્ત્રો પણ વર્ણન કરે છે કે, સ્વર્ગના દેવતાઓ પણ મનુષ્ય દેહ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે કે જેથી તેઓ તેમની સ્વર્ગ પ્રાપ્તિ માટે પૂર્વે થયેલી ભૂલને સુધારી શકે અને ભગવદ્-પ્રાપ્તિ માટે પ્રયાસ કરી શકે.

            દુર્લભં માનુષં જન્મ પ્રાર્થયતે ત્રિદશૈરપિ (નારદ પુરાણ)

“માનવ જન્મ અતિ દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ તેને પ્રાપ્ત કરવા પ્રાર્થના કરે છે.”

આમ, શ્રીરામ અયોધ્યાવાસીઓને ઉપદેશ આપે છે:

              બડેં ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રન્થન્હિ ગાવા

“હે અયોધ્યાવાસીઓ, તમે સૌ અતિ સૌભાગ્યશાળી છો કે તમને માનવ જન્મ પ્રાપ્ત થયો છે, જે અતિ દુર્લભ છે અને સ્વર્ગવાસીઓ તેની કામના કરે છે.” જો સ્વર્ગવાસીઓ માનવદેહની કામના કરતા હોય તો આપણે સ્વર્ગલોકમાં જવા માટે શા માટે કામના કરવી જોઈએ? તેના બદલે, આપણે શ્રી ભગવાનની ભક્તિમાં લીન થઈને ભગવદ્-પ્રાપ્તિને ધ્યેય બનાવવું જોઈએ.