Bhagavad Gita: Chapter 9, Verse 16-17

અહં ક્રતુરહં યજ્ઞઃ સ્વધાહમહમૌષધમ્ ।
મન્ત્રોઽહમહમેવાજ્યમહમગ્નિરહં હુતમ્ ॥ ૧૬॥
પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહઃ ।
વેદ્યં પવિત્રમોઙ્કાર ઋક્સામ યજુરેવ ચ ॥ ૧૭॥

અહમ્—હું; ક્રતુ:—વૈદિક કર્મકાંડ; અહમ્—હું; યજ્ઞ:—યજ્ઞ; સ્વધા—આહુતિ; અહમ્—હું; અહમ્—હું; ઔષધમ્—ઔષધિ; મન્ત્ર:—વૈદિક મંત્ર; અહમ્—હું; અહમ્—હું; એવ—પણ; આજ્યમ્—ઘી; અહમ્—હું; અગ્નિ:—અગ્નિ; અહમ્—હું; હુતમ્—આહુતિ; પિતા—પિતા; અહમ્—હું; અસ્ય—આ; જગત:—વિશ્વ; માતા—માતા; ધાતા—રક્ષક; પિતામહ:—પિતામહ; વેદ્યમ્—જ્ઞાનનું લક્ષ્ય; પવિત્રમ્—પાવન કરનારું; ઓમ-કાર(ॐ)—પવિત્ર ઓમકાર; ઋક—ઋગ્વેદ; સામ—સામવેદ; યજુ:—યજુર્વેદ; એવ—પણ; ચ—અને.

Translation

BG 9.16-17: એ હું જ છું, જે વૈદિક કર્મકાંડ છે, હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું. હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું. હું ઘી છું, હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું. આ વિશ્વનો હું પિતા છું; હું જ માતા, આશ્રયદાતા અને પિતામહ પણ છું. હું પવિત્ર કરનારો, જ્ઞાનનું ધ્યેય, પવિત્ર ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું.

Commentary

આ શ્લોકોમાં, શ્રીકૃષ્ણ તેમના અનંત સ્વરૂપના વિવિધ પાસાંઓની ઝાંખી કરાવે છે. ક્રતુ અર્થાત્ યજ્ઞ, જેમ કે વેદોમાં અગ્નિહોત્ર યજ્ઞનો ઉલ્લેખ છે. તેનો અર્થ સ્મૃતિ શાસ્ત્રોમાં વર્ણિત વૈશ્વદેવ જેવા યજ્ઞો પણ થાય છે. ઔષધમ્  ઔષધિઓમાં રહેલી ક્ષમતાનું સૂચન કરે છે.

સૃષ્ટિનો ઉદ્ભવ ભગવાનમાંથી થયો છે અને તેથી તેઓ તેના પિતા છે. સર્જન પૂર્વે તેમણે અપ્રગટ માયિક શક્તિને પોતાના ગર્ભમાં ધારણ કરી હતી અને તેથી તેઓ તેની માતા પણ છે. તેઓ વિશ્વનું પાલન અને પોષણ કરે છે અને એ પ્રમાણે તેઓ તેના ધાતા (પાલક) છે. તેઓ સૃષ્ટિનાં સર્જક -બ્રહ્માના- પિતા પણ છે અને તેથી તેઓ આ બ્રહ્માંડના પિતામહ છે.

વેદો ભગવાનમાંથી ઉત્પન્ન થયા છે. રામાયણ કહે છે: જાકી સહજ શ્વાસ શ્રુતિ ચારી  “ભગવાને તેમના શ્વાસમાંથી વેદો ઉત્પન્ન કર્યા”. તેઓ ભગવાનની જ્ઞાનશક્તિ છે અને તેથી તેમનાં અનંત સ્વરૂપનું પાસું છે. શ્રીકૃષ્ણ આ સત્યને નાટ્યાત્મક રીતે ‘હું વેદ છું’, એમ કહીને વર્ણવે છે.