અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્ કપિધ્વજઃ ।
પ્રવૃત્તે શસ્ત્રસમ્પાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ ॥ ૨૦॥
હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે ।
અથ—ત્યાર પછી, વ્યવસ્થિતાન્—સ્થિત, દૃષ્ટવા—જોઈને, ધાર્તરાષ્ટ્રાન્—ધૃતરાષ્ટ્રના પુત્રો, કપિધ્વજ:—જેના ધ્વજ પર હનુમાનજીનું ચિહ્ન છે તે, પ્રવૃત્તે—કટિબદ્ધ, શસ્ત્ર-સંપાતે—શસ્ત્ર વાપરવા માટે, ધનુ:—ધનુષ્ય, ઉદ્યમ્ય—લઈને, પાણ્ડવ:—પાંડુ પુત્ર, અર્જુન, હૃષીકેશમ્—ભગવાન કૃષ્ણને, તદા—ત્યારે, વાક્યમ્—વચન, ઈદમ્—આ, આહ—કહ્યાં, મહીપતે—રાજા.
Translation
BG 1.20: તે સમયે, હનુમાનના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયો. હે રાજન! આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુને શ્રી કૃષ્ણને નીચે પ્રમાણેના વચનો કહ્યાં.
Commentary
આ શ્લોકમાં અર્જુનને કપિધ્વજનું સંબોધન કરવામાં આવ્યું છે કારણકે, તેમના રથ ઉપર મહાવીર હનુમાનની ઉપસ્થિતિ હતી. આની પૃષ્ઠભૂમિમાં એક કથા વણાયેલી છે. એકવાર અર્જુનને તેની ધનુર્વિદ્યા માટે ઘમંડ થઈ ગયો અને તેણે શ્રી કૃષ્ણને કહ્યું કે, શ્રી રામના સમયે વાનરોએ ભારતથી લંકા સુધી સમુદ્રમાં સેતુ બનાવવામાં આટલો વ્યર્થ પરિશ્રમ શા માટે કર્યો? જો તે ત્યાં હાજર હોત તો બાણોથી જ સેતુનું નિર્માણ કરી દેત. શ્રી કૃષ્ણએ તેનું નિદર્શન કરવા કહ્યું. અર્જુને બાણવર્ષાથી સેતુનું નિર્માણ કરી દીધું. શ્રી કૃષ્ણે હનુમાનને બોલાવ્યા અને સેતુનું પરીક્ષણ કરવા કહ્યું. જ્યારે વીર હનુમાને તેનાં પર ચાલવાનું શરુ કર્યું તો સેતુ તૂટવા લાગ્યો. અર્જુનને ભાન થયું કે તેના બાણોથી બનાવેલો સેતુ ક્યારેય ભગવાન શ્રી રામની વિશાળ સેનાનો ભાર વહન કરવાની ક્ષમતા ધરાવતો ન હતો અને તેણે પોતાની ભૂલ માટે ક્ષમા માંગી. ત્યારે હનુમાને અર્જુનને શિક્ષા આપી કે ક્યારેય પોતાના કૌશલ્યનો ઘમંડ કરવો જોઈએ નહિ. તેમણે ઉદારતાપૂર્વક અર્જુનને એ વરદાન આપ્યું કે મહાભારતના યુદ્ધ દરમ્યાન તેઓ તેના રથ પર આસીન રહેશે. તેથી, અર્જુનનો રથ હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજા ધરાવતો હતો, જેને કારણે તેનું નામ ‘કપિધ્વજ’ કે ‘વાનરધ્વજ’ પડયું.