Bhagavad Gita: Chapter 1, Verse 21-22

અર્જુન ઉવાચ ।
સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત ॥ ૨૧॥
યાવદેતાન્નિરીક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ ।
કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે ॥ ૨૨॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું, સેનયો:—સેનાઓની, ઉભયો:—બંને, મધ્યે—વચ્ચે, રથમ્—રથ, સ્થાપય—ઊભો રાખો, મે—મારા, અચ્યુત—શ્રીકૃષ્ણ, ચ્યુત ના થનાર, યાવત્—જ્યાં સુધી, એતાન્—આ બધાને, નિરીક્ષે—જોવું, અહમ્—હું, યોદ્ધુ-કામાન્—યુદ્ધ માટે, અવસ્થિતાન્—વ્યૂહરચનામાં એકત્ર થયેલા, કૈ:—કોની સાથે, મયા—મારા વડે, સહ—સાથે, યોદ્ધવ્યમ્—યુદ્ધ કરવાનું, અસ્મિન્—આમાં, રણ-સમુદ્યમે—સંઘર્ષનાં પ્રયાસમાં.

Translation

BG 1.21-22: અર્જુને કહ્યું, હે અચ્યુત! કૃપા કરીને મારો રથ બંને સેનાઓની મધ્યે ઊભો રાખો, જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે આ મહા શસ્ત્રસંગ્રામમાં મારે યુદ્ધ કરવાનું છે, તેમને જોઈ શકું.

Commentary

અર્જુન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો કે, જેઓ સમગ્ર સૃષ્ટિના પરમ સ્વામી છે. છતાં, આ શ્લોકમાં, અર્જુન પોતાની ઇચ્છાનુસાર અપેક્ષિત સ્થાને રથને લઇ જવા માટે ભગવાનને નિર્દેશ કરે છે. આ ભગવાનના ભક્તો સાથેના મધુર સંબંધની પ્રતીતિ કરાવે છે. ભક્તના નિષ્કપટ પ્રેમના ઋણી થઈને ભગવાન સ્વયં તેમના દાસ બની જાય છે.

અહં ભકતપરાધીનો હ્યસ્વતંત્ર ઈવ દ્વિજ

સાધુભીર્ગ્રસ્તહૃદયો ભક્તૈર્ભક્તજનપ્રિય: (ભાગવતમ્ ૯.૪.૬૩)

યદ્યપિ હું પરમ સ્વતંત્ર છું, છતાં પણ હું મારા ભક્તોનો સેવક બની જાઉં છું. તેઓ મને અત્યંત પ્રિય છે અને તેમના પ્રેમને કારણે હું તેમનો ઋણી થઇ જાઉં છું.” અર્જુનની ભક્તિથી ઉપકૃત થઈને, શ્રી કૃષ્ણે સારથિનું પદ ગ્રહણ કર્યું, જયારે અર્જુન યાત્રીના આસન પર સુવિધાપૂર્વક બિરાજમાન થઈને તેમને સૂચનાઓ આપી રહ્યો હતો.