Bhagavad Gita: Chapter 1, Verse 2

સઞ્જય ઉવાચ ।
દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા ।
આચાર્યમુપસઙ્ગમ્ય રાજા વચનમબ્રવીત્ ॥ ૨॥

સઞ્જય ઉવાચ—સંજય બોલ્યા, દૃષ્ટવા—જોઇને, તુ—પરંતુ, પાણ્ડવ અનીકમ્—પાંડવોના સૈન્યને, વ્યૂઢમ્—વ્યૂહરચનામાં ગોઠવાયેલા, દુર્યોધન—દુર્યોધન, તદા—ત્યારે, આચાર્યમ્—શિક્ષક, ઉપસંગમ્ય—પાસે જઈને, રાજા—રાજા, વચનામ્—શબ્દ, અબ્રવીત્—કહ્યા.

Translation

BG 1.2: સંજય બોલ્યા: પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને, રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યાં.

Commentary

ધૃતરાષ્ટ્ર એ વાતની ખાતરી કરવા માંગતા હતા કે તેના પુત્રો હજી પણ યુદ્ધ કરવા માટે તત્પર છે. સંજય ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નનું તાત્પર્ય સમજી ગયા અને તેની ખાતરી કરતાં કહ્યું કે પાંડવો વ્યૂહરચના બનાવીને યુદ્ધ માટે સજ્જ છે. પશ્ચાત્ વાર્તાલાપનો વિષય બદલતા તેમણે કહ્યું કે દુર્યોધન શું કરી રહ્યો હતો.

ધૃતરાષ્ટ્રનો જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન ખૂબ જ દુષ્ટ અને ક્રૂર પ્રકૃતિ ધરાવતો હતો. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હોવાના કારણે વ્યાવહારિક રીતે દુર્યોધન હસ્તિનાપુરના સામ્રાજ્ય પર શાસન કરતો હતો. તે પાંડવો પ્રત્યે અત્યાધિક અણગમો ધરાવતો હતો અને તેમને દૂર કરવા કટિબદ્ધ હતો, જેથી તે નિર્વિરોધ શાસન કરી શકે. તેની ધારણા એવી હતી કે પાંડવો ક્યારેય એટલી વિશાળ સેના એકત્રિત નહિ કરી શકે જે તેની સેનાનો સામનો કરી શકે. પરંતુ તેની ધારણાથી વિપરીત પાંડવોની વિશાળ સેનાને જોઇને દુર્યોધન વ્યાકુળ અને હતોત્સાહ થઇ ગયો હતો.

દુર્યોધનનું પોતાના ગુરુ પાસે જવું એ દર્શાવે છે કે તે યુદ્ધના પરિણામ અંગે ભયભીત હતો. તે દ્રોણાચાર્ય પ્રત્યે આદર વ્યક્ત કરવાનો ડોળ કરતાં તેમની પાસે ગયો પરંતુ વાસ્તવમાં તે પોતાની ચિંતા છુપાવવા માંગતો હતો. તેથી તે હવે શરુ થતા નવ શ્લોક આ પ્રમાણે બોલ્યો.