ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ ।
ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ ॥ ૨૫॥
ભીષ્મ—પિતામહ ભીષ્મ, દ્રોણ—દ્રોણાચાર્ય, પ્રમુખત:—ની ઉપસ્થિતિમાં, સર્વેષામ્—સૌની, ચ—અને, મહી-ક્ષિતમ્—અન્ય રાજાઓ, પાર્થ—અર્જુન,પૃથાનો પુત્ર, પશ્ય—જો, એતાન્—આ બધાને, સંવેતાન—એકત્રિત થયેલા, કુરુન્—કુરુના વંશજ, ઇતિ—આ પ્રકારે.
Translation
BG 1.25: ભીષ્મ, દ્રોણ તથા અન્ય સર્વ રાજાઓની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણે કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો.
Commentary
“કુરુ” શબ્દનો પ્રયોગ કૌરવો અને પાંડવો બંને માટે થયો છે, કારણ કે, તેઓ બંને કુરુના વંશજ છે. શ્રી કૃષ્ણ હેતુપૂર્વક આ શબ્દનો ઉપયોગ કરે છે કે જેથી અર્જુનમાં બંધુત્વની ભાવના જાગૃત થાય અને તેને પ્રતીત થાય કે તેઓ બધાં એક છે. તેઓ ઈચ્છતા હતા કે, બંધુત્વની ભાવનાને કારણે મોહ ઉત્પન્ન થાય, જે અર્જુનને વિચલિત કરી દેશે અને પરિણામ સ્વરૂપે શ્રી કૃષ્ણને ભવિષ્યમાં આવનારા કળિયુગની માનવજાતિના કલ્યાણાર્થે ગીતાના સિદ્ધાંતનો દિવ્ય ઉપદેશ આપવાનો અવસર પ્રાપ્ત થાય. તેથી જ, તેમણે ‘ધાર્તરાષ્ટ્રાન્’ (ધૃતરાષ્ટ્રના પુત્રો) ને બદલે ‘કુરુન્’ (કુરુના વંશજ) શબ્દનો ઉપયોગ કર્યો. જે રીતે એક દાકતર પ્રથમ તો ફોડલાની પીડાથી ગ્રસિત દર્દીને પીડા ઓછી થાય તે માટે ઔષધિ આપે છે અને પછી તેના રોગથી ગ્રસ્ત ભાગને દૂર કરવા શસ્ત્રક્રિયા કરે છે, ભગવાને બરાબર એ જ પ્રમાણે, અર્જુનમાં છુપાયેલા ભ્રામક મોહને પ્રથમ જાગૃત કર્યો કે જેથી પશ્ચાત્ તેને નષ્ટ કરી શકાય.