કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત ॥ ૪૦॥
કુલ-ક્ષયે—કુળના વિનાશમાં; પ્રણશ્યન્તિ—વિનષ્ટ થઈ જાય છે; કુળ-ધર્મા:—કુળની પરંપરાઓ; સનાતના:—શાશ્વત; ધર્મે—ધર્મ; નષ્ટે—નષ્ટ થાય ત્યારે; કુળમ્—કુળને; કૃત્સનમ્—સંપૂર્ણ; અધર્મ:—અધર્મ; અભિભવતિ—બદલે છે; ઉતુ—વાસ્તવમાં.
Translation
BG 1.40: જયારે કુળનો નાશ થાય છે ત્યારે તેની પ્રાચીન કુળ-પરંપરાઓ પણ નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં પ્રવૃત્ત થવા લાગે છે.
Commentary
દરેક કુળની વર્ષો જૂની પરંપરાઓ અને પ્રાચીન પ્રથાઓ હોય છે, જેને અનુસરીને પરિવારના વયોવૃદ્ધ સભ્યો આવનારી પેઢીઓ સુધી ઉત્તમ મૂલ્યો અને આદર્શો પહોંચાડે છે. આ પરંપરાઓ પરિવારના સભ્યોને માનવીય મૂલ્યો અને ધાર્મિક ઔચિત્યને અનુસરવામાં સહાયરૂપ થાય છે. જો આ વડીલો સમય પૂર્વે મૃત્યુ પામે છે, તો તેમની ભાવિ પેઢી પારિવારિક માર્ગદર્શન તથા તાલીમથી વંચિત રહી જાય છે. અર્જુન આ અંગે ધ્યાન દોરીને કહે છે કે, જયારે કુળોનો વિનાશ થઈ જાય છે ત્યારે તેમની પરંપરાઓનું પણ તેમની સાથે મૃત્યુ થઈ જાય છે અને પરિવારના શેષ સભ્યોની અધાર્મિક અને વ્યભિચારી પ્રવૃત્તિઓનો વિકાસ થાય છે, જેથી તેઓ આધ્યાત્મિક મુક્તિનો અવસર ખોઈ બેસે છે. આમ તેના મતે, કુળના વડીલોની કદાપિ હત્યા કરવી જોઈએ નહીં.