સઞ્જય ઉવાચ ।
એવમુક્ત્વાર્જુનઃ સઙ્ખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ॥ ૪૭॥
સઞ્જય ઉવાચ—સંજય બોલ્યા; એવમ્ ઉક્ત્વા—એમ કહીને; અર્જુન:—અર્જુન; સઙ્ખ્યે—રણક્ષેત્રમાં; રથ ઉપસ્થે—રથના આસન પર; ઉપવિશત્—બેસી ગયો; વિસૃજ્ય—બાજુએ મૂકીને; સ-શરમ્—બાણો સાથે; ચાપમ્—ધનુષ્ય; શોક—શોકથી; સંવિગ્ન—સંતપ્ત; માનસ:—મનવાળો.
Translation
BG 1.47: સંજય બોલ્યા: આ પ્રમાણે કહીને અર્જુને પોતાના બાણ અને ધનુષ્ય બાજુ પર મૂકી દીધાં અને રથના આસન પર ફસડાઈ પડયો, તેનું મન વ્યથા અને શોકથી સંતપ્ત થઇ ગયું.
Commentary
પ્રાય: જયારે મનુષ્ય બોલતો હોય છે તે સમયે ભાવનાઓમાં વહી જાય છે, અને એ જ રીતે અર્જુનનો વિષાદ, જે શ્લોક ૧.૨૮ થી પ્રગટ થવાનો આરંભ થયો હતો, તે હવે તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. તેણે તેના ધાર્મિક કર્તવ્યોમાં સમ્મિલિત થવાના સંઘર્ષને અવિચારી રાજીનામું આપીને પડતો મૂક્યો છે, જે જ્ઞાન અને ભક્તિના પથ પર આત્મસમર્પણ કરવાની અવસ્થાથી સર્વથા વિપરીત છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે, અર્જુન કોઈ નવદીક્ષિતની જેમ આધ્યાત્મિક જ્ઞાનથી વંચિત ન હતો. એ દૈવીય લોકમાં રહી ચૂક્યો હતો અને પોતાના પિતા, સ્વર્ગના સમ્રાટ ઇન્દ્ર પાસેથી શિક્ષા પણ મેળવી ચૂક્યો હતો. વાસ્તવમાં, તે તેના પૂર્વ જન્મમાં નર હતો અને અલૌકિક જ્ઞાનથી પરિપૂર્ણ હતો. (નર-નારાયણ એવું દ્વિ-અવતરણ હતું, જેમાં નર એ સંપૂર્ણ આત્મા હતો અને નારાયણ પરમાત્મા હતા.) આનું પ્રમાણ મહાભારતના યુદ્ધ પૂર્વેના એ તથ્યથી પ્રાપ્ત થાય છે કે અર્જુને સમગ્ર યદુસેનાને દુર્યોધન માટે છોડી દઈને એકમાત્ર શ્રી કૃષ્ણની પોતાના પક્ષે પસંદગી કરી. તેને દૃઢ શ્રદ્ધા હતી કે, જો ભગવાન તેના પક્ષે હશે તો તે કદાપિ પરાજિત થશે નહીં. વાસ્તવમાં, શ્રી કૃષ્ણ ભગવદ્દ ગીતાનો દિવ્ય ઉપદેશ ભાવિ પેઢીના કલ્યાણ માટે ઉચ્ચારવા ઈચ્છતા હતા, અને તેથી જ અનુકૂળ અવસર જોઇને તેમણે અર્જુનના મનમાં વ્યગ્રતા ઉત્પન્ન કરી.